25 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ
છેલ્લા કેટલાક સમયથી ઉજ્જ્વલ નિકમની બાયોપિકની ચર્ચા હતી. હવે આ ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલ ભજવવા માટે ફાઇનલ થયો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબર ૨૦૨૫થી શરૂ કરશે અને માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે.
રાજકુમાર રાવ આ રોલ માટે એક ઍક્ટિંગ વર્કશૉપમાંથી પસાર થશે, કારણ કે ફિલ્મ ૨૬/૧૧ મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ કસાબની ટ્રાયલ પર કેન્દ્રિત છે અને એ ટિપિકલ બાયોપિક ફૉર્મેટથી અલગ છે. શરૂઆતમાં આ રોલ માટે આમિર ખાનના નામની ચર્ચા હતી, પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે.
કોણ છે ઉજ્જ્વલ નિકમ?
ઉજ્જ્વલ દેવરાવ નિકમ એક પ્રખ્યાત સ્પેશ્યલ સરકારી વકીલ છે, જેમણે મોટા ભાગે હત્યા અને આતંકવાદના કેસોમાં કામ કર્યું છે. તેમણે ૧૯૯૩ના બૉમ્બે બૉમ્બ-બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યા-કેસ, પ્રમોદ મહાજન હત્યા-કેસ તેમ જ ૨૦૦૮ના મુંબઈ હુમલા જેવા હાઇપ્રોફાઇલ કેસમાં લડત આપી છે. ૨૬/૧૧ મુંબઈ હુમલાના ટ્રાયલમાં તેમણે અજમલ કસાબ સામે પ્રોસિક્યુશનનું નેતૃત્વ કર્યું. ૨૦૧૬માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તાજેતરમાં તેમને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે.