ક્રિતી અને કબીર બહુ જલદી કરી લેવાનાં છે લગ્ન?

18 February, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ બૉયફ્રેન્ડના પરિવારને મળવા માટે દિલ્હી ગઈ હતી અને આના કારણે આવી ચર્ચાએ વેગ પકડ્યો છે

ક્રિતી સૅનન અને કબીર બહિયા

ઍક્ટ્રેસ ક્રિતી સૅનન અને કબીર બહિયાની ગણતરી બૉલીવુડના હૅપનિંગ કપલ તરીકે થાય છે. આ પ્રેમી જોડીએ ક્યારેય તેમના સંબંધની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમને ઘણી વાર સાથે જોવામાં આવ્યાં છે. તાજેતરમાં બન્નેને દિલ્હીના ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યાં, જેના કારણે સોશ્યલ મીડિયા પર તેમનાં લગ્નની અફવા ઊડી રહી છે. રિપોર્ટ્‍સ મુજબ ક્રિતી બૉયફ્રેન્ડ કબીરના પરિવારને મળવા માટે દિલ્હી ગઈ હતી અને આના કારણે તેનાં લગ્નની ચર્ચાએ વેગ પકડ્યો છે. માનવામાં આવે છે કે તેઓ ૨૦૨૫ના અંત સુધી લગ્ન કરી શકે છે.

દિલ્હીના ઍરપોર્ટ પર પોતાનો ચહેરો ઢાંકવા માટે ક્રિતીએ માસ્ક, ટોપી અને ગૉગલ્સની મદદ લીધી હતી. સાદા લુકમાં પણ તે સફેદ ટૉપ, બ્લુ જીન્સ અને કાળા જૅકેટમાં ખૂબ સુંદર લાગી રહી હતી, જ્યારે કબીરે ઑલ બ્લૅક આઉટફિટ પહેર્યું હતું.

આ પહેલાં પણ ક્રિતી અને કબીરને ક્રિસમસ, ન્યુ યર અને અન્ય વેકેશન પર પણ સાથે જોવામાં આવ્યાં હતાં. આ પછી તેમના ડેટિંગના સમાચારે વેગ પકડ્યો હતો. તાજેતરમાં ક્રિતી અને કબીર બૅન્ગલોરમાં એક લગ્નમાં જોવા મળ્યાં હતાં. એમાં પણ તેઓ કલર કો-ઑર્ડિનેટેડ આઉટફિટમાં દેખાયાં હતાં. કબીર લંડનબેઝ્ડ બિઝનેસમૅન છે અને યુકેની લીડિંગ ટ્રાવેલ એજન્સીના માલિક કુલજિંદર બહિયાનો દીકરો છે.

કબીરનો જન્મ નવેમ્બર ૧૯૯૯માં થયો હતો અને તેણે સ્કૂલનો અભ્યાસ ઇંગ્લૅન્ડના બોર્ડિંગ સ્કૂલમાં કર્યો છે. કબીર ભારતીય ક્રિકેટર એમ. એસ. ધોનીની પત્ની સાક્ષીનો કઝિન છે અને એટલે જ ધોની અને તેમની પત્ની સાક્ષી સાથે ઘણી વાર પાર્ટી કરતો જોવા મળે છે.

kriti sanon relationships bollywood news bollywood entertainment news