30 January, 2025 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ
સિદ્ધાર્થની ગણતરી પ્રતિભાશાળી કલાકાર તરીકે થાય છે. ગયા વર્ષે ૧૬ સપ્ટેમ્બરે સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ લગ્ન કર્યાં હતાં અને તે ખુશહાલ મૅરેજ-લાઇફ જીવી રહ્યો છે. હાલમાં સિદ્ધાર્થે હૈદરાબાદ લિટરરી ફેસ્ટિવલમાં તેનાં સાસુ, ગાયિકા અને લેખિકા વિદ્યા રાવ સાથે હાજરી આપી હતી અને ટૉક્સિક મસ્ક્યુલિનિટી સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે મેં સભાનતાપૂર્વક એવા રોલ કરવાનું ટાળ્યું હતું જેમાં મર્દાનગી વિશેના ખોટા વિચારોને સમર્થન આપવામાં આવ્યું હોય.
આ વાત કરતાં સિદ્ધાર્થે સ્વીકાર્યું કે ‘આ પ્રકારના રોલ ન કરવાને લીધે કમર્શિયલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારી કરીઅરનો ગ્રોથ ધીમો પડી ગયો છે. મને એવી ઘણી ફિલ્મોમાં કામ કરવાની ઑફર મળતી હતી જેમાં મારે મહિલાને લાફો મારવાનો હોય, આઇટમ-સૉન્ગ કરવાનું હોય, કોઈની નાભિ પર ચીમટો ભરવાનો હોય, મહિલાઓને સૂચના આપવાની હોય કે તેણે શું કરવું જોઈએ કે પછી ક્યાં જવું જોઈએ વગેરે. મેં આ બધી ઑફરોને ઠુકરાવી દીધી હતી. જો મારી વિચારસરણી આવી ન હોત તો આજે હું ઘણો મોટો ફિલ્મસ્ટાર હોત. જોકે મેં એ જ કર્યું છે જે મને ગમે છે. આજે લોકો મને કહે છે કે હું મહિલાઓનો આદર કરું છું, પેરન્ટ્સ અને બાળકો સાથે મારું વર્તન સારું છે અને હું ક્યુટ પણ છું. તેમનાં બાળકો લાંબા સમયથી મારી ફિલ્મ જુએ છે એ સાંભળીને વિશેષ આનંદ થાય છે. આ એવી લાગણી છે જે કરોડો રૂપિયા આપીને પણ ખરીદી નથી શકાતી. મારી આસપાસના લોકો અગ્રેસિવ અને મૅચો બનવાનો પ્રયાસ કરે છે અને તેઓ પડદા પર એવું દેખાડવાનો પ્રયાસ કરે છે કે ‘મર્દ કો દર્દ નહીં હોતા’. પણ હું પડદા પર રડીને પણ ખુશ છું.’
સિદ્ધાર્થ છેલ્લે તામિલ ફિલ્મ ‘મિસ યુ’માં જોવા મળ્યો હતો અને હવે તેની આગામી ફિલ્મ ‘ધ ટેસ્ટ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે નયનતારા અને માધવન સાથે જોવા મળશે. એ સિવાય તે ડિરેક્ટર શંકરની ‘ઇન્ડિયન 3’માં પણ મહત્ત્વનો રોલ ભજવી રહ્યો છે.