05 November, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તબુની આગામી ફિલ્મ ‘કિંગ 100’નો લુક
ગઈ કાલે તબુની પંચાવનમી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે તબુની આગામી ફિલ્મ ‘કિંગ 100’માંથી તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં તે મહંતી ઝાંસી રાનીની ભૂમિકા ભજવતી જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે અને બૉક્સ-ઑફિસ પર એની ટક્કર શાહરુખ ખાનની ‘કિંગ’ સાથે થશે.
આ ફિલ્મ નાગાર્જુનની કરીઅરની ૧૦૦મી ફિલ્મ છે અને તે એમાં લીડ રોલ કરી રહ્યો છે. નાગાર્જુને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક પોસ્ટ શૅર કરીને તબુનો ‘કિંગ 100’માંથી ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કર્યો છે. પોસ્ટરમાં તબુ લાલ રંગની સાડી પહેરીને દમદાર અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે નાગાર્જુને લખ્યું હતું કે ‘હવે તમે અમારી યાદોમાં મહંતી ઝાંસી રાની તરીકે હંમેશાં વસેલાં રહેશો. તમે આ ફિલ્મને ખૂબ જ ખાસ બનાવી દીધી છે. આ ફિલ્મમાંથી તમારી એક ઝલક રજૂ કરું છું.’
પોસ્ટરની સાથે ફિલ્મના નિર્માતાઓએ એક વિડિયો પણ શૅર કર્યો છે જેમાં તબુનો દમદાર અંદાજ જોવા મળે છે. ફિલ્મમાં તે એક એવી મહિલાની ભૂમિકા ભજવી રહી છે જે નસીબમાં વિશ્વાસ કરતી નથી અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે ‘મને નસીબથી નફરત છે.’