ઍક્સિડેન્ટલ ઍક્ટર

16 May, 2026 02:09 PM IST  |  Mumbai | Ruchita Shah

એક, બે, ત્રણ વાર નહીં પણ કુલ પાંચ વાર રંગભૂમિ અને હિન્દી સિરિયલોનાં જાણીતાં અભિનેત્રી નિમિષા વખારિયાએ ઍક્ટિંગ છોડી દીધી હતી; પરંતુ ઍક્ટિંગે તેમને ન છોડ્યાં અને ડૉક્ટર કે ટીચર બનવાના વિચારને મૂકીને તેઓ ઍક્ટિંગમાં જ ઠરીઠામ થયાં.

ઍક્સિડેન્ટલ ઍક્ટર

એક, બે, ત્રણ વાર નહીં પણ કુલ પાંચ વાર રંગભૂમિ અને હિન્દી સિરિયલોનાં જાણીતાં અભિનેત્રી નિમિષા વખારિયાએ ઍક્ટિંગ છોડી દીધી હતી; પરંતુ ઍક્ટિંગે તેમને ન છોડ્યાં અને ડૉક્ટર કે ટીચર બનવાના વિચારને મૂકીને તેઓ ઍક્ટિંગમાં જ ઠરીઠામ થયાં. નાની ઉંમરે જીવલેણ અકસ્માતમાં મોતને તાળી આપીને આવેલાં નિમિષાબહેનના જીવન જેટલી જ રોમાંચક તેમની વાતો પણ છે

‘દૂર-દૂર સુધી મને સપનામાં પણ ક્યારેય ઍક્ટિંગને કરીઅર તરીકે લઈને આગળ વધવાનો વિચાર નહોતો આવ્યો અને આજે જો પૂછો તો કહીશ કે થૅન્ક્સ ટુ ઍક્ટિંગ કે હું એક જ જિંદગીમાં અનેક જિંદગી જીવી શકવાનો આનંદ માણી શકી છું. ખરેખર કહું છું કે કોઈ જ્યારે પૂછે કે આટલા કિરદાર તમે ભજવ્યા એમાંથી સૌથી ફેવરિટ કયું તો મારો જવાબ આવશે કે બધા જ, કારણ કે એ ભૂમિકાઓ મેં ભજવી નથી પણ હું જીવી છું. પછી એ તેનાલી રામનની મૂંગી માનું પાત્ર હોય કે પછી ‘તીન બહુરાનિયાઁ’ સિરિયલની કોકિલાનું પાત્ર હોય.’
આ શબ્દો છે એક એવાં નખશિખ ઍક્ટરના જેમને ક્યારેય ઍક્ટર બનવું જ નહોતું. નિમિષા વખારિયા આવતા વર્ષે પોતાની ઍક્ટિંગની કારકિર્દીનાં પચાસ વર્ષ પૂરાં કરવાનાં છે. ૭ વર્ષની ઉંમરે બે ગુજરાતી ફિલ્મોમાં અનાયાસ ઍક્ટિંગમાં ઝંપલાવનારાં આ અદાકારાની વાતોમાં એક અનોખી ઊર્જા છે જે નિશ્ચેતનમાં પ્રાણ પૂરી જનારી છે. અઢી વર્ષની ઉંમરે પિતાનું દૂર થઈ જવું અને ટીચર તરીકે ગુજરાન ચલાવતી સિંગલ મધર જેનો ઉછેર કરે છે તે નિમિષા વખારિયાએ પોતે પણ વર્ષો સુધી ટીચિંગ કર્યું છે. એની વચ્ચે શોખથી ઍક્ટિંગ માટે થોડાક કલાકો ફાળવી દેવાની બાબત લાઇફની દિશા નક્કી કરવાનું કામ કઈ રીતે કરી ગઈ એની રસપ્રદ વાતોને આગળ માણીએ.

