ભજન કિંગ હેમંત ચૌહાણને મળ્યો ‘પદ્મ શ્રી’, દીકરો મયુર થયો ગદગદ

06 April, 2023 03:30 PM IST  |  Mumbai | Rachana Joshi

ગુજરાતી ભજન સમ્રાટને ઢોલિવૂડના સેલેબ્ઝે પાઠવી શુભેચ્છા

તસવીર સૌજન્ય : હેમંત ચૌહાણનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ગુજરાતી ‘ભજન કિંગ’ના નામે ઓળખાતા ગુજરાતી ગાયક અને લેખક હેમંત ચૌહાણ (Hemant Chauhan)ને ‘પદ્મ શ્રી’ (Padma Shri) એનાયત કરવામાં આવ્યો છે. આ ક્ષણે દરેક ગુજરાતીની છાતી ફુલીને ફાંકડી થઈ ગઈ છે. ત્યારે તેમના દીકરા મયુર ચૌહાણ (Mayur Chauhan)ની ખુશીનો પાર નથી. પિતાની આ સિદ્ધિને મયુરે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. ઢોલિવૂડ સેલેબ્ઝ પણ હેમંત ચૌહાણને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

આ વર્ષે ૨૬ જાન્યુઆરીના રોજ ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મ શ્રી’ની જાહેરાત કરવામાં આવી ત્યારે આ યાદીમાં ગુજરાતીમાં કલા ક્ષેત્રે ગુજરાતી ગાયક અને લેખક હેમંત ચૌહાણનું પણ નામ હતું. તાજેતરમાં નવી દિલ્હી (New Delhi)માં રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) ખાતે આયોજિત આ ફંક્શનમાં તેમને અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ક્ષણનો વીડિયો હેમંત ચૌહાણના દીકરા મયુર ચૌહાણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. સાથે જ એક પિતાની સિદ્ધિનો ગર્વ કરતાં તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘આજ ની ઘડી તે રળિયામણી… પપ્પા. પદ્મ શ્રી હેમંત ચૌહાણ’.

આ પોસ્ટ પર અનેક ઢોલિવૂડ સેલેબ્ઝે કમેન્ટ્ કરીને હેમંત ચૌહાણને શુભેચ્છા આપી છે. લેખક રામ મોરી (Raam Mori)એ લખ્યું છે કે, ‘દરેક ગુજરાતી માટે આ રળિયામણી ઘડી.’ ગાયિકા પ્રિયા સરૈયા (Priya Saraiya)એ બહુ બધા હાર્ટ ઇમોજીસ સેન્ડ કર્યા છે. નંદલાલ છાંગા (Nandlal Chhanga)એ કમેન્ટ કરી છે, ‘બિગ ડે! અભિનંદન.’ ફૅન્સ પણ હેમંત ચૌહાણ પર શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યાં છે.

નોંધનીય છે કે, ગુજરાતના રાજકોટના હેમંત ચૌહાણ ભજન, ધાર્મિક અને ગરબા ગીતો તેમજ અન્ય લોક શૈલીઓમાં પારંગત છે. તેમને ગુજરાતી સંગીતના ભજન કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેમને સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયકોમાંના એક તરીકે પણ ગણવામાં આવે છે. હેમંત ચૌહાણનો પ્રથમ આલ્બમ `દાસી જીવન ના ભજનો` ૧૯૭૮માં રિલીઝ થયું હતું. જે સુપરહિટ સાબિત થયો હતો. ત્યારથી શરુ થયેલી સફર અવિરત છે.

entertainment news dhollywood news hemant chuahan padma shri rachana joshi