યશ ચોપડાની ફિલ્મ જબ તક હૈ જાન વિશે આમણે શૅર કરી રસપ્રદ વાતો...

13 November, 2020 11:17 PM IST  |  Mumbai | Harsh Desai

યશ ચોપડાની ફિલ્મ જબ તક હૈ જાન વિશે આમણે શૅર કરી રસપ્રદ વાતો...

શાહરુખ ખાન, કૅટરિના કૈફ અને અનુષ્કા શર્માની આ ફિલ્મને યશ ચોપડાએ ડિરેક્ટ કરી હતી. તેમની આ છેલ્લી ફિલ્મ હતી, પરંતુ તેમણે પહેલી વાર આ ફિલ્મમાં એ. આર. રહમાન સાથે કામ કર્યું હતું. તેમ જ આ ફિલ્મના ગીત ઇશ્ક સાવાની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી હતી. આ ફિલ્મ વિશે તેમણે કરેલી વાતચીત તેમના શબ્દોમાં જોઈએ

યશજી કોઈના સ્ટુડિયોમાં નહોતા જતા, પરંતુ મારા સ્ટુડિયોમાં આવી ગુલઝાર સા’બ સાથે બેસતા હતા

એ. આર. રહમાન
તેમના જેવા અદ્ભુત ફિલ્મમેકર સાથે કામ કરવું મારા માટે એક સન્માનની વાત છે. તેમની દરેક બાબતને લઈને એક બાળક જેવું કુતૂહલ હતું જે મને ખૂબ જ અનોખું લાગ્યું હતું. યશરાજ સ્ટુડિયોઝ અને ફિલ્મોની પાછળ તેમનું વિઝન હતું, પરંતુ તેઓ કેટલા ઑર્ગેનાઇઝ છે એ જોવાનો પણ એક લહાવો હતો. આટલા અનુભવી વ્યક્તિ પાસેથી તમે ઘણી વસ્તુઓની અપેક્ષા રાખો છો, પરંતુ એમ છતાં તેઓ હંમેશાં ઇનોવેટિવ આઇડિયાને પસંદ કરતા હતા. આ આઇડિયાને તેઓ તેમના ટ્રેડિશનમાં ખૂબ જ સારી રીતે મિલાવી દેતા હતા.
મારું માનવું છે કે યશરાજ ફિલ્મ્સની દરેક ફિલ્મ એક ખાસ વસ્તુને ફૉલો કરે છે અને આ ફિલ્મમાં હું શું યોગદાન આપી શકું એ હું જોવા માગતો હતો. આ ફિલ્મના ઝોનમાં હૂં ખૂબ જ ઊંડે સુધી ગયો હતો અને મને એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી હતી. આ વિષય મારો ફેવરિટ હોવાથી હું પણ એના ફ્લોમાં વહી ગયો હતો. આ ફિલ્મનું મ્યુઝિક મુંબઈમાં મારા સ્ટુડિયોમાં અને તેમના સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યું હતું. અમે સતત બે સ્ટુડિયોમાં અવરજવર કરતા રહેતા હતા. મને ખબર હતી કે યશજી બીજાના સ્ટુડિયોમાં ક્યારેય નથી જતા, પરંતુ તેઓ ખૂબ જ વિન્રમતાથી મારા સ્ટુડિયોમાં આવ્યા હતા અને ગુલઝાર સા’બની સાથે બેઠા રહ્યા હતા. આ ફિલ્મનું મ્યુઝિક બનાવવાની પ્રોસેસ ખૂબ જ યાદગાર હતી.
ગુલઝાર સા’બ સાથે તમે જ્યારે કામ કરો ત્યારે તમારે એક વાતની ખાસ ધ્યાન રાખવાની હોય છે કે તેઓ પોતે એક કવિતા છે. તેઓ જ્યારે વાત કરે છે ત્યારે અને તેમના હાવભાવમાંથી હંમેશાં પ્રેમ અને જ્ઞાન જોવા મળે છે. આથી તેઓ બન્ને સાથે કામ કરવું મારા માટે ખૂબ જ રસપ્રદ રહ્યું હતું. કેટલીક વાર અમે સાથે કામ કરતા અને સાથે જ રમઝાનનો ફાસ્ટ તોડતા હતા. આથી એક અલગ જ બૉન્ડ બન્યો હતો.
આ ફિલ્મનાં તમામ ગીતોમાંથી ‘હીર હીર’ મારું ફેવરિટ રહ્યું છે, કારણ કે આ ગીતમાં મને ખૂબ જ ફ્રીડમ આપવામાં આવી હતી. તેમણે મને લિરિક્સ આપ્યા હતા અને કહ્યું હતું કે આ એક ફિલર સૉન્ગ છે અને તેમને ફક્ત 30 સેકન્ડનું જ ગીત ફિલ્મમાં જોઈએ છે. આ ગીતના રેકૉર્ડિંગ બાદ યશજીએ મને કહ્યું હતું કે તું પંજાબી નથી તો તેં કેવી રીતે આ ગીતમાં પંજાબીપણું દેખાડ્યું? મેં કહ્યું હતું કે સંગીત માટે પંજાબમાં રહેવાની જરૂર નથી. ઇન્ડિયામાં આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણું ટ્રેડિશન એકબીજા સાથે જોડાયેલું છે અને આપણે એકબીજાની વૅલ્યુ કરીએ છીએ. આપણે એકબીજાના કલ્ચરની વૅલ્યુ કરીએ છીએ. આથી તમારી ઉપર એની અસર પડે જ છે.