અને હું સિલેક્ટ થઈ ગઈ
ઘાટકોપરમાં જન્મેલાં અને ઊછરેલાં નિમિષા વેદનાં મમ્મી મધુ વેદ વિક્રોલીની ઉદયાચલ હાઈ સ્કૂલમાં ટીચર હતાં અને એ સમયે નાનપણથી જ નિમિષાબહેનને ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પરંતુ અનાયાસ ઍક્ટિંગમાં આવી જવાયું એનો કિસ્સો વર્ણવતાં તેઓ કહે છે, ‘મારાં મમ્મીનાં ફ્રેન્ડ ધનકુંવરબહેનના પૌત્ર ગોપીને ઍક્ટિંગમાં રસ હતો. એમાં એક દિવસ બન્યું એવું કે એ સમયના જાણીતા રાઇટર પ્રાગજી ડોસાને મળવા ધનકુંવર આન્ટી તેમના પૌત્રને લઈને સાઉથ મુંબઈમાં જવાનાં હતાં. એ જમાનામાં મુંબઈ જવું એટલે બહુ મોટી જફા ગણાતી. તેમણે ફ્રેન્ડ્લી ટર્મ્સ હોવાને લીધે કંપની માટે મમ્મીને પૂછ્યું કે તું પણ આવને સાથે. મમ્મીએ હા પાડી એટલે મારે તો બાય ડિફૉલ્ટ જ સાથે જવાનું હતું. અમે તો માત્ર તેમની સાથે કંપની આપવા ગયાં હતાં, પરંતુ પ્રાગજીભાઈએ ગોપી સાથે મને પણ જોઈ અને વાતો કરી. મને આમ લોકોની નકલ કરવી ગમે અને હું બહુ જ બિન્દાસ વાત કરતી. એ બધું તેમણે કદાચ નોટિસ કર્યું હશે. એ મીટિંગ પતાવીને અમે તો ઘરે આવ્યાં. એ સમયે બધાના ઘરે ટેલિફોન નહોતા. અમારા ઘરે હતો એટલે પ્રાગજીભાઈને ત્યાંથી ફોન આવ્યો અને તેમણે કહ્યું કે બે ફિલ્મ માટે તેમણે ગોપીને નહીં પણ મને કાસ્ટ કરવાનું નક્કી કર્યું છે. અમે તો દંગ હતાં, કારણ કે મને તો એવું કંઈ કરવું જ નહોતું. ૬ વર્ષની ઉંમર એટલે બહુ ખબર પણ ન પડે. એ સમયે શૂટિંગ વડોદરામાં થતાં એટલે ભણવાનું બગાડીને મારી પાસે ઍક્ટિંગ કરાવવાનું મમ્મીને પણ સ્વીકાર્ય નહોતું, પરંતુ મારાં માસી આખી વાતમાં વચ્ચે પડ્યાં અને તેમણે મમ્મીને સમજાવ્યાં અને મેં મારી લાઇફની ૬ વર્ષની ઉંમરે ‘મા દીકરી’ અને ‘આશાપુરા માની ચુંદડી’ નામની પહેલી બે ફિલ્મ કરી. એમાં જ બીજી ઘટના ઘટી જેમાં દૂરદર્શનની કૉમ્પિટિશનમાં હું જીતી હતી જેના આધારે ‘આવો મારી સાથે’ નામના પ્રોગ્રામમાં મને સિલેક્ટ કરી. એમાં મેં માછીમારનો રોલ કર્યો હતો અને એ જોરદાર પૉપ્યુલર થયો. એ રોલ અરુણા ઈરાનીએ જોયો. તેમણે દૂરદર્શન પાસેથી મારો નંબર લીધો અને પોતાની એ સમયની ‘ચરોતરની ચંપા’, ‘ગંગાપુરની ગંગા’, ‘રંગીલી ગુજરાતણ’ જેવી લગભગ બધી જ ગુજરાતી ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મને સાઇન કરી લીધી. એક બાજુ ભણવાનું અને બીજી બાજુ બાળકલાકાર તરીકે મારું કામ ચાલતું હતું. જોકે મારે ડૉક્ટર બનવું એ ફિક્સ હતું એટલે સ્ટડી પર વધારે ફોકસ કરી શકાય એ પર્પઝથી સાતમા કે આઠમા ધોરણમાં આવી ત્યારે ઍક્ટિંગ પર એકદમ બ્રેક મૂકી દીધો.’
