01 September, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારે કાઠમાંડુમાં યોજાયેલી ‘ઇન સૉલિડૅરિટી વિથ નેપાલ’ ઇવેન્ટમાં પોતાની લાગણી વ્યક્ત કરી રહેલી મનીષા કોઇરાલા.
નેપાલમાં ગયા બુધવારે ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરે ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. આ આપત્તિની અસર લોકોના રોજિંદા જીવન પર પણ પડી છે. આ દરમ્યાન નેપાલી મૂળની ઍક્ટ્રેસ મનીષા કોઇરાલાએ લોકોને આ મુશ્કેલ સમયમાં તેના દેશનું સમર્થન કરવાની અપીલ કરી છે.
હાલમાં મનીષાએ સદ્ગુરુ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમ ‘ઇન સૉલિડૅરિટી વિથ નેપાલ’માં પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે ‘હું સમગ્ર ઇન્ટરનૅશનલ કમ્યુનિટીને અપીલ કરવા માગું છું કે તમે નેપાલ પ્રત્યે વારંવાર દયા અને પ્રેમ દર્શાવી છે. હું પ્રાર્થના કરું છું કે તમારો આ પ્રેમ અને સહયોગ જળવાઈ રહે. એક દેશ તરીકે અમને ટૂરિઝમની જરૂર છે. અમે નથી ઇચ્છતા કે અમને માત્ર એવા દેશ તરીકે ઓળખવામાં આવે જે આપત્તિઓથી ઘેરાયેલો છે અથવા સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અમે અમારા સુંદર હવામાન, હિમાલય, શ્રેષ્ઠ લોકો, પ્રકૃતિ, સંસ્કૃતિ અને પરંપરાઓ માટે ઓળખાવા માગીએ છીએ. નેપાલ બૉર્ડરની નજીક એક આપત્તિ આવી છે, પણ ટૂરિઝમ અમારી જીવનરેખા છે. હું ઇન્ટરનૅશનલ કમ્યુનિટીને વિનંતી કરું છું કે તેઓ ફરી એક વખત નેપાલની મુલાકાત લે.’