રાજશ્રી પ્રોડક્શન્સની `યહ પ્રેમ મોલ લિયા`નું સ્પેશ્યલ મ્યુઝિકલ ઇવેન્ટ, હિમેશ રેશમિયાનું લાઇવ પર્ફોમન્સ

16 September, 2026 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Yeh Prem Mol Liya: રાજશ્રી પ્રોડક્શન્સની આગામી ફિલ્મ `યહ પ્રેમ મોલ લિયા`ની મુંબઈમાં ભવ્ય મ્યુઝિકલ ઇવનિંગ; હિમેશ રેશમિયા ૨૫ સંગીતકારો સાથે કરશે લાઇવ પર્ફોર્મન્સ, ટાઇટલ ટ્રેક થશે રિલીઝ; સૂરજ આર બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ૨૭ નવેમ્બરે થશે રિલીઝ

`યહ પ્રેમ મોલ લિયા` ૨૭ નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે

બોલિવૂડ (Bollywood)નું અગ્રણી પ્રોડક્શન હાઉસ `રાજશ્રી પ્રોડક્શન્સ` (Rajshri Productions) પોતાની આગામી ફિલ્મ `યહ પ્રેમ મોલ લિયા` (Yeh Prem Mol Liya) સાથે ફરી એકવાર સંગીત સફર માટે તૈયાર છે. આ ફિલ્મના થિયેટર રિલીઝ પહેલાં, નિર્માતાઓ એક વિશેષ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરી રહ્યા છે. આ ખાસ સાંજ ક્લાસિક બોલિવૂડ મ્યુઝિક અને લાઇવ પર્ફોર્મન્સના ઉત્સાહનો અદ્ભુત સમન્વય રજૂ કરશે.

સૂરજ આર. બડજાત્યા (Sooraj Barjatya)ની આગામી મ્યુઝિકલ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ `યહ પ્રેમ મોલ લિયા` પોતાના સંગીતને એક અનોખા અંદાજમાં રજૂ કરવા માટે સજ્જ છે. ફિલ્મના નિર્માતાઓ અને મ્યુઝિક લેબલ ૨૦ સપ્ટેમ્બરના રોજ મુંબઈ (Mumbai)ના રોયલ ઓપેરા હાઉસ (Royal Opera House) ખાતે એક ખાસ મ્યુઝિકલ સાંજનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયા (Himesh Reshamiya) ૨૫ સંગીતકારોના ઓર્કેસ્ટ્રા સાથે સ્ટેજ પર લાઇવ પર્ફોર્મ કરશે.

રોયલ ઓપેરા હાઉસ ખાતે ટાઇટલ ટ્રેકનું ભવ્ય લોન્ચિંગ

આ ખાસ સાંજે ફિલ્મ `યહ પ્રેમ મોલ લિયા`ના મોસ્ટ અવેટેડ ટાઇટલ ટ્રેકને પણ લોન્ચ કરવામાં આવશે. સામાન્ય ડિજિટલ સોંગ લોન્ચથી અલગ હટીને, મેકર્સ ફિલ્મના મ્યુઝિકને લાઇવ એક્સપિરિયન્સ દ્વારા દર્શકો સમક્ષ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. હિમેશ રેશમિયા સંગીતકારો સાથે સ્ટેજ પર લાઇવ પર્ફોર્મન્સ આપશે, જ્યાં દર્શકોને પહેલીવાર ફિલ્મના સંગીતની મનોહર ઝલક સાંભળવા મળશે.

સૂરજ બડજાત્યા અને હિમેશ રેશમિયાની જોડી ફરી એકસાથે

રાજશ્રી પ્રોડક્શન્સનો સંગીત સાથે હંમેશાથી ઊંડો સંબંધ રહ્યો છે. `યહ પ્રેમ મોલ લિયા`ને પણ એક મ્યુઝિકલ ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેમાં સંગીત મુખ્ય ભમિકામાં છે. માહિતી મુજબ, હિમેશ રેશમિયાએ આ ફિલ્મ માટે સાત ગીતો કમ્પોઝ કર્યા છે. સૂરજ બડજાત્યાની ફિલ્મોની પરંપરા મુજબ આ ગીતોને પણ સરળ, સૂરિલા અને શ્રોતાઓના હૃદયને સ્પર્શી જાય તેવા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હિમેશ રેશમિયા અને સૂરજ બડજાત્યા અગાઉ ફિલ્મ `પ્રેમ રતન ધન પાયો` (Prem Ratan Dhan Payo) માટે સાથે આવ્યા હતા. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને શર્વરી પહેલીવાર એકસાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન સૂરજ આર. બડજાત્યાએ કર્યું છે અને તેને રાજશ્રી પ્રોડક્શન્સે મહાવીર જૈન ફિલ્મ્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.

૨૭ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

૨૦ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે યોજાનારા આ ખાસ કાર્યક્રમમાં ૨૫ સંગીતકારોના લાઇવ પર્ફોર્મન્સ સાથે ફિલ્મના ટાઇટલ ટ્રેકનું અનાવરણ થશે. નિર્માતાઓ આ લોન્ચને માત્ર એક ગીત પુરતું મર્યાદિત ન રાખતા ફિલ્મના સંગીત સાથે જોડાયેલો યાદગાર અનુભવ બનાવવા માંગે છે.

`યહ પ્રેમ મોલ લિયા` ૨૭ નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ (Mahavir Jain Films) દ્વારા મોટા પડદાની ભવ્ય કૌટુંબિક મનોરંજક ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

rajshri productions sooraj barjatya upcoming movie ayushmann khurrana sharvari wagh himesh reshammiya entertainment news bollywood bollywood news