OTT પર વ્હીલ ઑફ ફૉર્ચ્યુનની એન્ટ્રી, આવી રહી છે ધુરંધર, દલદલ અને ધ 50

28 January, 2026 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થનારી સુપરહિટ ‘ધુરંધર’ હવે OTT પર રિલીઝ થવાની છે

ફિલ્મ પોસ્ટર

વ્હીલ ઑફ ફૉર્ચ્યુન

અક્ષય કુમાર ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ શોમાં હોસ્ટની જવાબદારી નિભાવી રહ્યો છે. આ શો અક્ષય કુમારનું ટીવી પર કમબૅક છે, કારણ કે તે બહુ સમય પહેલાં ‘ખતરોં કે ખિલાડી’માં હોસ્ટ તરીકે જોવા મળ્યો હતો. આ શો વિશ્વના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતા અમેરિકન ટીવી ગેમ-શોનું હિન્દી ‍અડૅપ્ટેશન છે. ગઈ કાલથી આ શોની શરૂઆત સોની એન્ટરટેઇનમેન્ટ પર થઈ ગઈ છે અને એ રાતે ૯ વાગ્યે દર્શાવવામાં આવે છે. ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ સોની લિવ OTT પ્લેટફૉર્મ પર જોવા મળશે. 

ધુરંધર

ગયા વર્ષે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થનારી સુપરહિટ ‘ધુરંધર’ હવે OTT પર રિલીઝ થવાની છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ અભિનીત આ સ્પાય ઍક્શન ફિલ્મ છે. ફિલ્મમાં પાકિસ્તાનમાં ટેરર નેટવર્કને તોડવા માટે ભારત લાંબા ગાળાનું ગુપ્ત ઑપરેશન ‘ધુરંધર’નું આયોજન કરે છે. આ ઑપરેશનમાં એક ભારતીય જાસૂસને પાકિસ્તાન મોકલવામાં આવે છે જે કરાચીના લ્યારી વિસ્તારમાં પ્રવેશીને દેશની સુરક્ષા માટે જાસૂસ તરીકેની જવાબદારી નિભાવે છે. આ સુપરહિટ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

દલદલ

ભૂમિ પેડણેકરને લીડ રોલમાં ચમકાવતી ક્રાઇમ થ્રિલર સિરીઝ ‘દલદલ’ આ અઠવાડિયે દર્શકો સામે આવશે. આ સિરીઝ સિરિયલ કિલર થ્રિલર છે અને એની ભયાનકતાનો અંદાજ ટ્રેલર જોઈને જ આવી જાય છે. ‘દલદલ’ ૩૦ જાન્યુઆરીથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. 

ધ 50

સ્ટાર પ્લસ પર એક રિયલિટી શો ‘ધ 50’ની શરૂઆત થઈ રહી છે. આ શોમાં ૫૦ સેલેબ્સ ૫૦ દિવસ માટે એક વિલામાં રહેશે. એ દરમ્યાન તેઓ વિવિધ ગેમ રમશે અને અનેક ટાસ્ક પૂરા કરશે. શોની શરૂઆત ૧ ફેબ્રુઆરીથી થશે અને દર્શકો આ શોને જિયો હૉટસ્ટાર પર જોઈ શકશે.

entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood akshay kumar bhumi pednekar