એ ગોઝારી ઘટના
ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પુષ્કળ કામ કરવાને કારણે નિમિષાબહેનના ફ્રેન્ડ્સ અને પરિચિતો લગભગ ઍક્ટિંગ ફીલ્ડ સાથે જોડાયેલા એટલે તેમને મળવા આવવા-જવાનું થતું. એ દરમ્યાન એક એવી ઘટના ઘટી જેણે નિમિષાબહેનનાં સપનાંઓ પર પાણી ફેરવી દીધું. એક ભયાનક અકસ્માત. તેઓ કહે છે, ‘હું ટ્વેલ્થમાં હતી અને બાળનાટકોમાં જતા મિત્રોને મળવા જતી. મને યાદ છે કે હું મમ્મી સાથે તેમને અમદાવાદમાં મળી હતી. ગુજરાતમાં શો કર્યા પછી શ્રીનાથજીનાં દર્શન કરીને એક આખી બસ ભરીને ચાઇલ્ડ આર્ટિસ્ટ, ડિરેક્ટર સહિતનો કાફલો રિટર્ન થઈ રહ્યો હતો. બધા મારા ફ્રેન્ડ્સ એટલે મને ફોર્સ કરીને તેમણે અમદાવાદથી મુંબઈની બસમાં લઈ લીધી અને મારાં મમ્મી ટ્રેનમાં આવ્યાં. એ બસનો ભયંકર અકસ્માત થયો હતો. એ અકસ્માતમાં ડિરેક્ટર ચિન્મય મારા ખોળામાં અને સેટિંગવાળો મારા ખભા પર મૃત્યુ પામ્યા. અમે કાટમાળ નીચે હતાં. લોકોનો અવાજ આવતો હતો પણ નીચેથી અમે હલી પણ શકતાં નહોતાં. મને એમ જ હતું કે બસ, હવે મારી ગેમ પૂરી થઈ ગઈ. મારી આંખ સામે બે વ્યક્તિ ખતમ થઈ ગઈ હતી. એ દુર્ઘટનામાં ૩ જણ મરી ગયા અને હું મરતાં-મરતાં બચી ગઈ. જોકે મારી સ્પાઇનના તો ફુરચેફુરચા બોલાઈ ગયા હતા. એક વર્ષ મને એ તકલીફોમાંથી બહાર આવવામાં લાગ્યુ હતું. હું પગ પર ઊભી નહોતી રહી શકતી. એ આખું ભણવાનું વર્ષ પણ વેસ્ટ ગયું. એટલાં ફ્રૅક્ચર હતાં કે બધુ નૉર્મલ થશે કે કેમ એ વિશે ડૉક્ટરને પણ ડાઉટ હતો. એમાં જ ડૉક્ટર બનવાનું મારું સપનું પણ ચગદાઈ ગયું. જોકે એ પછી BEd કરીને મેં ટીચિંગની ટ્રેઇનિંગ લીધી અને માહિમની વિક્ટોરિયા બૉય્સ હાઈ સ્કૂલમાં હું ભણાવતી પણ હતી. ઘાટકોપરની એમ. ડી ભાટિયા સ્કૂલમાં થોડોક સમય ભણાવતી. હું ખુશ હતી. એવામાં અચાનક મને સંજય ગોરડિયાનો ફોન આવ્યો. ‘બા રિટાયર થાય છે’ નાટક માટે. તેમનો આગ્રહ હતો અને બીજી બાજુ મને પણ સાથે હૉબી જીવવા મળી જવાની હતી. ભણતાં-ભણતાં નાટકો કર્યાં. સ્કૂલમાં ટીચિંગની સાથે નાટક કર્યાં. એ સમયે મને ટ્રેનની ટિકિટની થપ્પી આપતા. એટલે સવારે સાતથી બે વાગ્યા સુધી સ્કૂલમાં હોઉં. ત્યાંથી સીધી બાંદરા ટર્મિનસથી ટ્રેન પકડીને સાંજે સુરત પહોંચું. સુરતથી શો પતાવીને રાતે ટ્રેનમાં બાંદરા. ત્યાંથી સ્કૂલ, સ્કૂલથી સુરત અને પાછું રિટર્ન. આ રીતે આખું અઠવાડિયું કામ કરું. ગુરુવારે કૉન્વેન્ટ સ્કૂલમાં રજા હોય એટલે એ એક દિવસ ટ્રાવેલમાંથી આરામ મળતો. એ રીતે ત્રીજી વાર ઍક્ટિંગ છોડ્યા પછી પાછી આવી.’

