26 February, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘રામાયણ’નાં દૃશ્યો
ડિરેક્ટર નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ શરૂઆતથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામના રોલમાં, સાંઈ પલ્લવી સીતાના રોલમાં અને સાઉથનો સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે. થોડા સમય પહેલાં રણબીર અને સાંઈનાં કેટલાંક દૃશ્યોનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. હવે યશનાં રાવણ તરીકેનાં કેટલાંક દૃશ્યોનું શૂટિંગ મુંબઈમાં હાથ ધરાયું છે. ખાસ વાત તો એ છે કે યશ આ ફિલ્મમાં પ્રોડ્યુસર પણ છે.
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે યશે તેના હિસ્સાનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હવે આ ફિલ્મનાં કેટલાંક મહત્ત્વનાં યુદ્ધનાં દૃશ્યોનું મુંબઈના આક્સા બીચ પર શૂટિંગ કરવામાં આવશે અને પછી દહિસરના સ્ટુડિયોમાં કેટલુંક શૂટિંગ કરાશે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે ‘આ ફિલ્મનાં યુદ્ધનાં દૃશ્યોનું ભવ્ય સ્કેલ પર શૂટિંગ કરવામાં આવશે અને રાવણનો પાવર દર્શાવવા માટે ખાસ વૉર કોરિયોગ્રાફી કરવામાં આવી છે. આ દૃશ્યોમાં હેવી વિઝ્યુલ ઇફેક્ટ્સ (VFX) છે અને એમાં રણબીરની હાજરી જરૂરી નથી એટલે તે આ શેડ્યુલનો હિસ્સો નથી.’
નિતેશ તિવારીની ‘રામાયણ’ બે હિસ્સામાં રિલીઝ થશે. એનો પહેલો પાર્ટ ૨૦૨૬ની દિવાળી વખતે રિલીઝ થશે, જ્યારે બીજો પાર્ટ ૨૦૨૭ની દિવાળી વખતે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.