28 February, 2024 06:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટનું કહેવું છે કે ‘ચિઠ્ઠી આઇ હૈ’ ગીત ગાવા માટે પંકજ ઉધાસ પહેલાં આનાકાની કરી રહ્યા હતા. પંકજ ઉધાસનું ૭૨ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ગઝલ સમ્રાટ તરીકે જાણીતા હતા અને ૧૯૮૬માં આવેલી ‘નામ’માં તેમણે ‘ચિઠ્ઠી આઇ હૈ’ ગીત ગાયું હતું. આ વિશે વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું કે ‘જો તમે ‘નામ’ વિશે વાત કરો તો તમે ‘ચિઠ્ઠી આઇ હૈ’ વિશે વાત કરો છો. તમે દિલને ધડકનથી અલગ નહીં કરી શકો. પંકજ ઉધાસે આ ગીત ગાયું હતું અને એ પણ લાઇવ ઑડિયન્સ સામે. આથી તે આ ગીતને લઈને અવઢવમાં હતા કે તે ગાશે કે નહીં. આથી અમે તેમને ખાતરી આપી કે તે જે છે એ જ તેમણે દેખાડવાનું છે. અમે નહોતા ઇચ્છતા કે તે અન્ય વ્યક્તિ હોવાની ઍક્ટિંગ કરે. મેં તેમને કહ્યું કે તમે સિંગાપોર અથવા તો લંડનમાં જે રીતે શો કરો છો એ જ કરી રહ્યા છો એમ વિચારો. ફરક એટલો હશે કે અમે ફક્ત એને શૂટ કરીશું.’ આ ગીતને આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યું હતું. આ વિશે વધુ જણાવતાં મહેશ ભટ્ટે કહ્યું કે ‘હું અને સરોજ ખાનજી જાણતાં હતાં કે અમારે લાંબા ટેક્સ લેવાના છે, કારણ કે ઍક્ટર ટૂંકા-ટૂંકા દૃશ્ય આપી શકે છે પરંતુ તેમના જેવા વ્યક્તિ ત્યારે જ ફૉર્મમાં આવી શકે છે જ્યારે તેમને વધુ સમય સુધી પર્ફોર્મ કરવા મળે. ’
આ ગીતના શૂટિંગ વિશે વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું કે ‘હું સંજય દત્ત સાથે વાત કરી રહ્યો હતો અને અમે એ શૂટિંગના દિવસોને યાદ કર્યા હતા. પંકજ ઉધાસ ઍરપોર્ટથી સીધા સેટ પર આવતા હતા અને નૉનસ્ટૉપ શૂટ કરતા અને ત્યાંથી સીધા ફરી તેમના શો પર પર્ફોર્મ કરવા જતા હતા. મને ખુશી છે કે મને તેમના જેવા વ્યક્તિ સાથે કામ કરવાનો અવસર મળ્યો. તેઓ ખૂબ જ સિમ્પલ હોવાની સાથે તેમનો અવાજ એટલો જ અદ્ભુત હતો અને તેમનું દિલ ખૂબ જ મોટું હતું.’
આ ગીત માટે તેમને પસંદ કરવા વિશે મહેશ ભટ્ટે કહ્યું કે ‘આ ગીત ફિલ્મના બીજા પાર્ટમાં ખૂબ જ મહત્ત્વના સમયે આવે છે. આ ગીત માટે તેમને પસંદ કરવાનો આઇડિયા લેજન્ડરી રાઇટર સલીમ ખાનનો હતો. અમને એવા ગીતની જરૂર હતી જે સંજય દત્તના પાત્ર માટે ખૂબ જ મહત્ત્વનું હોય. તે અન્ડરવર્લ્ડની દુનિયામાં ફસાયો હોય છે અને ઘરે જવા માગતો હોય છે. આ ગીતને તેમણે ખૂબ જ સારી રીતે ગાયું હતું અને એમાં ટાઇમલેસ ક્વૉલિટી જોવા મળે છે.’