07 May, 2023 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ
કરણ કુન્દ્રાએ જણાવ્યું છે કે તેણે અને તેજસ્વી પ્રકાશે લાઇફમાં ઊંચાં લક્ષ્યો મેળવવાનું નક્કી કરી રાખ્યું છે. આ બન્ને ‘બિગ બૉસ 15’ના હાઉસમાં એકબીજાને મળ્યાં હતાં. ત્યારથી જ તેઓ સાથે છે. તેમને હંમેશાં તેમનાં લગ્ન વિશે પૂછવામાં આવે છે. બન્નેએ ઘણાં સપનાં જોયાં છે. એ વિશે કરણ કુન્દ્રાએ કહ્યું કે ‘અમારાં સપનાંઓ મોટાં છે અને એને પૂરાં કરવા માટે અમે એકબીજાને આગળ ધકેલીએ છીએ. દર ત્રણ-ચાર દિવસે અમે સાથે બેસીને અમારા ગોલ વિશે ચર્ચા કરીએ છીએ. હું ઇન્સ્ટાગ્રામ પર કંઈક જોઉં તો તેને મોકલું છું અને તે પણ મને પ્રેરણાદાયી પોસ્ટ્સ મોકલે છે. તે કહે છે કે ‘કરણ આપણે આ કરવાનું છે, આ કામ પૂરું કરવાનું છે.’ અમારાં ધ્યેય ઊંચાં છે. અમે ઇમ્મૅચ્યોર કપલ નથી. સૌથી ખાસ વાત તો એ છે કે હું ૧૪ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને તે બાર વર્ષથી છે. અમે બન્નેએ લાઇફમાં ઘણા ઉતારચડાવ જોયા છે. આજે અમે જ્યારે ‘બિગ બૉસ’માંથી બહાર આવ્યા તો તે તેના કામમાં બિઝી છે અને હું મારા કામમાં. અમને જે પૉપ્યુલરિટી મળી છે એ કાયમ નહીં રહે એ અમે જાણીએ છીએ.’