21 January, 2024 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય દેવરાકોન્ડા
વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના ફેબ્રુઆરીમાં સગાઈ કરવાનાં છે એવી અફવાએ જોર પકડ્યું છે. સગાઈ કરીને આ બન્ને પોતાના રિલેશનની જાહેરાત કરશે એવું પણ જાણવા મળ્યું છે. આ બધી અફવાને જોતાં વિજયે ચોખ્ખી ના પાડી છે કે મારી સગાઈ કે લગ્ન નથી થઈ રહ્યાં. વિજય અને રશ્મિકાએ ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’માં સાથે કામ કર્યું હતું. બન્ને ફિલ્મો લોકોને ખૂબ ગમી હતી. તેઓ બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યાં છે. સગાઈની અફવા પર વિરામ મૂકતાં વિજયે કહ્યું કે ‘હું ફેબ્રુઆરીમાં ન તો સગાઈ કરવાનો છું કે ન તો લગ્ન કરવાનો છું. એવું લાગે છે કે પ્રેસ દર બે વર્ષે મારાં લગ્ન કરાવવા માગે છે. દર વર્ષે આ અફવા હું સાંભળુ છું. તેઓ મારી આસપાસ જ ફરતા હોય છે કે ક્યારે તેઓ મને પકડી લે અને મારાં લગ્ન કરાવી દે.’
ટ્રાફિકથી બચવા મેટ્રોમાં ટ્રાવેલ કરી વત્સલે
વત્સલ શેઠે મુંબઈના ટ્રાફિકથી બચવા મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. લોકોની સાથે જ અનેક સેલિબ્રિટીઝ પણ મુંબઈના ટ્રાફિકથી તોબા પોકારી ગઈ છે, એથી ઘણી વખત સ્ટાર્સ પણ મેટ્રોમાં પ્રવાસ કરે છે. થોડા સમય પહેલાં હેમા માલિની, અક્ષયકુમાર, હૃતિક રોશન, ટાઇગર શ્રોફ અને જૅકી ભગનાણીએ પણ મેટ્રોમાં સફર કરી હતી. વત્સલે પણ અંધેરીથી ઘાટકોપર જવા અને આવવા માટે મેટ્રોનો સહારો લીધો હતો.
‘કિલર સૂપ’ પર કિલર જીન્સની લાલ આંખ
કેવલ કિરણ ક્લોધિંગ લિમિટેડ જે કિલર જીન્સ બનાવે છે એણે વેબ-સિરીઝ ‘કિલર સૂપ’ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કેવલ કિરણ ક્લોધિંગ લિમિટેડનું માનવું છે કે કિલર જીન્સ એ તેમની બ્રૅન્ડનું નામ છે અને તેમના આ ટ્રેડમાર્કનો ઉપયોગ વેબ-સિરીઝના નામમાં કરવો એ નિયમનું ઉલ્લંઘન છે. આ જ કારણ છે કે કંપનીએ શોના મેકર્સ મૅકગફિન પિક્ચર્સ એલએલપી અને નેટફ્લિક્સ એન્ટરટેઇનમેન્ટ સર્વિસિસ ઇન્ડિયા એલએલપી વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં કેસ કર્યો છે. મનોજ બાજપાઈ અને કોંકણા સેન શર્માનો શો ‘કિલર સૂપ’ ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થયો છે.
‘બિગ બૉસ’ની ૧૭મી સીઝનમાંથી નીકળીને વેબ-સિરીઝની સ્ક્રિપ્ટ લખશે મુનાવર ફારુકી
‘બિગ બૉસ’ની ૧૭મી સીઝનમાં જોવા મળતા કૉમેડિયન-મ્યુઝિશ્યન મુનાવર ફારુકીએ પોતાના ભવિષ્યના પ્લાન વિશે જણાવ્યું છે. તે છેલ્લાં ત્રણ વર્ષથી એક વેબ-શો પર કામ કરી રહ્યો છે. એનો પહેલો એપિસોડ તેણે લખી લીધો છે. તેનું કહેવું છે કે આ રિયલિટી શોમાંથી બહાર નીકળ્યા બાદ તે ૬ મહિનાની અંદર એ શોની આખી સીઝન લખવાનો છે. એ વિશે મુનાવર ફારુકીએ કહ્યું કે ‘મેં એક વેબ-સિરીઝ લખી છે. ત્રણ વર્ષથી હજી સુધી લખી જ રહ્યો છું. પહેલો એપિસોડ લખી લીધો છે. બે વર્ષ સુધી હું એમાં ચેન્જ કરતો રહ્યો, કેમ કે એ આખી સીઝન એ પ્રમાણે રહેશે. જે સ્ટોરી દેખાડવામાં આવશે એ સંબંધિત હોય અને એમાં કોઈ કચાશ ન રહી જાય એની ખાતરી રાખવામાં આવશે. પહેલા એપિસોડમાં જે થાય એની ફ્લેવર આખી સીઝનમાં હોવી જોઈએ. અહીંથી નીકળ્યા બાદ જો મારી પાસે ૬ મહિનાનો સમય રહેશે તો ૧૦ એપિસોડ અને બે સીઝન લખી શકું છું.’
અંકિતા, ઈશા અને આયેશાને અસભ્ય કહી મધુ ચોપડાએ
પ્રિયંકા ચોપડા જોનસની મમ્મી મધુ ચોપડાએ ‘બિગ બૉસ 17’ની કન્ટેસ્ટન્ટ્સ અંકિતા લોખંડે, ઈશા માલવિયા અને આયેશા ખાનના વર્તનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. આ રિયલિટી શોમાં ટૉર્ચર ટાસ્ક દરમ્યાન મનારા ચોપડા સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. મનારા સાથે તેમણે ઝઘડો પણ કર્યો અને સાથે જ અપમાનજનક કમેન્ટ પણ કરી હતી. પ્રિયંકા અને પરિણીતી ચોપડાની કઝિન છે મનારા. તે ફાઇનલ વીકમાં આવી ગઈ છે. તેની સાથે મુનાવર ફારુકી, અરુણ માશેટ્ટી અને અભિષેક કુમાર પણ છે. મનારા સાથે થયેલા ટૉર્ચરની ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે એ જોયા બાદ મધુ ચોપડાએ કમેન્ટ કરી કે ‘ઓહ માય ગૉડ. તેઓ અસભ્ય વર્તન કરી રહ્યાં છે.’