11 July, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરવાનાં છે. એ પહેલાં દીપિકા કુદરતી વાતાવરણનો ભરપૂર આનંદ લઈ રહી છે અને કુદરતના ખોળે તેને નિરાંત મળે છે. તે રિલૅક્સ મૂડમાં છે અને આઉટડોર ગઈ છે, પરંતુ લોકેશનની જાણ નથી થઈ. ઇન્સ્ટાગ્રામ પર દીપિકાએ લખ્યું કે ‘આ સેલ્ફ-કૅર મન્થ છે. જોકે સેલ્ફ-કૅર મન્થ સેલિબ્રેટ કરવાની શું જરૂર છે જ્યારે તમે એને નાની-નાની પ્રવૃત્તિઓ દ્વારા દરરોજ સેલિબ્રેટ કરી શકો છો. હું જાણું છું કે તમારામાંથી અનેક લોકો મારી ફીડ જુએ છે અને પોતાની જાતને કહે છે કે ચાલો ફરીથી શરૂઆત કરીએ. મને આઉટડોર સમય પસાર કરવો ગમે છે અને કુદરતી વાતાવરણમાં હું રિલૅક્સ ફીલ કરું છું અને એ મને થેરપી જેવું લાગે છે. આપણામાંથી અનેક લોકોને આવું સ્થાન ન પણ મળે. મને જ્યારે પણ તક મળે છે હું એનો લાભ લઉં છું. અહીં હું ન માત્ર એનો આનંદ લઉં છું, પરંતુ એમાં મારો વિકાસ પણ થાય છે.’
શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. એ હૉરર-કૉમેડીમાં તેની સાથે રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બૅનરજી પણ જોવા મળશે. હવે એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં અક્ષયકુમાર પણ દેખાશે. એ જ દિવસે તેની ‘ખેલ ખેલ મેં’ પણ રિલીઝ થવાની છે. ‘સ્ત્રી 2’ સાથે જોડાયેલાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં અક્ષયકુમારનો સ્પેશ્યલ રોલ રહેશે. ફિલ્મની એ ચોક્કસ સીક્વન્સમાં અક્ષયકુમારની હાજરી નવો વળાંક લાવશે. જોકે મેકર્સ કે પછી અક્ષયકુમાર તરફથી એ વિશે કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.
રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં જૅકી શ્રોફ પણ અગત્યના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અજય દેવગન, અક્ષયકુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે. જૅકી શ્રોફ સાથે સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી, મારી આખી લાઇફમાં તેમના જેવી દિલની સાફ વ્યક્તિ મેં જોઈ નથી.
વીતેલા જમાનાનાં ઍક્ટ્રેસ રાખી અને ફેમસ ગીતકાર ગુલઝારે ઘરે બેસીને મુંબઈમાં વરસેલા અનરાધાર વરસાદનો ખૂબ આનંદ લીધો હતો. તેમનો ફોટો તેમની દીકરી અને ફિલ્મમેકર મેઘના ગુલઝારે શૅર કર્યો હતો. ફોટોમાં દેખાય છે કે તેમને સમોસા ખાઈને ખૂબ જલસો પડી ગયો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મેઘનાએ કૅપ્શન આપી, સમોસે, ચાય ઔર બારિશ. પરમ આનંદ.