17 May, 2021 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાને લોકોને ચેતવણી આપી છે કે જો પાઇરેટેડ સાઇટ્સ પર ફિલ્મ જોવામાં આવશે તો સાઇબર સેલની ચાંપતી નજરથી બચી નહીં શકો. સલમાનની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’ને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે. રિલીઝની ગણતરીના કલાકોમાં આ ફિલ્મ વિવિધ પાઇરેટેડ સાઇટ્સ પર લીક થઈ ગઈ હતી. એનો લાભ કેટલાક લોકોએ પણ લીધો હતો. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ટ્વિટર પર સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘અમે તમારા માટે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને ખૂબ જ વાજબી ૨૪૯ રૂપિયા પર વ્યુના હિસાબે લઈને આવ્યા છીએ. આમ છતાં કેટલીક પાઇરેટેડ સાઇટ્સ પર ફિલ્મની ગેરકાયદે સ્ટ્રીમિંગ કરવામાં આવી છે, જે એક ગંભીર અપરાધ છે. સાઇબર સેલ આ બધી પાઇરેટેડ સાઇટ્સ વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ રહીહ્યુંછે. પાઇરસીનો ભાગ ન બનતા નહીં તો સાઇબર સેલનો રેલો તમારા સુધી પણ આવી શકે છે. તમે વાતને સમજો, નહીં તો મોટી મુસીબતમાં ફસાઈ શકો છો.’
સલમાન ખાનની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’એ બે દિવસ એટલે કે શુક્રવારે અને શનિવારે લગભગ ૯.૩૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે. ઈદ દરમ્યાન રિલીઝ થયેલી આ ફિલ્મે ગલ્ફના દેશોમાં પણ સારોએવો બિઝનેસ કર્યો છે. પ્રભુ દેવા ડિરેક્ટેડ આ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પાટણી, રણદીપ હુડા અને જૅકી શ્રોફ લીડ રોલમાં છે. આ ફિલ્મને પે-પર-વ્યુ પ્રમાણે કેટલાંક થિયેટર્સની સાથે ઑનલાઇન પણ રિલીઝ કરવામાં આવી છે. જોકે ફિલ્મને કેટલીક પાઇરેટેડ સાઇટ્સ પર લીક કરવામાં આવી છે. એવામાં આવનારા સમયમાં આ ફિલ્મ કેટલો બિઝનેસ કરે છે એ જોવાનું રહેશે.