Kasoombo Teaser: વિજયગીરી ફિલ્મોઝની ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’નું દમદાર ટીઝર રિલીઝ

21 December, 2023 08:51 PM IST  |  Mumbai | Karan Negandhi

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ (Kasoombo Teaser)નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ 27 સેકન્ડનું આ ટીઝર દમદાર એક્શનથી ભરપૂર છે

કસૂંબો

ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ ડિરેક્ટર વિજયગીરી બાવા (Vijaygiri Bava) ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ (Kasoombo Teaser) લઈને આવી રહ્યાં છે. ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ 27 સેકન્ડનું આ ટીઝર દમદાર એક્શનથી ભરપૂર છે. ફિલ્મ ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજ સામે દાદુજી બારોટે લડેડા ઐતિહાસિક યુદ્ધની વાર્તા કહે છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલાં 51 અમર બલિદાનની વાર્તાને પડદા પર લાવવા વિજયગીરી ફિલ્મોઝ વર્ષોથી કામ કરી રહ્યું હતું.

ટીઝર (Kasoombo Teaser)ની શરૂઆતમાં જ અલાઉદ્દીન ખિલજી જોવા મળે છે, જે દાદુજી બારોટને પડકાર ફેંકતા કહે છે કે, “દાદુ બારોટ, ક્યા તુમ્હે અબ ભી લગતા હૈ, કી તુમ હમારી કયામત જૈસી ફૌજ કો હરા પાઓગે?” દમદાર ટીઝરમાં આગણ અન્ય પાત્રોની પણ ઝલક જોવા મળે છે. ટીઝરમાં આવા અનેક જબરદસ્ત સંવાદો છે. અન્ય વધુ એક સીનમાં ખિલજી કહે છે કે, “હમારી આંખોને આજ જો દેખા હૈ, વો નાયાબ ખૂબસૂરતી હમને આજ તક કભી નહીં દેખી. નહીં ચાહિયે હમેં કોઈ ખજાના, હિંદુસ્તાની મંદિરો કી દિવારે તોડ કર ઊસ પથ્થર સે શાહી ઠીકાને બનવાને હૈ.”

તો બીજી તરફ ખિલજીને પડકારતા દાદુજી બારોટ કહે છે કે, “એક વાત યાદ રાખજે ખિલજી, સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે.” ફિલ્મના સંવાદો ઉપરાંત સિનેમેટોગ્રાફી વીએફએક્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ દૃશ્યને મજબૂત બનાવી રહ્યા છે. ફિલ્મ નવલકથા ‘અમર બલિદાન’ પર આધારિત છે, જેમાં દાદુજી બારોટ અને તેમના સાથીઓની શોર્યગાથા વર્ણવવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા દાદુજી બારોટોના બલિદાનની વાર્તા કહેતી આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે.

ફિલ્મ (Kasoombo Teaser)માં રોનક કામદાર, જય ભટ્ટ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રાગી જાની, ચેતન ધનાની, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્ય, શૌનક વ્યાસ, તત્સત મુનશી સહિતના પ્રતિભાશાળી કલાકારો છે. ફિલ્મ વિજયગીરી બાવાએ ડિરેક્ટર છે, જેઓ અગાઉ ‘21મુ ટિફિન’, ‘મોન્ટુની બિટ્ટુ’ અને મહોતું જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના શૂટિંગ માટે અમદાવાદમાં 16 વીઘાંના ખેતરમાં સેટ ઊભો કરવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ સેટમાં પાટણની ગલીઓથી માંડીને, રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ આબેહૂબ ઊભા કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંત, શુરા અને શૌર્યભર્યો સુવર્ણ ઈતિહાસ ધરાવતી ભૂમિ શેંત્રુજયની તળેટીમાંથી ફિલ્મના કલાકાર અને કસબીઓની હાજરીમાં ફિલ્મનું ટાઈટલ રિલીઝ કરવામાં આવ્યું હતું.

Raam Mori gujarati film gujarati mid-day dhollywood news entertainment news