ફૅમિલી-લાઇફની શરૂઆત
નિમિષાબહેન અને તેમના હસબન્ડ નીતિન વખારિયા બે શોમાં કુલ ૭ વર્ષ એકસાથે 
પતિ-પત્ની તરીકે કામ કરી ચૂક્યાં છે. જોકે એ પણ રિયલ લાઇફમાં એકબીજાના જીવનસાથી બન્યા પછી. નીતિનભાઈની એન્ટ્રી વિશે નિમિષાબહેન કહે છે, ‘આમ તો હું અને નીતિન ચાઇલ્ડ આર્ટિસ્ટ હતાં ત્યારથી એકબીજાને ઓળખીએ. ‘બા રિટાયર થાય છે’ નાટક અમે કરી રહ્યાં હતાં. જોકે એનાં પાંચ વર્ષ પછી તેણે મને પ્રપોઝ કરેલું. એ સમયે ડૉક્ટરે મારા ઍક્સિડન્ટ પછી કદાચ હું કન્સીવ નહીં કરી શકું એવું કહ્યું હતું જેની જાણ કર્યા પછી પણ નીતિનને વાંધો નહોતો એટલે મેં હા પાડી દીધી. લગ્ન થઈ ગયાં અને પછી હું ઘાટકોપરથી પાર્લા આવી ગઈ. ત્યારે પણ ફૅમિલી-લાઇફ એન્જૉય કરવા માટે ઍક્ટિંગ છોડી દીધી હતી. એ દરમ્યાન ‘એક મહલ હો સપનોં કા’ સિરિયલ કો-રાઇટર તરીકે લખી રહી હતી. આ ચોથું કમબૅક હતું. જોકે એ પછી ફરી ઍક્ટિંગ છોડવાનો સમય આવ્યો જ્યારે હું પ્રેગ્નન્ટ થઈ. હવે તો ફુલ ફોકસ આવનારા બાળક પર જ આપવું હતું. ડિલિવરી થઈ ગયા પછીયે લેખનનું કામ ચાલતું. એ દરમ્યાન ‘અરે વહુ, તને શું કહું’ નાટક માટે મને અપ્રોચ કરવામાં આવ્યો અને મારે હા પાડવી પડી. હું નાનું બાળક લઈને સેટ પર જતી અને નાટકવાળા બધા જ તેને સાચવી લેતા. મારું નાટક ‘અમે રહી ગયા, તમે લઈ ગયા’ ચાલતું હતું ત્યારે હૅટ્સ ઑફ પ્રોડક્શન્સનો ‘મૈં ઑફિસ તેરે આંગન કી’ શોની ઑફર આવી. એમાં કામ કર્યું. એ પછી તો હૅટ્સ ઑફ પ્રોડક્શન્સનાં ‘બા બહૂ ઔર બેબી’, ‘ખિચડી’ જેવા કુલ ૧૧ શો કર્યા છે. ડાન્સનો શોખ હતો, ભરતનાટ્યમ શીખતી હતી; પરંતુ એમાં પણ બ્રેક લાગી ગયો જ્યારથી ઍક્સિડન્ટ થયો. જોકે ઍક્ટિંગમાં પાંચમી વારનું આ કમબૅક મને સમજાવી ગયું કે સાયન્સમાંથી આર્ટ્સમાં ભલે આવી, પણ ડેસ્ટિની તો મને ટીચર કે ડૉક્ટર તરીકે નહીં પણ ઍક્ટર તરીકે જ જોવા માગે છે અને પછી અહીં ઠરીઠામ થઈ ગઈ.’
