17 May, 2023 03:40 PM IST | Mumbai | Parth Dave
સચિન પિળગાંવકર
‘સિટી ઑફ ડ્રીમ્સ’માં રાજકારણી જગદીશ ગૌરવનું પાત્ર ભજવી રહેલો સચિન પિળગાંવકર યુવા ઍક્ટર્સ-ડિરેક્ટર્સ પાસે શીખવામાં નાનમ નથી અનુભવતો. ઍક્ટર ઉપરાંત ડિરેક્ટર, પ્રોડ્યુસર, રાઇટર અને સિંગર તરીકે વર્ષોથી ઍક્ટિવ સચિન પિળગાંવકરે કહ્યું હતું કે ‘ડિજિટાઇઝેશન અને ઓટીટીના નવા જમાનામાં અમારા જેવા લોકોએ ઘણું શીખવાનું છે. એ શીખવા માટે સૌથી પહેલાં એનો સ્વીકાર કરવો પડે. આજના ડિરેક્ટર્સ અને ઍક્ટર્સ ઘણા ટૅલન્ટેડ છે. તેઓ પ્રિપેર્ડ થઈને આવે છે. તેઓ શૂટિંગ સ્થળે આવીને વિચારતા નથી. કલાકારોને તેમની લાઇન્સ પાકી હોય છે. શૉટ માટે તેઓ રેડી હોય છે. અમને એવી આદત નહોતી. અમે શૉટ-ટુ-શૉટ તૈયારી કરતા. ડિરેક્ટર કહેતા એ મુજબ શૉટ આપતા. એટલે અમને ક્યારેક પ્રૉબ્લેમ થઈ જાય અને એટલે જ હું શીખવાનું કહું છું. તમારા કરતાં નાની ઉંમરના લોકો પાસે શીખવાથી તમે નાના નથી થઈ જતા. એમાં શરમાવાની જરૂર નથી.’
સિત્તેરના દાયકામાં ‘ગીત ગાતા ચલ’, ‘બાલિકા વધૂ’, ‘અંખિયોં કે ઝરોખોં સે’ અને ‘નદિયા કે પાર’ જેવી ફિલ્મો કરી ચૂકેલા સચિન પિળગાંવકર મૂવી બફ છે. આ વિશે તેમણે કહ્યું કે ‘અભિનેતા, દિગ્દર્શક કે ગાયક પહેલાં હું ‘એ ક્લાસ ઑડિયન્સ’ છું. આ બાબતે મારા સાથે કોઈ સ્પર્ધામાં ન ઊતરી શકે. જેટલી પણ કન્ટેન્ટ બને છે એ મારા જેવા માટે બને છે. હું દર શુક્રવારે થિયેટરમાં જઈને ફિલ્મ જોનારામાંનો છું. હું હવે જુદા-જુદા પ્લૅટફૉર્મ્સ ઉપર સિરીઝ ને ફિલ્મો જોતો હોઉં છું.’