23 December, 2024 08:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્યામ બેનેગલ (તસવીર: સોશિયલ મીડિયા)
બૉલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બૉલિવૂડના લેજન્ડ્રી ફિલ્મ મેકર (Shyam Benegal Passed Away) શ્યામ બેનેગલનું નિધન થયું છે. ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું લાંબી માંદગી બાદ 90 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ અંકુર, નિશાંત, મંથન, ભૂમિકા, જુનૂન અને મંડી જેવી પાથ-બ્રેકિંગ ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા હતા. શ્યામે `અંકુર` ફિલ્મથી બૉલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રથમ ફિલ્મે 43 એવોર્ડ જીત્યા હતા.
શ્યામ બેનેગલના નિધનથી (Shyam Benegal Passed Away) બૉલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને હવે અનેક સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. શ્યામની દીકરી પિયા બેનેગલે તેના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું, "તે સાચું છે. શ્રી શ્યામ બેનેગલનું આજે સાંજે 6:30 વાગ્યે નિધન થયું હતું”. ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ 1970 અને 1980 ના દાયકામાં ભારતીય સમાંતર સિનેમા ચળવળના પ્રણેતા હતા, જેમણે તેમની વાસ્તવિક વાર્તા કહેવા અને ગહન સામાજિક ભાષ્ય માટે જાણીતા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શ્યામ બેનેગલનું (Shyam Benegal Passed Away) આજે 23 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. બેનેગલના નજીકના સૂત્રએ માહિતી આપી હતી કે તેઓ બે દિવસ પહેલા તેમના ઘરે પડી ગયા હતા જે બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે શ્યામ બેનેગલ પણ કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. તેઓ બે દિવસથી કોમામાં હતા અને સોમવારે સાંજે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. અગાઉ 14 ડિસેમ્બરે તેમણે પોતાનો 90મો જન્મદિવસ તેમના મિત્રો અને પરિવાર સાથે ઉજવ્યો હતો. આ બર્થડે સેલિબ્રેશનમાં અભિનેતા કુલભૂષણ ખરબંદા, નસીરુદ્દીન શાહ, દિવ્યા દત્તા, શબાના આઝમી, રજિત કપૂર, અતુલ તિવારી, ફિલ્મ નિર્માતા-અભિનેતા અને શશિ કપૂરના પુત્ર કુણાલ કપૂર સહિતના અનેક જાણીતા સલેબ્સ પહોંચ્યા હતા અને ફિલ્મ મેકરના 90 માં બર્થ-ડેની ઉજવણી કરી તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી.
શ્યામ સુંદર બેનેગલનો જન્મ 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદમાં થયો હતો. ફિલ્મોની દુનિયામાં પ્રવેશતા પહેલા તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, પરંતુ પછીથી તેણે ફોટોગ્રાફી શરૂ કરી. બૉલિવૂડની દુનિયામાં તેમને આર્ટ સિનેમાના પિતા પણ માનવામાં આવે છે. જ્યારે તેઓ બાર વર્ષના હતો ત્યારે તેમણે તેમના ફોટોગ્રાફર પિતા શ્રીધર બેનેગલ સાથે કામ કર્યું હતું અને પિતાએ આપેલા કૅમેરાથી તેમણે પહેલી ફિલ્મ બનાવી હતી. તેમણે કલાના ક્ષેત્રમાં અદ્ભુત યોગદાન આપ્યું અને વર્ષ 1991માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા. તે જ સમયે, વર્ષ 2007 માં, તેમને શ્રેષ્ઠ ભારતીય સિનેમા માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર (Shyam Benegal Passed Away) પણ એનાયત કરવામાં આવ્યો હતો.