14 April, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
સોનુ સૂદ દ્વારા હાલમાં જ એક ડિલિવરી-બૉયે કરેલી શૂઝની ચોરીને સપોર્ટ કરવામાં આવતાં લોકો તેનાથી નારાજ થયા છે. કોવિડ દરમ્યાન સોનુ સૂદ દરેકની મદદ કરતો જોવા મળ્યો હતો. હજી પણ તે લોકોની મદદ કરતો રહે છે. હાલમાં જ ગુરુગ્રામનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક ફૂડ ડિલિવરી-બૉય એક ઘરની બહાર રાખવામાં આવેલાં શૂઝની ચોરી કરે છે. આ ઘટના બાદ સોનુ સૂદે પોસ્ટમાં લખ્યું હતું કે ‘જો કોઈ ડિલિવરી-બૉય કોઈના ઘરની બહાર ફૂડ ડિલિવરી કરતી વખતે શૂઝની ચોરી કરે તો તેની વિરુદ્ધ ઍક્શન ન લેવી જોઈએ. ઍક્શન લેવા કરતાં તેને નવાં શૂઝ ખરીદી આપવાં. તેને ખરેખર એની જરૂર હોઈ શકે. વિનમ્રતા દેખાડો.’
સોનુ સૂદની આ પોસ્ટથી સોશ્યલ મીડિયા પર યુઝર્સ નારાજ થયા છે. લોકોનું કહેવું છે કે કાલ ઊઠીને તે બાઇક ચોરી કરશે તો શું એ પણ યોગ્ય છે. ઘણા લોકોનું કહેવું છે કે તેની વિરુદ્ધ ઍક્શન ન લેવામાં આવે એ સમજી શકાય, પરંતુ તેણે જે કર્યું એને સપોર્ટ ન કરવો જોઈએ. ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે તેને એજ્યુકેટ કરવો જોઈએ કે જરૂરિયાત કેવી રીતે પૂરી કરાય, તેને બધું હાથમાં ન આપવું જોઈએ.