સંખ્યાબંધ ગુજરાતી નાટકો ઉપરાંત ‘બા બહૂ ઔર બેબી’માં ચારુબાળા ભાયાણી તેમના સૌથી પ્રિય અભિનયમાંનું એક પાત્ર મનાય છે. એ સિવાય ‘તીન બહુરાનિયાઁ’માં કોકિલા ઘીવાલાના કિરદાર બદલ તેમને ઇન્ડિયન ટેલી અવૉર્ડ મળ્યો હતો. એ સિવાય ‘સસુરાલ સિમર કા’, ‘તેનાલી રામા‘, ‘ખિચડી’, ‘પ્યાર કા પહલા અધ્યાય - શિવ શક્તિ’, કલર્સ ગુજરાતીની ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ગુજરાત’ જેવી ઢગલાબંધ સિરિયલોમાં અને નાટકોમાં તેઓ કામ કરી ચૂક્યાં છે. 
આજકાલ શું?
થોડાક સમયમાં નિમિષાબહેનની દીકરી તનિશાનાં લગ્ન છે એટલે અત્યારે તેઓ એમાં બિઝી છે અને ફરી એક વાર ઍક્ટિંગમાંથી બ્રેક લીધો છે. તેઓ કહે છે, ‘મારાં સંતાનોને સમય આપવો એ મારી પ્રાથમિક પ્રાયોરિટી છે. અમે હસબન્ડ-વાઇફ ૭ વર્ષ સુધી પતિ-પત્નીના રોલમાં સાથે કામ કરતાં હતાં. ‘રામ મિલાઈ જોડી’ અને ‘બા બહૂ ઔર બેબી’ બે શો એવા હતા જેમાં અમે ટીવી પર પણ કપલ હતાં. જોકે પછી અમે જ એક જ શો સાથે કરવાનું માંડી વાળ્યું, કારણ કે બાળકોને એકસાથે સમય નહોતાં આપી શકતાં. જુદા-જુદા શો હોય તો કોઈને કોઈ ઍડ્જસ્ટ કરી શકે. ઘરમાં આવ્યા પછી અમે માત્ર પેરન્ટ્સ. કામની કોઈ વાત જ નહીં. મારો દીકરો પૌરવ અત્યારે અમદાવાદ IIMમાં ભણી રહ્યો છે. ખૂબ કામ કર્યું છે અને સાથે ફૅમિલીને પણ ખૂબ મહત્ત્વ આપ્યું છે. એટલું સમજાયું કે જહાં ચાહ હૈ વહાં રાહ હૈ. બહુ જ ઓછા એવા લોકો હોય છે જેમની હૉબી અને પ્રોફેશન એક જ હોય. હું એ રીતે લકી છું. ઍક્ટર તરીકે પણ મેં માત્ર ઍક્ટિંગને સર્વસ્વ ગણીને કામ કર્યું છે. પૈસા પાછળ કે સફળતા પાછળ નહીં પણ એ કિરદારમાં ઓતપ્રોત થઈને કામ કર્યું છે અને કદાચ એટલે જ પચાસ વર્ષથી એમાં થાક નથી લાગ્યો.’

 એવી કોઈ વાત જે બહુ ઓછાને ખબર હોય : એ જ કે મને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ ખૂબ ગમે છે. મેં સ્કાયડાઇવિંગથી લઈને સ્કૂબા ડાઇવિંગ અને પૅરાગ્લાઇડિંગના કોર્સ પણ કર્યા છે અને વિદેશની સ્પેશ્યલ ટ્રિપ્સ માત્ર આ ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ માટે 
કરી છે. 
