24 February, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઓડેલા 2’
તમન્ના ભાટિયા માટે ૨૦૨૪નું વર્ષ બહુ શાનદાર રહ્યું અને હવે તે ફરી પાછી સિલ્વર સ્ક્રીન પર આવી રહી છે. તમન્નાની નેક્સ્ટ ફિલ્મ ‘ઓડેલા 2’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે અને ફૅન્સ આતુરતાથી એની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલાં મેકર્સે ‘ઓડેલા 2’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું જેમાં તમન્નાનો નાગા સાધુ લુક જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. તમન્નાએ ‘ઓડેલા 2’નું ટીઝર ગઈ કાલે મહાકુંભમાં લૉન્ચ કર્યું હતું.
આ ટીઝર ડરામણું છે જેમાં અનેક સુપરનૅચરલ વસ્તુ દેખાડવામાં આવી છે. ફિલ્મમાં તમન્નાનો લુક અને તેનું પાત્ર ફ્રેશ અને દમદાર છે. આ થ્રિલરમાં સારપ અને બૂરાઈ વચ્ચેનો શાશ્વત સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. ‘ઓડેલા 2’માં તમન્ના સારપનું પ્રતીક છે. ‘ઓડેલા 2’ને અશોક તેજાએ ડિરેક્ટ કરી છે અને એમાં મુરલી શર્મા પણ છે. તેલુગુ ભાષામાં બનેલી આ ફિલ્મને પૅન ઇન્ડિયામાં રિલીઝ કરવામાં આવશે. જોકે આ ફિલ્મની રિલીઝ-ડેટ જાહેર કરવામાં નથી આવી.