15 December, 2025 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
‘ધુરંધર’ ઍન્ટિ-પાકિસ્તાની ફિલ્મ છે એવી ચર્ચા હવે પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. એક તરફ દુનિયાભરમાં ‘ધુરંધર’ની પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનમાં આ ફિલ્મને નેગેટિવ પ્રૉપગૅન્ડા ગણાવવામાં આવી રહી છે. આ વચ્ચે પાકિસ્તાને ફિલ્મમાં દર્શાવાયેલા પાકિસ્તાનના લયારી વિસ્તારની ફિલ્મી ઇમેજને ખોટી સાબિત કરવા માટે અને એેને જવાબ આપવા માટે એક નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે.
પાકિસ્તાનની સિંધ સરકારે શનિવારે ‘મેરા લયારી’ નામની ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં લયારીની સંસ્કૃતિ અને જીવનશૈલીને દર્શાવવામાં આવશે જેથી ‘ધુરંધર’માં લયારીની દેખાડવામાં આવેલી ઇમેજને નકારી શકાય.
રિપોર્ટ મુજબ સિંધના માહિતીપ્રધાન શરજીલ ઇનામ મેમણે સોશ્યલ મીડિયા પર ‘મેરા લયારી’નું પોસ્ટર શૅર કર્યું છે. આ સાથે જ તેણે કૅપ્શન લખી છે કે ‘ભારતીય ફિલ્મ ‘ધુરંધર’ પાકિસ્તાન અને ખાસ કરીને લયારીને નિશાન બનાવીને કરાયેલું ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નેગેટિવ પ્રમોશનનું એક વધુ ઉદાહરણ છે. લયારી હિંસાનો વિસ્તાર નથી. એ સંસ્કૃતિ, શાંતિ, પ્રતિભા અને મજબૂતીનું પ્રતીક છે. આવતા મહિને ‘મેરા લયારી’ રિલીઝ થશે જે લયારીનો સાચો ચહેરો બતાવશે. શાંતિ, સમૃદ્ધિ અને ગૌરવ... મેરા લયારી.’
ધુરંધરની વધતી લોકપ્રિયતાને કારણે મુંબઈ અને પુણેમાં હવે શરૂ થયા મધરાતના શો
‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સતત શાનદાર કલેક્શન કરી રહી છે. રિલીઝના ૯ દિવસ પછી પણ ફિલ્મના મોટા ભાગના શો હાઉસફુલ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ડિમાન્ડ પર ફિલ્મના મિડનાઇટ-શો શરૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં હવે ‘ધુરંધર’નો મધરાતે ૧૨.૪૫ વાગ્યાનો નવો શો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે પુણેમાં પણ મધરાતે ૧૨.૨૦ વાગ્યાનો શો શરૂ કરાયો છે. આ સિવાય કેટલીક જગ્યાએ મોડી રાતે ૧૨.૫૦, ૧.૨૫, ૨.૧૦, ૨.૩૦, ૩.૦૦, ૩.૩૦, ૩.૩૫, ૪.૦૫ અને ૪.૧૦ વાગ્યાના શો પણ શરૂ કરવામાં આવ્યા હોવાના રિપોર્ટ છે.