22 May, 2026 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
કંગના રનૌતેે શું ગુપચુપ લગ્ન કરી લીધા? એક્ટ્રેસની તાજેતરની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને યુઝર્સ વચ્ચે આ જ ચર્ચા ચાલી રહી છે. જ્યારે લોકોએ કંગનાને ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ પહેરેલી જોઈ, ત્યારે તેઓએ પ્રશ્નો પૂછવા લાગ્યા કે શું તેણે સિક્રેટ રીતે લગ્ન કરી લીધા છે? જોકે, હવે કંગનાએ આ બધી અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.
કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના મંગળસૂત્ર અને લીલી બંગડીઓનો લુક શેર કર્યો અને લખ્યું,, “હું દરરોજ શહેરમાં અને આસપાસ શૂટિંગ કરતી હોઉં છું અને કોઈએ મારી આ તસવીર ખેંચી લીધી, જેમાં હું કેરેક્ટરના મેકઅપ લુકમાં છું. ત્યારથી મને અનેક ફોન કોલ્સ આવી રહ્યા છે. પરંતુ એક પરિણીત મહિલાના લુકને લઈને એટલી મોટી વાત શું છે? કલાકારો દરેક પ્રકારના રોલ કરે છે. હું વચન આપું છું કે હું ગુપચુપ લગ્ન નહીં કરું.”
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કંગના એક ઘરમાંથી બહાર નીકળતી અને પોતાની કાર તરફ જતા જોવા મળે છે. આ દરમિયાન તેની આસપાસ સિક્યોરિટી ટીમ પણ નજરે પડે છે. કંગનાએ લાઇટ પિંક રંગનો ડ્રેસ પહેર્યો હતો અને માથા પર બિંદી લગાવી હતી. પાપારાઝીની નજર તેના પર પડી હોવા છતાં તેણે કોઈ સાથે વાત નહોતી કરી અને સીધી કારમાં બેસી ગઈ હતી. વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ.
એક યુઝરે લખ્યું, “મંગળસૂત્ર? શું કંગનાના લગ્ન થઈ ગયા?” જ્યારે અન્ય એકે કહ્યું, “લાગે છે કે તે શૂટિંગ કરી રહી છે.” કેટલાક લોકોએ કંગનાના સિક્રેટ મેરેજનો અંદાજ લગાવ્યો, તો કેટલાકે આ ફિલ્મના શૂટિંગનો ભાગ હોવાનું જણાવ્યું.
હકીકતમાં કંગનાએ લગ્ન કર્યા નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ લુક તેની આવનારી ફિલ્મ ‘ક્વીન 2’ માટેનો છે, જેને ‘ક્વીન ફોરએવર’ નામથી બનાવવામાં આવી રહી છે. કંગનાએ તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. તેણે પોતાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું કામ પૂર્ણ કર્યા બાદ ‘ક્વીન 2’ની તૈયારી શરૂ કરી હતી.
જોકે કંગના અથવા તેની ટીમ તરફથી હજુ સુધી આ વેડિંગ લુક અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હાલમાં તે મુંબઈમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 39 વર્ષની કંગના રનૌત લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેનું નામ ચિરાગ પાસવાન સાથે પણ જોડાતું રહ્યું છે. બંને જ્યારે પણ સાથે જોવા મળે છે ત્યારે તેમની તસવીરો અને વીડિયો વાયરલ થઈ જાય છે.
જોકે કંગનાએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં આ અફવાઓને નકારી કાઢી હતી. તેણે કહ્યું હતું કે, “અમે 10 વર્ષ પહેલા સાથે ફિલ્મ કરી હતી. જો રોમાન્સ હોત તો આજે અમારા બાળકો હોત. અમારા વચ્ચે કંઈ હોત તો એ ત્યારે જ થઈ ગયું હોત.” કંગના અને ચિરાગે વર્ષ 2011માં ફિલ્મ `મિલે ના મિલે હમ`માં સાથે કામ કર્યું હતું.