ઊંચાઈ માટે બેસ્ટ ડિરેક્ટરનો નૅશનલ અવૉર્ડ જાહેર થયા પછી સૂરજ બડજાત્યાની પ્રતિક્રિયા

18 August, 2024 08:43 AM IST  |  Mumbai | Gaurav Sarkar

એવું લાગે છે કે મેં ખરેખર એવરેસ્ટ સર કરી લીધો

સૂરજ બડજાત્યા

ભારત સરકારે શુક્રવારે ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સની જાહેરાત કરી હતી. એમાં ૨૦૨૨માં રિલીઝ થયેલી ‘ઊંચાઈ’ માટે બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ સૂરજ બડજાત્યાને જાહેર થયો છે. એથી તેમને લાગે છે કે મેં ખરેખર એવરેસ્ટ પર્વત સર કરી લીધો. આ ફિલ્મનો વિષય જ એવો હતો કે ત્રણ ફ્રેન્ડ્સ માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પની જર્નીની શરૂઆત કરે છે. સૂરજ બડજાત્યાના રાજશ્રી પ્રોડક્શન્સે એને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બમન ઈરાની, ડૅની ડેન્ઝોન્ગ્પા, નીના ગુપ્તા, સારિકા અને પરિણીતિ ચોપડા જોવા મળ્યાં હતાં. ફિલ્મ વિશે સૂરજ બડજાત્યા કહે છે, ‘મેં જ્યારે ‘ઊંચાઈ’ની શરૂઆત કરી ત્યારે મને એમ કહેવામાં આવતું હતું કે હું જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતો છું એવી આ ફિલ્મ નથી. એમાં ભવ્ય સેટ્સ, ગીતો, ડાન્સ કે પછી આકર્ષક આઉટફિટ્સ નથી. જોકે ‘ઊંચાઈ’ મારા દિલથી નીકળેલી ફિલ્મ છે. એક ડિરેક્ટર તરીકે મેં સ્ટોરીને સિલેક્ટ નથી કરી, પરંતુ ‘ઊંચાઈ’એ મને પસંદ કર્યો છે. આજે હું એ સ્ટોરીનો આભાર માનું છું. ‘ઊંચાઈ’એ મને બેસ્ટ ડિરેક્ટરનો નૅશનલ અવૉર્ડ અપાવ્યો છે. આ એક સુંદર જર્ની છે જેને પર્ફેક્ટ લૅન્ડિંગ મળ્યું છે. ૨૦૨૨માં દેશના લોકોએ જેટલી પણ ફિલ્મો જોઈ એમાંથી મારી ફિલ્મને સન્માન મળ્યું છે. હું ૩૦ વર્ષ પાછળના ભૂતકાળમાં ચાલ્યો ગયો છું, જ્યારે ૧૯૯૪માં ‘હમ આપકે હૈં કૌન’ને બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. એ વખતે યંગ ડિરેક્ટર તરીકે મારી ખુશીની કોઈ સીમા નહોતી રહી. આજે હવે જ્યારે ‘ઊંચાઈ’ માટે બેસ્ટ ડિરેક્ટરના નૅશનલ અવૉર્ડની અનાઉન્સમેન્ટ થઈ છે ત્યારે આભારની લાગણી વ્યક્ત કરું છું. એક ડિરેક્ટર તરીકે ૩૫ વર્ષથી હું સ્ટોરી કહેતો આવ્યો છું. અહીં મારું કામ પૂરું નથી થતું. હજી ઘણું કામ કરવાનું બાકી છે. અહીં મને અહેસાસ થાય છે કે મેં એવરેસ્ટ સર કરી લીધો છે. આટલી મોટી સિદ્ધિ મારા સિનિયર ઍક્ટર્સ અને ટેક્નિશ્યન્સને ફાળે જાય છે જેમણે મહામારી વખતે કદી ન સાંભળ્યાં હોય એવાં લોકેશન્સમાં મારી સાથે કામ કર્યું હતું.’

sooraj barjatya bollywood news bollywood gossips bollywood entertainment news national film awards