28 December, 2023 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોફી વિથ કરન ૮
‘કુછ કુછ હોતા હૈ’માં સલમાન ખાને કામ કરવાની હા પાડી એનુ કારણ કરણ જોહરે જણાવ્યું હતું. ૧૯૯૮માં આવેલી કરણ જોહરની આ પહેલી ફિલ્મ હતી. ગઈ કાલે સલમાનનો બર્થ-ડે હતો. તેને શુભેચ્છા આપતાં કરણે આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવી હતી. આ ફિલ્મના એક સીનનો સલમાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘પચીસ વર્ષ પહેલાં હું એક પાર્ટીમાં ગુમ અને થોડો કન્ફ્યુઝ્ડ હતો. એક મોટા સ્ટારે મારી પાસે આવીને મને પૂછ્યું કે હું એક ખૂણામાં કેમ ઊભો છું. મેં તેને કહ્યું કે હું અનેક ઍક્ટર્સ પાસે મારી ફિલ્મ લઈને ગયો પણ તેમણે બધાએ રિજેક્ટ કરી છે. સુપરસ્ટારની બહેન મારી ખૂબ નજીક છે. એથી તેણે જણાવ્યું કે તેની બહેને મારી સ્ક્રિપ્ટની ખૂબ પ્રશંસા કરી છે અને એથી મારે સ્ટોરીના નરેશન માટે તેને એક વખત જરૂર મળવું જોઈએ. મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને નરેશનની પણ તક મળશે. હું તેને મળવા માટે પ્રાર્થના કરતો ગયો અને દિલમાં એક જ ઇચ્છા હતી કે ચમત્કાર થાય. મારી પહેલી ફિલ્મને નરેટ કરી, જેના પર મારી લાઇફનો આધાર હતો. તેણે ઇન્ટરવલના ભાગમાં મારી સામે જોયું. (મને એવું લાગતું હતું કે હું સહારાના રણમાં છું અને પાણી જ માત્ર મને બચાવી શકે છે.) તેણે પાણી આપ્યું અને કહ્યું કે હું તૈયાર છું. હું પરેશાન હતો અને કહ્યું કે આ ફિલ્મમાં તું સેકન્ડ હાફમાં આવીશ? તેં તો સ્ટોરી સાંભળી પણ નથી. તો તેણે કહ્યું કે ‘હું તારા પિતાને પ્રેમ કરું છું અને જો હું આ ફિલ્મમાં કામ નહીં કરું તો મારી બહેન મને મારી નાખશે.’ અને આ રીતે ‘કુછ કુછ હોતા હૈ’માં સલમાન ખાન આવ્યો. હું અલ્વિરાનો અને મારા પિતાની સારપનો આભારી છું કે મને મારી પહેલી ફિલ્મમાં અમન તરીકે સલમાન ખાન મળી ગયો. આ પ્રકારના હાવભાવ અને સ્ટોરીઝ હવે જોવા નથી મળતાં. હૅપી બર્થ-ડે સલમાન. તારા માટે હંમેશાં પ્રેમ અને સન્માન છે. આજે પચીસ વર્ષ બાદ ફાઇનલી ફરી એક વખત આપણે કોઈ સ્ટોરી કહીશું. હવે વધારે કાંઈ નથી કહેવું. હૅપી હૅપી બર્થ-ડે.’