25 March, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે
KGF સ્ટાર યશ અને કિઆરા અડવાણીની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ માટે ફૅન્સમાં ભારે ઉત્સાહ છે. આ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે જેનું ડિરેક્શન ગીતુ મોહનદાસે કર્યું છે. હાલમાં આ ફિલ્મની નવી રિલીઝ-ડેટ ૨૦૨૬ની ૧૯ માર્ચ જાહેર કરવામાં આવી છે. આ નવી જાહેરાત પછી ફિલ્મની ટક્કર ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’ સાથે થશે. ફિલ્મની આ નવી રિલીઝ-ડેટની જાહેરાત ઍક્ટર યશે પોતે જ નવા પોસ્ટર સાથે કરી છે.
યશ સ્ટારર ‘ટૉક્સિક’ને પહેલાં ૨૦૨૫ના એપ્રિલમાં રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ હવે મેકર્સે એની રિલીઝ-ડેટમાં ફેરફાર કર્યો છે, જેના કારણે એનો હવે બૉક્સ-ઑફિસ પર સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’ સાથે મુકાબલો થશે. સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. પહેલાં આ મૂવીને પણ ક્રિસમસ ૨૦૨૫ પર રિલીઝ કરવાનું હતું, પરંતુ મેકર્સે એની નવી રિલીઝની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે આ ફિલ્મ પણ ૨૦૨૬ની ૨૦ માર્ચે જ રિલીઝ થશે.