24 September, 2024 12:55 PM IST | New York | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન મોદી સાથે ઐશ્વર્યાની સેલ્ફી - સૌજન્ય ઐશ્વર્યા મજમુદાર ઇન્સ્ટાગ્રામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વૉડ દેશોની બેઠકમાં હાજરી આપવા ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયાની નજર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પર છે. અમેરિકાની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ન્યૂ યોર્કના લૉંગ આઇલૅન્ડ સ્થિત નાસાઉ કૉલિજિયમ ખાતે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોને સંબોધ્યા હતા. અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી પંદર હજારથી વધુ ભારતીય મૂળના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા એ અગાઉ ભારતીય કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ રાજ્યોના પાંચસો કરતા વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા.
ઐશ્વર્યા મજમુદારને જ્યારે વડા પ્રધાન મોદીના ના ઇન્ડિયન ડાયસ્પોરાના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવાનું આમંત્રણ મળ્યું ત્યારે તેને માટે એક બહુ એક્સાઇટિંગ ક્ષણ ખડી થઇ.. હજારો લોકોની ઉપસ્થિતિમાં ગાવાનો અનુભવ તો તેને પહેલાં પણ હતો જ પણ ભારતના વડા પ્રધાન ઉપસ્થિત રહેવાના હોય અને પંદર હજાર કરતા વધુ ભારતીયોની હાજરી હોય એ કાર્યક્રમમાં ગરબાની સાથે રાષ્ટ્રગીત રજૂ કરવું એ મારા જીવનની સૌથી ગર્વની ઘડી હતી. ઐશ્વર્યાએ પોતાના સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદી સાથેની સેલ્ફી શૅર કરીને તેમની વચ્ચે જે વાતચીત થઇ તે પણ બહુ ક્યૂટ અંદાજમાં ટાંકી છે.
તેણે લખ્યું છે કે મોદી સાથે તેણે સૌથી ક્યુટેસ્ટ વાતચીત કરી અને થોડી હળવી મજાક સાથે મોદીએ તેના માથે હાથ મુકી તેને આશીર્વાદ પણ આપ્યાં.
તમે માનશો નરેન્દ્ર મોદીએ ઐશ્વર્યાને તેનું વજન ધટી ગયું છે તેમ પણ કહ્યું અને ઐશ્વર્યાએ આ વાત લખીને ઇન્સ્ટા પર ટાંક્યું છે કે તેમની વાત સાચી તો છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની મીઠડી ઐશ્વર્યા સાથે લગભગ પાંચેક મિનિટ સુધી વાતચીત કરી . ઐશ્વર્યાએ આ વાતચીત શબ્દશઃ શૅર કરી છે. મોદીએ તેને પૂછ્યું કે, "કેમ છે મમ્મી પપ્પા? હવે ક્યાં રહે છે? અમદાવાદ, ન્યૂ યૉર્ક, કે મુંબઈ?તને તો કેટલી નાની 4 વર્ષની હતી ત્યારથી સાંભળીએ છીએ."
સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદીને યાદ હોવું કે તે ઐશ્વર્યાને તેના નાનપણથી સાંભળે છે એ કેટલી મોટી બાબત છે અને માટે જ તેણે આ વાત લખીને કહ્યું છે કે આ તેની કોર - ખાસ મેમરી છે કારણકે તેમને આ યાદ હોવું અદ્ભૂત કહેવાય.
જુઓ ઐશ્વર્યા મજમુદારની ઇસ્ટાગ્રામ પોસ્ટ અહીંઃ
ઐશ્વર્યા મજુમદારનો વીડિયો આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ તેમના હેન્ડલ પરથી શૅર કર્યો હતો.
ગુજરાતની મીઠડી એક નવા જ સ્તરે પહોંચી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. હાલ ઐશ્વર્યા પ્રિ-નવરાત્રી ઇવેન્ટ્સ માટે અમેરિકામાં છે અને ત્યાં વસતા ગુજરાતીઓ દ્વારા આયોજિત નવરાત્રિ ઉત્સવમાં પર્ફોર્મ કરી રહી છે. આપણે ત્યાં ગુજરાતીઓના માનીતા નોરતાની શરૂઆત હિન્દુ પંચાંગ મુજબ ભલે દસેક દિવસ બાદ થવાની હોય. પરંતુ અમેરિકામાં તો રાસ-ગરબાની રમઝટ એ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. ભારતમાં નવરાત્રિ ભલે નવ દિવસ ઉજવાતી હોય પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકતા નથી. એટલે તેઓ જૂનથી ઓક્ટોબર મહિના સુધી દર શનિવાર-રવિવારે ગરબાનું આયોજન કરતા હોય છે.
ઉપરની તસવીરમાં ઐશ્વર્યા રાય જાણીતા કૂક વિકાસ ખન્ના સાથે ક્લિક થઇ છે. ઐશ્વર્યા માટે આ ઇવેન્ટ એક માઇસ્ટોન ઇવેન્ટ સાબિત થઇ છે. એમાં ય ખાસ કરીને જ્યારે તમને તમારા દેશના વડાપ્રધાન આટલા લાડથી સંબોધે ત્યારે તેમાં ચાર ચાંદ ભળે. નરેન્દ્ર મોદીની યાદ શક્તિને લઇને ઘણાં કિસ્સાઓ છે જ્યાં તેમણે ભીડમાં લોકોને નામથી સંબોધીને તેમના કામ અને અંગત જીવન અંગે પ્રશ્ન કર્યા હોય અને ઐશ્વર્યા સાથેની તેમની આ વાતચીત આ જ યાદશક્તિનો પુરાવો છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.