 તમારી જાતને ત્રણ શબ્દોમાં વર્ણવો : હું ફાઇટર છું. યસ, જેમ મૅચમાં છેલ્લા બૉલ સુધી સિક્સની આશા ખેલાડીઓ નથી મૂકતા એમ હું કોઈ પણ અંતને છેલ્લા ક્ષણ સુધી બદલાવની સંભાવનાઓ સાથે જોઉં છું. હું ભગવાનમાં, આપણા તહેવારોમાં પણ ખૂબ માનું છું એટલે મને કોઈ પણ ઘડીએ કંઈ પણ બદલાઈ શકે એ વાત સાચી લાગે છે.
 ફૅનનો વિઅર્ડ અનુભવ : ગણપતિ વિસર્જનમાં એક ફૅને માત્ર મને મારવાનું બાકી રાખ્યું હતું. દરઅસલ અમારા ઘરના બાપ્પાની મૂર્તિના વિસર્જન કરવા અમે ચોપાટીમાં હતાં અને ત્યાં એક પંજાબી ફૅમિલી હતી. એ વખતે હું ‘તીન બહુરાનિયાઁ’ નામની સિરિયલ કરતી હતી. એમાં મારું કૅરૅક્ટર એવું હતું જેમાં સાસુ તરીકે હું પંજાબી વહુને ખૂબ હેરાન કરું છું. એ સિરિયલ પેલાં બહેન જોતાં હશે. તે મારી પાસે આવીને કહે, ‘તૂ વહી હૈના કોકિલા?’ હું ચોંકી. પછી તે બોલ્યાં, ‘કર લે... કર લે... પહલે આરતી કર લે.’ જેવી આરતી પતી એટલે તે બહેન પાછાં મારી પાસે આવીને કહે, ‘શરમ નહીં આતી તેરે કો, બિચારી પંજાબી બહૂ કો ઇતના પરેશાન કરતી હૈ તૂ...’ તેનું ચાલુ જ રહ્યું હોત જો તેના પરિવારવાળા ખેંચીને તેને મારાથી દૂર ન લઈ ગયા હોત. 
 ફૅમિલી ફર્સ્ટ : યસ, હું એક બાબત હંમેશાં માનું છું કે દુનિયાના બે લોકો માટે મારી જવાબદારી ક્યારેય પૂરી નહીં થાય. એક તો જેઓ મને આ દુનિયામાં લાવ્યા તે એટલે કે મારા પેરન્ટ્સ અને બીજા નંબરે જેમને હું આ દુનિયામાં લાવી તે એટલે કે મારાં સંતાનો. એ રીતે ગમે એટલી વ્યસ્તતા વચ્ચે પણ સંતાનો સાથે સમય પસાર કરવાનું અને તેમના જીવનના ખાસ સમયને સાચવી લેવાનું ધ્યાન મેં હંમેશાં રાખ્યું છે. ‘સસુરાલ સિમર કા’માં પાંચ વર્ષ કામ કર્યા પછી જ્યારે પીક પર સિરિયલ હતી ત્યારે મેં શો છોડી દીધેલો, કારણ કે મારો દીકરો ટેન્થમાં હતો. ફૅમિલી ફર્સ્ટ મારા માટે હંમેશાં રહી છે.
 ખાવાના શોખીન : યસ ચિક્કાર. મને દરેક પ્રકારના ક્વિઝિનનો શોખ છે. ઘાટકોપરમાં મોટી થઈ છું એટલે સ્ટ્રીટ-ફૂડનો ચસકો બાળપણથી હતો. મારી સામે મારાં બાળકો ગુજરાતી થાળીને પણ એન્જૉય કરતાં હોય છે. જોકે ખીચડી મારું કમ્ફર્ટ ફૂડ છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news television news indian television ruchita shah