25 August, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
ઇન્સ્ટાગ્રામ પરના ફૉલોઅર્સની સંખ્યાના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાછળ મૂકી દીધા પછી શ્રદ્ધા કપૂર હવે પ્રિયંકા ચોપડા કરતાં પણ આગળ નીકળી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાના ફૉલોઅર્સ શનિવારની રાતે ૮ વાગ્યે આ લખાઈ રહ્યું છે ત્યારે ૯ કરોડ ૧૯ લાખ થયા છે, જ્યારે પ્રિયંકાના ફૉલોઅર્સની સંખ્યા ૯ કરોડ ૧૮ લાખ છે.
‘સ્ત્રી 2’ની જબરદસ્ત સફળતાને પગલે શ્રદ્ધા હવે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતી ભારતીય સેલિબ્રિટીઝમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. શ્રદ્ધાની હરણફાળને પગલે પ્રિયંકા હવે ત્રીજા અને નરેન્દ્ર મોદી ચોથા સ્થાને છે. વડા પ્રધાનના ફૉલોઅર્સની સંખ્યા ૯ કરોડ ૧૩ લાખ છે. વિરાટ કોહલી ૨૭ કરોડ ફૉલોઅર્સ સાથે ભારતીય સેલિબ્રિટીઝમાં નંબર વન છે અને બધાથી ઘણો આગળ છે.
‘સ્ત્રી 2’ આઠમા દિવસે ૩૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશી
માત્ર જવાન, પઠાન અને ઍનિમલ એના કરતાં આગળ: શુક્રવાર સુધીમાં કુલ ૩૨૭.૧૦ કરોડ રૂપિયા રળ્યા
હૉરર-કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’એ ગુરુવારે આઠમા દિવસે ૩૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી માર્યા પછી શુક્રવારના નવમા દિવસે પણ ૧૯.૩૦ કરોડ રૂપિયાનો જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. ‘સ્ત્રી 2’નું ભારતમાં બૉક્સ-ઑફિસ કલેક્શન શુક્રવારે ૩૨૭.૧૦ કરોડ રૂપિયા થઈ ગયું હતું. આજે રવિવાર અને પછી જન્માષ્ટમી છે એટલે બિઝનેસ પાછો કૂદકો મારશે એવી ધારણા છે.
૩૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં આઠમા દિવસે પ્રવેશીને ‘સ્ત્રી 2’એ હિન્દી ‘બાહુબલી 2’ હિન્દી ‘KGF 2’ને પછાડી દીધી છે. આ બન્ને ફિલ્મો અનુક્રમે દસમા અને અગિયારમા દિવસે ૩૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશી હતી. ‘ગદર 2’ આઠમા દિવસે આ ક્લબમાં પ્રવેશી હતી એટલે ‘સ્ત્રી 2’એ એની બરાબરી કરી છે. ‘જવાન’ છઠ્ઠા દિવસે તથા ‘પઠાન’ અને ‘ઍનિમલ’ સાતમા દિવસે આ ક્લબમાં પ્રવેશી હતી.
૩૦૦ કરોડ રૂપિયાની ક્લબની ટૉપ ટેન હિન્દી ફિલ્મો
ફિલ્મ દિવસ
જવાન ૬
પઠાન ૭
ઍનિમલ ૭
ગદર 2 ૮
સ્ત્રી 2 ૮
બાહુબલી 2 ૧૦
KGF 2 ૧૧
દંગલ ૧૩
સંજુ ૧૬
ટાઇગર ઝિન્દા હૈ ૧૬