‘હેરાફેરી 3’માં કાર્તિક છે, એમાં છુપાવવાની કાંઈ જરૂર નથી : પરેશ રાવલ

15 January, 2023 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમનું કહેવું છે કે અક્ષયકુમાર કામ કરે કે નહીં એ નક્કી નથી, પરંતુ બધી વાત સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ ક્લિયર થશે

પરેશ રાવલ

પરેશ રાવલનું કહેવું છે કે ‘હેરાફેરી 3’માં કાર્તિક આર્યનની એન્ટ્રી પાકી છે અને એમાં છુપાવવા જેવું કાંઈ નથી. આ વખતની ફ્રૅન્ચાઇઝીમાં અક્ષયકુમારને બદલે કાર્તિકની એન્ટ્રી થઈ છે. એને લઈને તેના ફૅન્સ નારાજ છે. મેકર્સ અને અક્ષયકુમાર વચ્ચે વાત જામી નહીં એથી અક્ષયકુમારે આ ફિલ્મમાંથી હટી જવાનું યોગ્ય ગણ્યું. સુનીલ શેટ્ટીએ પણ તેને મનાવવાના પ્રયાસ કર્યા હતા, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું. હવે ફિલ્મને લઈને જે હોબાળો મચી રહ્યો છે એને લઈને પરેશ રાવલે કહ્યું કે ‘ફિલ્મ ‘હેરાફેરી 3’ ચોક્કસ બનવાની છે. હું બાબુભાઈ તરીકે એમાં જોવા મળીશ. હું જાણું છું કે કાર્તિક આર્યન આ ફિલ્મમાં છે તો એવું કહેવામાં છુપાવવા જેવું શું છે? અગાઉ નીરજ વોરાએ ‘હેરાફેરી 3’ને જૉન એબ્રાહમ અને અભિષેક બચ્ચન સાથે ડિરેક્ટ કરવાની જાહેરાત કરી હતી. એનું થોડું શૂટિંગ કર્યા બાદ અમુક કારણસર આ ફિલ્મ બની શકી નહીં. એ વખતે પણ એટલો વિવાદ નહોતો થયો. મને એ નથી ખબર કે અક્ષયકુમાર આ ફિલ્મમાં કામ કરશે કે નહીં, પરંતુ હું એટલું જરૂર જાણું છું કે એમાં કાર્તિક છે. આ બધું મારી સામે જ બન્યું છે એથી હું કહું છું કે આ સાચી વાત છે. સ્ક્રિપ્ટ જ્યારે પૂરી રીતે લખાઈ જશે ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે.’

પરેશ રાવલનો દીકરો આદિત્ય રાવલ પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે ૨૦૨૦માં આવેલી ‘બમફાડ’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. તે હવે હંસલ મહેતાની ‘ફરાઝ’માં દેખાવાનો છે. પરેશ રાવલે જણાવ્યું છે કે મારા દીકરાએ પોતાનો માર્ગ જાતે જ શોધવાનો રહેશે. જોકે તેને જોઈતી મદદ હું કરીશ. એ વિશે પરેશ રાવલે કહ્યું કે ‘હું નેપોટિઝમમાં નથી માનતો. જો મારા દીકરાને ઍક્ટર બનવું હોય તો તેને મદદ કરવા હું બધું કરીશ, પરંતુ છેવટે તો હું નહીં, લોકો જ આદિત્યને સ્ટાર બનાવશે. અમે જોયું છે કે મોટા પ્રોડ્યુસર્સ તેમના દીકરાઓને લૉન્ચ કરે છે, પરંતુ તેઓ નિષ્ફળ જાય છે, કેમ કે જનતા તેમનો સ્વીકાર નથી કરી શકતી. મેં મારા દીકરાને શિક્ષણ આપ્યું છે અને આદર્શોનું સિંચન કર્યું છે. હવે આગળની જર્ની તેણે જાતે ખેડવાની છે. તે સમજદાર, સ્ટ્રૉન્ગ અને સખત મહેનતુ છે.’

- ઉપલા કેબીઆર

entertainment news bollywood news hera pheri 3 paresh rawal kartik aaryan