06 February, 2025 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકપ્રિય બૉલીવુડ ઍક્ટ્રેસ રેખાનો અંદાજ
લોકપ્રિય બૉલીવુડ ઍક્ટ્રેસ રેખા આજે પણ જ્યાં જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આમિર ખાનના પુત્ર જુનૈદની ફિલ્મ ‘લવયાપા’ના ખાસ સ્ક્રીનિંગમાં પણ એવું જ થયું. જુનૈદ ખાન અને ખુશી કપૂર અભિનીત આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે આમિરે લગભગ આખા બૉલીવુડને આમંત્રણ આપ્યું હતું. આ ફંક્શનમાં ડિરેક્ટર રાજકુમાર સંતોષીથી લઈને હીમૅન ધર્મેન્દ્ર સુધી ઘણા કલાકારો હાજર રહ્યા પરંતુ રેખાના આગમન પછી બધાની નજર તેના પર અટકી ગઈ હતી.
આ ફંક્શનમાં રેખાએ માથામાં સિંદૂર લગાવેલા લુકમાં એન્ટ્રી લીધી હતી. તેની સાથે તેની સેક્રેટરી ફરઝાના પણ હતી. રેખાએ કારમાંથી ઊતરતાં જ અંદર પ્રવેશીને આમિરને જોઈને આદાબ કર્યા અને તેને ગળે મળી. આ પછી તેણે ફિલ્મમેકર રાજકુમાર સંતોષીના ચરણસ્પર્શ કર્યા હતા. હકીકતમાં રાજકુમાર સંતોષી ભલે રેખાથી ઉંમરમાં નાના છે, પરંતુ રેખાએ તેમના ચરણસ્પર્શ કરીને સિનેમામાં તેમના યોગદાનને અંજલિ આપી હતી.
આ ફંક્શનના કેટલાક વિડિયોમાં રેખા પછી ધર્મેન્દ્ર સાથે વાતચીત કરતી જોવા મળે છે. બન્નેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની વચ્ચે સારી મિત્રતા રહી છે. આ ફંક્શનમાં રેખા પછી આમિરની પુત્રી આઇરા ખાન અને જમાઈ નૂપુર શિખરેને પણ મળી હતી.