‘ધુરંધર’નો અક્ષય ખન્ના લૉરેન્સ સ્કૂલ ઊટીનો ‘કેમ્પસ ક્રશ’ હતો, જો કે ત્યારે પણ...

15 December, 2025 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય ખન્નાની જુનિયર રહી ચૂકેલી સાયરા શાહ હલીમ અત્યારે પશ્ચિમ બંગાળમાં રાજકારણી છે. તેણે અક્ષય ખન્ના વિશે એક મજાની યાદગીરી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

અક્ષય ખન્નાની લોકપ્રિયતા રાતોરાત આસમાને આંબી છે - તસવીર સૌજન્ય સોશ્યલ મીડિયા

અક્ષય ખન્ના ફિલ્મ ‘ધુરંધર’માં પોતાની ભૂમિકા માટે સતત પ્રશંસા મેળવી રહ્યો છે, ત્યારે લૉરેન્સ સ્કૂલ લવડેલના તેના સ્કૂલના દિવસોની એક નોસ્ટાલ્જિક પોસ્ટ વાયરલ થઈ છે. એ જ સ્કૂલમાં અક્ષય ખન્નાની જુનિયર રહી ચૂકેલી સાયરા શાહ હલીમ અત્યારે પશ્ચિમ બંગાળમાં રાજકારણી છે. તેણે અક્ષય ખન્ના વિશે એક મજાની યાદગીરી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટ અનુસાર અક્ષય ખન્નાની ચર્ચા ચારે તરફ છે પણ એ ફિલ્મ જગતમાં પ્રવેશ્યો તે પહેલાં જે કેમ્પસ ક્રશ હતો જો કે તે ઓછા બોલો હતો અને તેને પોતાની આસપાસ મિસ્ટ્રી રહે એવું ગમતું તેવું પણ તેની સ્કૂલ જુનિયરે લખ્યું છે. 

ફિલ્મ ‘ધુરંધર’માં માફિયા ગેંગલોર્ડ રહેમાન ડકેત તરીકે અક્ષય ખન્નાના ખતરનાક અને દમદાર અભિનયના ચારેકોર વખાણ થઈ રહ્યા છે. આ સમયે, તેના સ્કૂલના દિવસોની એક જૂની અને હૃદયસ્પર્શી યાદ સોશ્યલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. અક્ષય ખન્ના અત્યારે સીઝનલ ફ્લેવર છે અને લોકો તેના મોહમાં છે એટલે તેની સાથે સંકળાયેલું બધું જ લોકોને અઢળક ગમતું હોય તે સ્વાભાવિક છે. 

પશ્ચિમ બંગાળના રાજકારણી સાયરા શાહ હલીમે તાજેતરમાં X (અગાઉ ટ્વિટર) પર એક નોસ્ટાલ્જિક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લૉરેન્સ સ્કૂલ લવડેલ, ઊટીમાં અક્ષય ખન્નાના સમયને યાદ કર્યો છે, જ્યાં તેણે ધોરણ 11 અને 12માં  અભ્યાસ કર્યો હતો. અભિનેતાના  જૂના ફોટોગ્રાફ સાથેની આ પોસ્ટે સ્ટારડમ પહેલાના તેના સાદગીભર્યા  વ્યક્તિત્વને કારણે ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

અક્ષયને સ્કૂલનો “ઓરિજિનલ હાર્ટબ્રેક કિડ” ગણાવતા હલીમે લખ્યું કે, જ્યારે કેમ્પસમાં સમાચાર મળ્યા કે વિનોદ ખન્નાનો દીકરો અમારી સ્કૂલમાં જોડાઈ રહ્યો છે ત્યારે ભારે ઉત્સુકતા હતી. તેમણે યાદ કર્યું કે, “ત્યારે ખૂબ ચર્ચા હતી... તે કોણ છે કે કેવો દેખાય છે તે જાણવા અમે આતુર હતા.” તેમણે કહ્યું કે તે પછીના બે વર્ષ એક શાંત આકર્ષણ જેવા હતા.

સાયરાના જણાવ્યા મુજબ, અક્ષય ખન્ના ક્યારેય લાઉડ કે દેખાડો કરનાર સિનિયર નહોતો. તેમણે લખ્યું, “તે ફૂટબોલ ટીમનો ઘોંઘાટિયો કેપ્ટન નહોતો. તે તો એક‘શાંત તોફાન (Quiet Storm)’હતો.” અંતર્મુખી અક્ષય ખન્ના ઘણીવાર લૉનમાં ચાની ચુસ્કી લેતા કે કેમ્પસમાં એકલા ચાલતા જોવા મળતો. એ દિવસોમાં કોઈ પણ પ્રયત્ન કર્યા વિના જ અનેક લોકોનો ક્રશ બની ગયો હતો.

તેમણે નોંધ્યું છે કે, “તેણે ક્યારેય કોઈ ડ્રામા નથી કર્યો, સિવાય કે તેના સહધ્યાયીઓના દિલમાં.” મોટા ગ્રુપ કે સ્કૂલ સોશિયલ્સનો ભાગ ન હોવા છતાં, તે કેમ્પસના સૌથી લોકપ્રિય સિનિયર્સમાંનો એક હતો. હલીમે વિનોદ ખન્ના અને અક્ષયની સાવકી માતા તેને સ્કૂલમાં મળવા આવતા હતા તે દિવસો પણ યાદ કર્યા, જે વર્ષો સુધી ત્યાંના વિદ્યાર્થીઓને પણ યાદ રહી ગયા.

ફિલ્મોમાં તેની સફર વિશે લખતા તેમણે કહ્યું કે, ભલે તેની કેટલીક ફિલ્મો ચાલી અને કેટલીક ન ચાલી, પણ એક વસ્તુ ક્યારેય નથી બદલાઈ: અક્ષયનું લો-પ્રોફાઈલ અને રહસ્યમય વ્યક્તિત્વ. તેમણે ઉમેર્યું, “જેવો તે અત્યારે છે, તેવો જ ત્યારે હતો.” અક્ષયને છેવટે જે પ્રખ્યાતી મળવી જોઈએ તે મળતી જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ‘ધુરંધર’ માટે અક્ષય ખન્નાને મળી રહેલા શાનદાર પ્રતિસાદ વચ્ચે આ પોસ્ટનો સમય બિલકુલ યોગ્ય છે. આ સ્પાય થ્રિલરમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, આર. માધવન અને સારા અર્જુન છે, જેમાં અક્ષયની જોરદાર એન્ટ્રી અને સંયમિત અભિનય ફિલ્મનો સૌથી ચર્ચાસ્પદ વિષય બન્યો છે.

ઊટીના એક શાંત અને વિચારશીલ સ્કૂલબૉયથી લઈને હિન્દી સિનેમાના એક દમદાર પરફોર્મર સુધીની સફર દર્શાવતી આ વાયરલ પોસ્ટે ચાહકોને અક્ષયના શરૂઆતના વર્ષોની એક ઝલક આપી છે, જે હંમેશા ઘોંઘાટ કરતા પોતાની આસપાસ મિસ્ટ્રી વધુ પસંદ કરે છે.

dhurandhar akshaye khanna vinod khanna bollywood buzz bollywood gossips ooty viral post