Web Show Review: લગ્નના તામઝામ વચ્ચે સોશ્યલ ઇશ્યુ અને ડ્રામાનો તડકો

11 August, 2023 08:46 PM IST  |  Mumbai | Harsh Desai

Web Show Review: રીમા કાગતી, ઝોયા અખ્તર અને અલંક્રિતા શ્રીવાસ્તવ દ્વારા સ્ટોરી પર ખૂબ જ ડીટેલમાં કામ કરવામાં આવ્યું છે : બ્લૅક ઍન્ડ વાઇટની જગ્યાએ ગ્રે એરિયાને દેખાડવાની કોશિશ કરવામાં આવી છે અને એમાં દરેકે ખૂબ જ જોરદાર પર્ફોર્મન્સ આપ્યા છે

મેડ ઈન હેવન 2

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીનું એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ઝોયા અખ્તર અને રીમા કાગતીનું ટાઇગર બેબી દ્વારા ‘મેડ ઇન હેવન 2’ને ગઈ કાલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે. આ શોની બીજી સીઝન ચાર વર્ષ બાદ આવી છે.

સ્ટોરી ટાઇમ
પહેલી સીઝનનો જ્યાં અંત થયો હતો ત્યાંથી બીજી સીઝન શરૂ કરવામાં આવી છે. જોકે એ બે વચ્ચે છ મહિનાનો સમય લેવામાં આવ્યો છે. પહેલી સીઝનમાં તારા એટલે કે સોભિતા ધુલિપલાના લગ્નનો અંત થવાની તૈયારી હોય છે. કરણ એટલે કે અર્જુન માથુર તેની સેક્સ્યુઍલિટીને એક્સપ્લોર કરી રહ્યો હોય છે. જોકે ફૅમિલી સાથેની તેની લડાઈ હજી પણ ચાલુ જ હોય છે. આ બધાની વચ્ચે તેમની વેડિંગ પ્લાનર કંપની ‘મેડ ઇન હેવન’ રસ્તા પર આવી ગઈ હોય છે. તેઓ ઝીરોથી ફરી ચાલુ કરે છે. જોકે તેમની સાથે આ વખતે થર્ડ પાર્ટનર જોહરી એટલે કે વિજય રાઝ હોય છે. જોહરીનું જૂનું ઘર ચાંદની ચોકમાં આવ્યું હોય છે. ત્યાં તેઓ ઑફિસ શરૂ કરે છે. આ ઑફિસ એવા એરિયામાં હોય છે જ્યાં કાર પણ નથી આવી શકતી. જોકે આમ છતાં તેઓ પોતાની કંપનીને ફરી પાટા પર લાવવા માટે કમર કસે છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ શોની સ્ક્રિપ્ટ ઝોયા અખ્તર, રીમા કાગતી અને અલંક્રિતા શ્રીવાસ્તવે લખી છે. આ ત્રણેય દ્વારા શોના એપિસોડ ડિરેક્ટ કરવાની સાથે નિત્યા મેનન અને નીરજ ઘાયવાને પણ શોને ડિરેક્ટ કર્યા છે. ઝોયા, રીમા અને અલંક્રિતાની સ્ટોરીને તેમની સાથે નિત્યા અને નીરજે પણ પકડી રાખી છે. દરેક પાત્ર અને દરેક સ્ટોરીને ખૂબ જ શાંતિથી અને ડીટેલમાં લખવામાં આવ્યાં છે. એકસાથે ઘણી પૅરેલલ સ્ટોરી ચાલે છે. આમ છતાં દરેક એપિસોડમાં નવાં લગ્ન અને નવા ટૉપિક પર ચર્ચા કરવામાં આવી છે. દિલ્હીની હાઇ-ફાઇ સોસાયટીના તામ-જામની વચ્ચે તેમની ડાર્ક સાઇડ પણ દેખાડવામાં આવી છે. રાઇટર્સની ખૂબી એ છે કે તેમણે આ દરેક લગ્નમાં નવા ડ્રામા અને નવો ટ્વિસ્ટ લાવવાની સાથે એને પૂરતો ન્યાય પણ આપ્યો છે. રાઇટર્સ લેડીઝ હોવાથી તેમણે દરેક લેડીઝના પાત્રને અને તેમની મુશ્કેલીઓને ખૂબ જ સારી રીતે સમજીને સ્ક્રીન પર રજૂ કરી છે. લગ્નમાં શોર-શરાબા હોવાની સાથે દર્શકોને એમાં ડ્રામા અને થ્રિલ પણ જોવા મળે એની ખાસ કાળજી રાખવામાં આવી છે. આ શોમાં દરેક એપિસોડમાં નવી સેલિબ્રિટી દેખાડવામાં આવી છે. ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કરણ જોહરે ફક્ત ગ્લૅમર માટે હિરોઇનનો ઉપયોગ કર્યો હતો એ રીતે નહીં, પરંતુ સ્ટોરી પર ખરેખર આ સેલિબ્રિટીઝની છાપ છોડી છે. તેમની હાજરીને ખરેખર સ્ક્રિપ્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો છે. એમ છતાં અમુક પાત્ર એવાં છે જે એપિસોડની સાથે આગળ નથી વધ્યાં, પરંતુ એમ છતાં એ પાત્રની બીજા પાત્ર પર ઘણી અસર જોવા મળી છે. રાઇટર્સની આ જ કમાલ છે. તેમણે દરેક પાત્રને એવી રીતે લખ્યાં છે જેની સીધી અથવા તો આડકતરી રીતે અન્ય પાત્ર પર અસર પડે છે પછી એ તારા અને કરણ વચ્ચેની લડાઈ જ કેમ ન હોય. એની અસર દરેક પાત્ર અને દરેક રિલેશન પર પડે છે.