યશ અંકલની છેલ્લી ફિલ્મ હોવાથી શાહરુખ અને કૅટરિનાએ ખૂબ જ મહેનત કરી હતી

વૈભવી મર્ચન્ટ
મારા મત મુજબ શાહરુખ અને કૅટરિનાએ આ ફિલ્મમાં ખૂબ જ સખત મહેનત કરી હતી, કારણ કે આ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ હતી. તેમને ખબર હતી કે આ યશ અંકલની છેલ્લી ફિલ્મ છે, કારણ કે આ ફિલ્મ પછી તેઓ રિટાયરમેન્ટ જાહેર કરવાના હતા. આથી અમે બધા જ અમારાથી બનતા તમામ પ્રયત્ન કરવા માગતા હતા અને કોઈ પણ કસર છોડવા નહોતા માગતા.
કૅટરિનાએ આ ગીત માટે મુંબઈમાં ટ્રેઇનિંગ લીધી હતી, પરંતુ શાહરુખને ટ્રેઇન કરવાનો અમને ચાન્સ નહોતો મળ્યો. કેટલીક વાર મને થતું કે એવી તો શું વસ્તુ છે જે શાહરુખ નથી કરી શકતો. અમારી પાસે કોઈ ચૉઇસ ન હોવાથી અમે શાહરુખને લંડનમાં ટ્રેઇન કર્યો હતો. મને ખ્યાલ છે ત્યાં સુધી તેણે ત્રણથી ચાર સેશન જ કર્યાં હતાં, પરંતુ એ ખૂબ જ મુશ્કેલ સેશન હતાં. તે જ્યાં સુધી બરાબર ન કરે ત્યાં સુધી અમે અટકતાં નહોતાં. તેને ખબર હતી કે તેણે જેટલું જલદી બને એટલું જલદી આ સ્ટેપ શીખવાનું હતું, કારણ કે યશજી અને આદિ આ સ્ટેપને પર્ફેક્ટ ઇચ્છતા હતા; કારણ કે જો એવું ન થયું તો શાહરુખે એકદમ ઠંડા વાતાવરણમાં સેટ પર પ્રૅક્ટિસ કરવી પડી હોત.
કૅટરિના એક એવી વ્યક્તિ છે જેને તમારે કહેવું પડતું હતું કે તું બસ કર હવે, કારણ કે તે વધુ પડતી પ્રૅક્ટિસ કરતી હતી. તે શાહરુખની એકદમ ઑપોઝિટ છે. તે જ્યાં સુધી બરાબર ન કરે ત્યાં સુધી તે સતત પ્રૅક્ટિસ કરતી હતી. તે પહેલેથી જ આવી છે. તેના દરેક ગીત દરેક આઇટમ-નંબર માટે તેણે ઘણી મહેનત કરી છે. તે સારી ડાન્સર હોવા છતાં તે એમ જ માને છે કે તે સારી ડાન્સર નથી.
અમે લંડનના વર્લ્ડના બેસ્ટ ડાન્સર્સને પસંદ કર્યા હતા. બ્રૉડવે અને વેસ્ટએન્ડમાં ડાન્સ કરનાર તેમ જ માઇકલ જૅક્સન, મડોના અને બિયોન્સે સાથે ડાન્સ કરનાર લોકોને અમે પસંદ કર્યા હતા. તેઓ ખૂબ જ અદ્ભુત ડાન્સર હતા જેમણે અમારા ઍક્ટર્સને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. શૂટ ઓવર થતાં તેઓ દરેકને ચિયર કરી પ્રોત્સાહન આપતા હતા. આ સૉન્ગ શૂટ કરવાની અમને ખૂબ જ મજા આવતી હતી.
જોકે આ ગીતને શૂટ કરવાની એટલી જ ચૅલેન્જ પણ હતી. અમે ખૂબ જ ઠંડા વાતાવરણમાં શૂટિંગ કરી રહ્યાં હતાં. જોકે ત્યાં જ 80 વર્ષના વ્યક્તિ જૅકેટ પહેરી ડિરેક્ટરની ખુરશી સંભાળી રહ્યા હતા. કામ પ્રત્યેના તેમના પ્રેમ, પૅશન, મરણિયા પ્રયાસ અને તેમના પાગલપનને કારણે અમે પણ કામ કરવા પ્રેરિત થયાં હતાં. કૅટરિનાનાં કપડાં ચોક્કસ પ્રકારનાં હતાં જેથી તેના માટે આ ખૂબ જ મુશ્કેલ હતું. અમે જૅકેટમાં બંધ હતાં, પરંતુ તેનાં કપડાંને કારણે તેણે કેવી રીતે ડાન્સ કર્યો એ તે જ જાણે છે. શાહરુખ પણ ઘણાં વર્ષો બાદ આ રીતે ડાન્સ કર્યો હતો. શાહરુખ તેનાં એક્સપ્રેશન, તેની સિગ્નેચર સ્ટાઇલ અને લુક માટે જાણીતો છે પરંતુ આ ગીતમાં તેની પ્રૉપર કોરિયોગ્રાફી કરીને તેનો ડાન્સ હતો. કૅટરિનાની યુએસપી ડાન્સ હતી અને તેની સાથે શાહરુખે ડાન્સ સ્ટેપ મૅચ કરવાનાં હતાં. આથી તેણે ખૂબ જ મહેનત કરી હતી.
(હર્ષ દેસાઈ સાથે કરેલી વાતચીતના અંશ)

bollywood bollywood news yash chopra ar rahman