ટોટલ ટાઇમપાસ : બર્થ-ડે બૉય મનોજ બાજપાઈને દીકરી ક્યારેય કેક કાપવા નથી દેતી અને વધુ સમાચાર

23 April, 2024 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્થ સમથાન અને નીતિ ટેલર દેખાશે ખતરોં કે ખિલાડી 14માં? , દીકરી અનન્યાને સલાહ આપવાની હિમ્મત કેમ નથી ચંકી પાંડેમાં? , મોના સિંહ દિલ્હીમાં કરી રહી છે માં કા સમનું શૂટિંગ

મનોજ બાજપાઈની તસવીર

મનોજ બાજપાઈ આજે પંચાવન વર્ષનો થયો છે અને તે તેની ફૅમિલી સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરશે. તેની ‘સાઇલન્સ 2’ હાલમાં જ રિલીઝ થઈ છે. તેની ફિલ્મના પ્રમોશન બાદ તે હવે તેની ફૅમિલી સાથે સમય પસાર કરી રહ્યો છે. આજે તેનો બર્થ-ડે હોવાથી તે તેમની અને નજીકના મિત્રો સાથે એ સેલિબ્રેટ કરશે. મોટા ભાગે તેનો જન્મદિવસ કેવી રીતે સેલિબ્રેટ કરવો એ તેની ફૅમિલી જ નિર્ણય લેતી હોય છે એમાં મનોજ બાજપાઈનું કોઈ યોગદાન નથી હોતું. વર્ષોથી મનોજ બાજપાઈના જન્મદિવસે તેની દીકરી અવા નાયલા જ કેક કાપે છે. દીકરી થોડી મોટી થઈ ત્યાર બાદ એક પણ વાર મનોજ બાજપાઈએ કેક નથી કાપી.

પાર્થ સમથાન અને નીતિ ટેલર દેખાશે ખતરોં કે ખિલાડી 14માં?

‘ખતરોં કે ખિલાડી’. આ નામ સાંભળતાં જ જોખમી સ્ટન્ટ, જીવજંતુઓ અને સાપ આંખ સામે તરવરવા લાગે છે. આવા સ્ટન્ટ્સથી ભરેલા રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી 14’ની તૈયારીઓ શરૂ થવાની છે. ચૅલેન્જિસથી ભરેલા આ શોમાં હવે પાર્થ સમથાન અને નીતિ ટેલર જોવા મળે એવી અટકળો વહેતી થઈ છે. આ બન્નેએ શો ‘કૈસી યે યારિયાં’માં કામ કર્યું હતું. આ શોમાં ગશમીર મહાજની, અભિષેક કુમાર, મનીષા રાની, જિયા શંકર અને એવી અનેક પર્સનાલિટીઝ સામેલ થવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. મેમાં આ શોનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. જૂન કાં તો જુલાઈમાં શો દેખાડવામાં આવશે. આ શોનું શૂટિંગ છેલ્લા ઘણા સમયથી સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં કરવામાં આવ્યું છે. જોકે આ વખતે મેકર્સ શોનું શૂટિંગ કદાચ થાઇલૅન્ડ, જ્યૉર્જિયા અથવા તો બલ્ગેરિયામાં કરશે. 

દીકરી અનન્યાને સલાહ આપવાની હિમ્મત કેમ નથી ચંકી પાંડેમાં?

ચંકી પાંડેએ જણાવ્યું છે કે તેની પચીસ વર્ષની દીકરી અનન્યા પાંડેને સલાહ આપવાની તેનામાં હિમ્મત નથી. તે આદિત્ય રૉય કપૂર સાથે રિલેશનમાં છે. બન્ને છાશવારે સાથે ટ્રિપ પર જાય છે. અનેક ઇવેન્ટ્સમાં પણ તેઓ સાથે જોવા મળે છે. અનન્યાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આદિત્ય સાથે અનન્યાના રિલેશન વિશે પૂછવામાં આવતાં ચંકી પાંડે કહે છે, ‘હા, ઠીક છે. તે પચીસ વર્ષની છે અને મારા કરતાં વધુ પૈસા રળે છે. તે જે ચાહે એ કરવા માટે આઝાદ છે. મારી પચીસ વર્ષની દીકરીને સલાહ આપવાની હિમ્મત હું કઈ રીતે કરી શકું?’
ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન્સ અનન્યા કરે તો એનાથી કોઈ વાંધો નથી એવું જણાવતાં ચંકી પાંડે કહે છે, ‘મને એનાથી કોઈ વાંધો નથી. હૉલીવુડમાં તો આવું ચાલે છે. એમાં કોઈ તકલીફ નથી. તમારે એ સ્વીકારવું જ રહ્યું.’

મોના સિંહ દિલ્હીમાં કરી રહી છે માં કા સમનું શૂટિંગ

મોના સિંહ હાલમાં દિલ્હીમાં ‘માં કા સમ’નું શૂટિંગ કરી રહી છે. ‘મેડ ઇન હેવન 2’માં તેના બુલબુલ જોહરીના પાત્ર માટે તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને તેનો આગામી પ્રોજેક્ટ ‘માં કા સમ’ છે. આ સ્ટોરી ૧૯ વર્ષના મૅથ્સ જિનીયસની છે જે તેની સિંગલ મધર માટે જીવનસાથી શોધવા માગે છે. તે તેની મમ્મીનો પાર્ટનર શોધવા માટે એક ઍલ્ગરિધમ તૈયાર કરે છે. ‘માં કા સમ’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આવશે અને એનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે જેના ફોટો મોનાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. એમાં તેની સાથે અંગિરા ધર, મિહિર આહુજા અને શેફ રણવીર બ્રાર પણ છે.

રામ કપૂરને રિટાયર થઈ જવા કેમ કહ્યું ગૌતમીએ?

ગૌતમી કપૂરે તેના પતિ રામ કપૂરને રિટાયર થઈ જવા માટે કહ્યું છે. ગૌતમીએ ૨૦૧૫માં ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો, કારણ કે તેને કોઈ સારાં પાત્રો નહોતાં મળી રહ્યાં. ૨૦૨૦માં આવેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’ દ્વારા તેણે કમબૅક કર્યું હતું અને આ વર્ષે તેના ત્રણ વેબ- શો આવી રહ્યા છે. આ દરમ્યાન રામ કપૂરે ઘણા પ્રોજેક્ટમાં કામ કર્યું છે. આ વિશે વાત કરતાં ગૌતમી કહે છે, ‘આ વર્ષે તમે મને એક નહીં, પરંતુ ત્રણ શોમાં જોઈ શકશો. મેં ત્રીજા શોનું પણ શૂટિંગ પૂરું કરી લીધું છે. મારાં બાળકો મોટાં થઈ ગયાં છે. મારી દીકરી સિયા ૧૮ વર્ષની છે અને દીકરો અક્સ પંદર વર્ષનો છે. હું હવે મારી કરીઅર પર ફોકસ કરી રહી છું. મને લાગે છે કે હવે આ મારો સમય છે કામ કરવાનો અને એથી જ હું કરી પણ રહી છું. મેં રામને કહ્યું છે કે હવે તે રિટાયર થઈ શકે છે, કારણ કે હું કામ કરી રહી છું.’

entertainment news bollywood buzz bollywood news manoj bajpayee khatron ke khiladi Ananya Panday chunky pandey ram kapoor mona singh