24 December, 2023 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા ચોપડા
મીરા ચોપડા ફિલ્મ ‘સફેદ’માં દેખાવાની છે. આ ફિલ્મ ૨૯ ડિસેમ્બરે ઝીફાઇવ પર રિલીઝ થવાની છે. પ્રિયંકા ચોપડા જોનસ અને પરિણીતી ચોપડાની તે કઝિન છે. જોકે તેમની પાસેથી મીરાએ કદી કોઈ અપેક્ષા નથી રાખી. એ વિશે મીરાએ કહ્યું કે ‘હું ઇન્ડસ્ટ્રીમાં ૯ વર્ષથી કામ કરું છું અને મેં માત્ર ચાર પ્રોજેક્ટ્સમાં જ કામ કર્યું છે. એનો અર્થ એ નથી કે હું અટકી જાઉં. મને વધુ રોલ મળવા જોઈતા હતા, જે નથી મળ્યા. હું લોકોની પાછળ દોડીને થાકી ગઈ છું. આ જ કારણ છે કે ‘સફેદ’ જેવી ફિલ્મો બનવી જોઈએ જેમાં હું પ્રામાણિકતા અને વાસ્તવિકતાની સાથે મારી કુશળતા દેખાડી શકું. મને લાગે છે કે કદાચ લોકોને નથી ખબર કે હું સારી ઍક્ટર છું.’
કઝિન પ્રિયંકા અને પરિણીતી વિશે મીરાએ કહ્યું કે ‘તેઓ ફિલ્મની ફૅમિલીમાંથી આવે છે અથવા તો તેઓ ઇન્ડસ્ટ્રીમાં લોકોને ઓળખે છે. આ અટકવું જોઈએ અને ટૅલન્ટને આગળ વધવાનો ચાન્સ મળવો જોઈએ. દર્શકોએ પણ ટૅલન્ટની કદર કરવી જોઈએ. હું તેમના પરિવારની જ છું. જોકે એવું ક્યારેય નથી બન્યું કે મને જ્યારે કોઈ રોલ નહોતા મળતા ત્યારે કોઈએ મારી મદદ કરી હોય. કોઈએ ફોન કરીને પણ નહોતું જણાવ્યું કે આ મારી બહેન છે તો તેને કામ આપો. આવું ક્યારેય નથી થયું અને હું પણ એવું નથી ચાહતી. મારે કામ મેળવવા માટે ફૅમિલી કાર્ડ નહોતું રમવું.’