19 February, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક-ઐશ્વર્યાની જોધા અકબરનું ઑસ્કરમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગ
બૉલીવુડ ઍક્ટર હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયની ઐતિહાસિક ફિલ્મ ‘જોધા અકબર’ની રિલીઝને ૧૭ વર્ષ પૂરાં થયાં છે. આ અવસરે ઑસ્કર અવૉર્ડ્સના આયોજક ‘અકાદમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિસ’ દ્વારા માર્ચ મહિનામાં ફિલ્મના વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવશે. આશુતોષ ગોવારીકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ મોગલ સમ્રાટ અકબર અને રાજપૂત રાજકુમારી જોધાબાઈની કથા પર આધારિત છે.
૨૦૦૮માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં હતાં. તેમની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી અને આશુતોષ ગોવારીકરની શાનદાર કથાએ ‘જોધા અકબર’ને એક અવિસ્મરણીય સિનેમૅટિક અનુભવ બનાવ્યો છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં આશુતોષ ગોવારીકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘હું ‘જોધા અકબર’નાં ૧૭ વર્ષ પૂરાં થવા પર દર્શકોનો આભારી છું. તેમણે આ ફિલ્મને યાદોમાં જાળવી રાખી અને એને પ્રેમ આપ્યો. ફિલ્મની રિલીઝથી લઈને હવે ઑસ્કરમાં વિશેષ સ્ક્રીનિંગ સુધીની એની યાત્રા એમાં સામેલ તમામ લોકોના શાનદાર કામને કારણે શક્ય બની છે. ‘જોધા અકબર’ને મળતી પ્રશંસા ઉત્સાહજનક છે અને હું એને વિશ્વભરના દર્શકોનો પ્રેમ મળતો જોઈને રોમાંચિત છું.’
અકાદમીએ તાજેતરમાં પ્રસિદ્ધ કૉસ્ચ્યુમ ડિઝાઇનર નીતા લુલ્લાના શોમાં ફિલ્મના ઐશ્વર્યા રાયનાં લગ્નના ભવ્ય લેહંગાને દર્શાવ્યો હતો. વૈશ્વિક દર્શકો પર આ ફિલ્મના પ્રભાવને ઊજવવા માટે લૉસ ઍન્જલસમાં માર્ચમાં યોજાનારા ઑસ્કર પુરસ્કાર સમારોહમાં ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ યોજાશે. ‘જોધા અકબર’ માત્ર એના ભવ્ય સેટ માટે જ નહીં, પણ એની શાનદાર સિનેમૅટોગ્રાફી, કૉસ્ચ્યુમ્સ અને શાનદાર સાઉન્ડટ્રૅક માટે પણ જાણીતી છે. આ ફિલ્મમાં સોનુ સૂદ, રઝા મુરાદ, ઇલા અરુણ, નિકિતન ધીર, સુહાસિની મુલે સહિત અન્ય કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં હતાં.