પર્ફોર્મન્સ
તારાના પાત્રમાં સોભિતા ખૂબ જ જોરદાર છે. પહેલી સીઝનમાં પણ તેણે જોરદાર કામ કર્યું હતું અને આ સીઝનમાં પણ તે એકદમ હટકે છે. તેણે તેની ઍક્ટિંગ સ્કિલને ખૂબ જ સારી રીતે દેખાડી છે. એક હાઇપ્રોફાઇલ પત્ની તેના પતિથી અલગ થયા બાદ લક્ઝુરિયસ કારની જગ્યાએ કૅબમાં ફરે છે. તેમ જ તેનાં કપડાં અને તેના પર્સને લઈને પણ ચેન્જ જોવા મળે છે. તેની લાઇફમાં પર્સનલ અને પ્રોફેશનલ ખૂબ જ પ્રૉબ્લેમ આવ્યા છે અને એમ છતાં તે હાર માનવાની જગ્યાએ દરેક પરિસ્થિતિનો સામનો કરે છે. ગ્લૅમરની સાથે તેણે એક ઇન્ડિપેન્ડન્ટ મહિલાની વ્યાખ્યા પણ ખૂબ જ સારી રીતે આપી છે. અર્જુન માથુરનું પાત્ર આ સીઝનમાં ખૂબ જ સારું લખવામાં આવ્યું છે અને એટલું જ સારી રીતે તેણે ભજવ્યું પણ છે. એક સમયે તેની લાઇફમાં એક એવો સમય આવે છે કે તેને પોતાને તેના પર નફરત થાય છે અને એ દર્શકો પણ ફીલ કરી શકે છે. જોકે ત્યાર બાદ તે ફરી તેની લાઇફને પાટા પર લાવે છે અને એની સાથે જ દર્શક તરીકે એ ફીલિંગ પણ ચેન્જ થતી જોવા મળે છે. આ સાથે જ શશાંક અરોરા અને શિવાની રઘુવંશી પણ સપોર્ટિંગ રોલમાં ફરી આ સીઝનમાં જોવા મળ્યાં છે. તેમણે બન્નેએ તેમનાં પાત્રને ન્યાય આપવા માટે જાન રેડી દીધો છે. શશાંક એક સામાન્ય યુવાનની જેમ તેની લાઇફને કઈ દિશામાં લઈ જવી એમાં અટવાયેલો જોવા મળે છે. શિવાની પણ તેના જેઝના પાત્રમાં મૉડર્ન છોકરી કહો કે પછી સાઉથ દિલ્હીના લોકો સાથે ભળવાની કોશિશ કરે છે. આ વચ્ચે તે પોતે પણ રિલેશનશિપને લઈને કન્ફ્યુઝનમાં હોય છે. તેને અર્બન લાઇફમાં સેટલ થતાં વાર લાગે છે અને એ જોઈ શકાય છે. આ શોમાં મોના સિંહની એન્ટ્રી જોહરીની પત્ની બુલબુલ તરીકે થઈ છે. તે ‘મેડ ઇન હેવન’માં ઑડિટર હોય છે. તે બહારથી એકદમ કઠોર, પરંતુ અંદરથી ખૂબ જ કોમળ હોય છે. કંપનીના પૈસા બચાવવા માટે નિર્ણય લેવાથી લઈને ક્યારે ઇમોશનને મહત્ત્વ આપવાનું એ તેના કૅરૅક્ટરમાં જોઈ શકાય છે. વર્ષો બાદ મોના સિંહ સારા પાત્રમાં જોવા મળી છે અને તેણે એક નંબરનું કામ કર્યું છે. જિમ સર્ભ અને કલ્કિ કોચલિને પણ તેમનાં પાત્રને જેટલો સ્ક્રીન ટાઇમ આપવામાં આવ્યો છે એમાં સારું કામ કર્યું હતું. આ સાથે જ દરેક એપિસોડમાં અલગ-અલગ હિરોઇનની સાથે હીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૃણાલ ઠાકુર, રાધિકા આપ્ટે, એલનાઝ નોરોઝી, પુલકિત સમ્રાટ, સમીર સોની, સંજય કપૂર, નીલમ કોઠારી, ઇશ્વાક સિંહ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેકે ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે રાધિકાએ તેની સ્ટોરીને પોતાની બનાવી દીધી હોય એવું ફીલ કરાવ્યું છે. આ સાથે જ ડિઝાઇનર સબ્યસાચી અને અનુરાગ કશ્યપ તેમના રિયલ લાઇફ પાત્રમાં જોવા મળ્યા છે.

