‘એક હસીના થી’ના મારા પાત્રને એક ફૅન નફરત કરતી અને દરેક એપિસોડ બાદ તે મારા ફોટોને સ્ટેબ કરતી હતી : વત્સલ શેઠ

24 September, 2023 08:11 PM IST  |  Mumbai | Harsh Desai

વત્સલ શેઠનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે ‘જસ્ટ મોહબ્બત’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેણે ‘નાગિન 6’માં પણ કામ કર્યું છે

ફાઇલ તસવીર

વત્સલ શેઠનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે ‘જસ્ટ મોહબ્બત’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેણે ‘નાગિન 6’માં પણ કામ કર્યું છે. તેણે ‘ટારઝન : ધ વન્ડર કાર’ દ્વારા ફિલ્મી કરીઅરની શરૂઆત કરી હતી. એ તેનું યાદગાર પાત્ર હતું. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મો અને વેબ-શોમાં કામ કર્યું છે. તેણે છેલ્લે ‘આદિપુરુષ’માં રાવણના દીકરા ઇન્દ્રજિતનું પાત્ર ભજવ્યું હતું. તે હવે ગુજરાતી ફિલ્મમાં પણ ડેબ્યુ કરી રહ્યો છે. આ એક કૉમેડી ફિલ્મ છે જેમાં તેની સાથે હેલી શાહ છે. આ ફિલ્મનું શૂટિંગ તેણે પૂરું કરી લીધું છે અને હવે એની રિલીઝની રાહ જોવાઈ રહી છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
આઇ ઍમ ધ ધ બેસ્ટ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
હમણાં તો મારો દીકરો વાયુ જ્યારે સ્માઇલ કરે છે ત્યારે મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. હાલમાં તે થોડો બીમાર પડ્યો હતો અને આખી રાત રડી રહ્યો હતો એને કારણે મને થોડો ડર લાગ્યો હતો.

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
મારાં મમ્મી–પપ્પાને હું ડેટ પર લઈ જવા માગું છું. તેઓ મૉલદીવ્ઝ ક્યારેય નથી ગયાં એટલે હું તેમને ત્યાં ડેટ પર લઈ જવા માગું છું.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું હમણાં તો સૌથી વધુ ખર્ચ મારા દીકરાનાં ડાયપર પર કરી રહ્યો છું. એ સિવાય હું સૌથી વધુ ખર્ચ ટ્રાવેલ પર કરું છું. દુનિયાનો અનુભવ મેળવવા માટે ટ્રાવેલ સૌથી બેસ્ટ છે.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મને નથી ખબર. તમે આઇલૅન્ડ પર હો અને રેસ્ક્યુ માટે પ્લેન જોઈતું હોય તો એ અલગ વાત છે. જોકે આ જનરલ અટેન્શન માટે મને નથી ખબર કે કોઈએ શું કરવું જોઈએ. સિંગલ છોકરો હોય અને છોકરીનું અટેન્શન મેળવવા માગતો હોય તો એ માટે અલગ કરવું પડે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
હું એક સારો ઍક્ટર છું અને એ રીતે લોકો મને યાદ રાખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
મારા ટીવી-શો ‘એક હસીના થી’ દરમ્યાન મને એક એવી ફૅન વિશે ખબર પડી હતી કે તેની પાસે મારો ફોટો છે. આ શોના દરેક એપિસોડ બાદ તે મને ખૂબ નફરત કરતી અને દરેક એપિસોડ બાદ તે મારા ફોટોને સ્ટેબ કરતી. તેનું માનવું હતું કે મારું પાત્ર આ શોમાં ઘણું ખરાબ હતું. આ વાતને હું કૉમ્પ્લીમેન્ટ તરીકે લઉં છું, પરંતુ એ થોડું વિચિત્ર પણ છે.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
મને યોયો આવડે છે અને વાંસળી પણ વગાડી શકું છું. જોકે આ તો ઇન્ટરેસ્ટિંગ ટૅલન્ટ છે. મારી પાસે એવી એક પણ ટૅલન્ટ નથી જે યુઝલેસ હોય.

પહેલી જૉબ કઈ હતી?
‘જસ્ટ મોહબ્બત’ મારો પહેલો શો અને મારી પહેલી જૉબ હતી.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં છે?
મારી પાસે એક ખૂબ જૂનું જીન્સ છે. મેં એના પર કલર પૅચ માર્યા અને એના પર ફરી પૅચ પણ માર્યા હતા. જોકે એ મને આજે ફિટ પણ નથી થતું.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
લગ્નમાં ગેટક્રેસ કરીને અમે ગયા હતા અને ખાવાનું ખાઈને આવી ગયા હતા એ એક ડૅરિંગવાળું કામ હતું.

એવી કઈ વાત છે જેને હજી તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
એ વાતને મિસ્ટરી જ રહેવા દો તો સારું.

vatsal sheth bollywood bollywood news entertainment news