11 January, 2022 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કીર્તિ કુલ્હારી ‘નાયેકા’ દ્વારા બની પ્રોડ્યુસર
કીર્તિ કુલ્હારીએ નવા વર્ષથી નવી જર્નીની શરૂઆત કરી છે. તે ઉમદા ઍક્ટ્રેસ તો હતી જ હવે તેણે એક પ્રોડ્યુસર તરીકે હાથ અજમાવવાનું નક્કી કર્યું છે. તે ‘નાયેકા’ નામની ડાર્ક કૉમેડી-થ્રિલરને પ્રોડ્યુસ કરી રહી છે. બીજી જાન્યુઆરીથી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તેના પ્રોડક્શન હાઉસનું નામ ‘કિત્સુકુરોઈ ફિલ્મ્સ’ છે. આ એક જપાની શબ્દ છે. એનો અર્થ થાય છે તૂટેલા ઘડાનું સોનાથી સમારકામ કરવું. પહેલાંના સમયમાં કોઈ વસ્તુ તૂટી જાય તો એને પહેલાં કરતાં વધુ સુંદર બનાવવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જ કારણ છે કે તેણે પોતાના પ્રોડક્શન હાઉસનું આ નામ રાખ્યું છે. ‘નાયેકા’માં તે ઍક્ટિંગ પણ કરવાની છે. આ ફિલ્મ વિશે કીર્તિએ કહ્યું કે ‘પ્રોડ્યુસર વશિષ્ઠ જ્યારે પહેલી વખત મારી પાસે આ ફિલ્મ લઈને આવ્યા ત્યારે મેં એક ઍક્ટર તરીકે તરત હા પાડી દીધી હતી. સાથે જ હું ગર્વથી કહી શકું છું કે એક પ્રોડ્યુસર તરીકે મારી જર્નીની આનાથી સારી શરૂઆત કોઈ ન હોઈ શકે. હું જે પ્રકારની કન્ટેન્ટ પસંદ કરુ છું એવી કન્ટેન્ટને હું પ્રોડ્યુસર તરીકે પણ બનાવવા માગતી હતી. ‘નાયેકા’ એક એવી ફિલ્મ છે એના જેવો રોલ મેં પહેલાં કદી પણ નથી કર્યો. આ એક ઝડપથી દોડતી ડાર્ક કૉમેડી થ્રિલર છે. એમાં યંગ, ડાયનૅમિક અને ટૅલન્ટેડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિરેક્ટર અને રાઇટર અજય કિરણ નાયરે સારી ભૂમિકા ભજવી છે. એક અનોખી સ્ક્રિપ્ટ સાથે હું મારી પ્રોડ્યુસર તરીકેની ભૂમિકાની શરૂઆત કરું છું. મારા પ્રોડક્શન હાઉસના નામ પ્રમાણે જ એની સ્ટોરીઝ તૂટેલા દિલોને જોડશે અને ફિલ્મોના માધ્યમથી લોકોના ખાલીપાને પણ ભરી દેશે.’
ફિલ્મની શરૂઆત કરતાં પહેલાં પૂજા કરવામાં આવી હતી. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિએ કૅપ્શન આપી હતી, ‘અહીં ખૂબ મોટી જાહેરાત કરું છું. આપણે લાઇફમાં પ્લાન ઘડીએ છીએ અને લાઇફ આપણા માટે પ્લાન બનાવે છે. છેલ્લાં થોડાં વર્ષોથી હું શીખી ગઈ છું કે મારા પ્લાનને લાઇફના પ્લાન સાથે જોડી દઉં અને સમયની સાથે આગળ વધું. કદી કલ્પના નહોતી કરી કે હું ક્યારેક અહીં ઊભી રહીશ. ૨૦૨૨ની શરૂઆત દ્વારા મારી નવી જર્નીની પણ શરૂઆત થઈ છે. પ્રોડ્યુસર તરીકે મેં વાર્ડવિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટ, યતીન ગુપ્તે, સાજિદ મેલેક, વશિષ્ઠ ઉપાધ્યાય, શાહિદ પઠાણ સાથે મારા પહેલા કો-પ્રોડક્શન ‘નાયેકા’ માટે’ હાથ મિલાવ્યા છે. આ એક
કૉમેડી-થ્રિલર છે. એના ડિરેક્ટર અને રાઇટર અજય કિરણ નાયર છે. હું આ ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરવાની છું. મને ગર્વ અને ખુશી છે કે હું અનેક ટૅલન્ટેડ અને યંગ લોકો સાથે કામ કરી રહી છું. તા.ક. મારા પેરન્ટ્સનો આભાર કે તેમણે હંમેશાં મને સપોર્ટ આપ્યો છે અને મારી પડખે ઊભા રહ્યા છે. સાથે જ એ બધા લોકોનો પણ આભાર માનું છું જેઓ મને અહીં સુધી લઈ આવ્યા છે.’