પ્લસ પૉઇન્ટ
આ શોમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હોય તો એ છે એમાં સમાવેશ કરવામાં આવેલા ઇશ્યુ. ઝોયા, રીમા અને અલંક્રિતાએ ખૂબ જ સમજી-વિચારીને દરેક ઇશ્યુને પસંદ કર્યા છે. તેમણે આ ઇશ્યુ વિશે વાત કરવાને અને કમેન્ટ કરવાને બદલે એને દેખાડવાની કોશિશ કરી છે. એક એપિસોડમાં દુલ્હનના કલરને લઈને ઇશ્યુ થાય છે. તેનો ડાર્ક સ્કિન ટોન હોવાથી તે વાઇટ થવા માટે ઇન્જેક્શન લે છે. એક એપિસોડમાં પૈસાને લઈને ક્લાસ દેખાડવામાં આવ્યો છે. એમાં ગોલ્ડ ડિગર વ્યક્તિ લગ્ન માટે કેવી રીતે પૈસાદાર વ્યક્તિ શોધે છે એ દેખાડવામાં આવ્યું છે. તેમ જ મુસ્લિમ વ્યક્તિ એક પત્ની હોવા છતાં બીજાં લગ્ન કરે છે અને એને લઈને પહેલી પત્ની પર શું વીતે છે એ દેખાડવામાં આવ્યું છે. ડોમેસ્ટિક અબ્યુઝની સાથે દલિત સાથેનાં લગ્નને લઈને કેવા-કેવા પ્રોબ્લેમ આવે છે એ પણ દેખાડવામાં આવ્યા છે. સેમ સેક્સ કમિટમેન્ટથી લઈને સ્કૂલમાં બાળક દ્વારા છોકરીની છેડતી કરતાં કેવાં પરિણામ આવે છે એવી ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાઇટર અને ડિરેક્ટરનો પ્લસ પૉઇન્ટ એ છે કે તેમણે કોઈને પણ ખોટા દેખાડવાની કોશિશ નથી કરી. જોકે દર્શક તરીકે દરેક સ્ટોરીને જે પૉઇન્ટ-ઑફ-વ્યુથી જોવા હોય એ રીતે જોઈ શકાય છે. આ સાથે જ દરેક એપિસોડના અંતમાં જે વૉઇસ ઓવર આવે છે એ શોનો બીજો એક પ્લસ પૉઇન્ટ છે.

આખરી સલામ
આ એક ધીમી અને લાંબી સ્ટોરી છે, પરંતુ ખૂબ જ ડીટેલમાં બનાવવામાં આવી છે. બ્લૅક ઍન્ડ વાઇટની જગ્યાએ ગ્રે શેડમાં સ્ટોરી કહેવામાં આવી છે. મેકર્સ દ્વારા સ્ટોરીને એ રીતે મૂકવામાં આવી છે કે કેટલાક નિર્ણય અન્ય માટે ખોટા હોઈ શકે, પરંતુ પોતાની સ્ટોરીમાં પોતે જ હીરો-હિરોઇન છે.

sobhita dhulipala dia mirza sanjay kapoor mrunal thakur harsh desai bollywood news bollywood movie review bollywood gossips bollywood entertainment news