26 April, 2023 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિર્દેશક વિરલ શાહ
ગુજરાતી સિનેમામાં મહત્વનું યોગદાન આપનારા નિર્દેશક વિરલ શાહ (Viral Shah)ના નામ અને કામથી તમે બધા પરિચિત જ હશો. 2018 માં આવેલી ફિલ્મ "મિડનાઇટ્સ વિથ મેનકા" થી તેમની સફરની શરૂઆત કર્યા પછી, શાહ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે, અને મનોરંજન ઉદ્યોગના અગ્રણી દિગ્દર્શકોમાંના એક તરીકેની તેમની ઓળખને મજબૂત કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ `કચ્છ એક્સપ્રેસ` (Kutch Express)રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
વિરલ શાહના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ "કચ્છ એક્સપ્રેસ", બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે, જેણે ઉત્કૃષ્ટ દિગ્દર્શક તરીકેની તેમની ઓળખને વધુ મજબૂત બનાવી છે. ત્યારે હવે ગુજરાતી ફિલ્મ જગતનું આ જાણીતું નામ બૉલિવૂડમાં ડગ માંડવા જઈ રહ્યું છે. ઢોલીવુડ બાદ વિરલ શાહ બૉલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા જઇ રહ્યા છે. તેમની પહેલી બોલીવૂડ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવા માટે તૈયાર છે, જેની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ પ્રોજેક્ટમાં શું હશે!
આ ઉપરાંત વિરલ શાહ પાસે 2023માં જિયો સ્ટુડિયોની બે શીર્ષક વિનાની ફિલ્મો પણ છે, જેમાંથી એક ગુજરાતી અને એક હિન્દી ભાષામાં છે. તેમનું કામ એ તારણ કાઢવા પર મજબુર કરે છે કે તેઓ હંમેશાં એક ફિલ્મ નિર્માતા તરીકે નવીન વિચારો અને તકો શોધી દર્શકોને કઈંક નવું આપવાનો પ્રયાસ કરતા રહે છે.
આ પણ વાંચો: ‘કચ્છ એક્સપ્રેસ’નો શો થશે મૂક બધિરો માટે, જાણો મેકર્સ આ માટે શું કરી રહ્યા છે
નામી નિર્દેશક વિરલ શાહની ફિલ્મોમાંની એક એવી "ગોળકેરી" ને 2020 માં શ્રેષ્ઠ ફિલ્મ માટે ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ અને શ્રેષ્ઠ ફિલ્મ માટે GIFA ટોરોન્ટોનો એવોર્ડ મળ્યો હતો. આ શાહની પ્રેક્ષકો સાથે જોડાવાની અને મનોરંજક તથા અર્થપૂર્ણ બંને પ્રકારની ફિલ્મો પહોંચાડવાની ક્ષમતાનું એક પ્રમાણ સમાન છે.
વિરલ શાહ નો જન્મ 28 ઓગસ્ટ 1986 ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેમણે ઉષા પ્રવીણ ગાંધી કોલેજ, મુંબઈમાંથી મીડિયા સ્ટડીઝમાંનો અભ્યાસ કરેલ છે તેમજ ન્યુઝીલેન્ડથી પ્રાઇવેટ પાઇલટ નું લાઇસન્સ પણ મેળવેલ છે. આ બહોળા અનુભવે તેમને ફિલ્મ નિર્માણ પર એક અનોખો દ્રષ્ટિકોણ આપ્યો છે. તે પોતાની વાર્તા કહેવા માટે એક નવો અભિગમ લાવે છે, અને આ તેમની ફિલ્મોની સફળતામાં પ્રતિબિંબિત થાય છે.