05 January, 2021 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલ
‘ત્રિભંગા : ટેઢી મેઢી ક્રેઝી’માં પોતાના રોલને લઈને કાજોલે જણાવ્યું હતું કે પોતાની ઇચ્છા પ્રમાણે લાઇફ જીવવી જોઈએ. આ ફિલ્મ 15 જાન્યુઆરીએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં કાજોલ, તન્વી આઝમી, મિથિલા પારકર, કંવલજીત, કુણાલ રૉય કપૂર અને માનવ ગોહિલ પણ જોવા મળવાનાં છે. ફિલ્મને રેણુકા શહાણેએ લખી અને ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી 3 મહિલાઓની જર્નીને દેખાડશે. આ ફિલ્મમાં કાજોલે અનુરાધા આપ્ટેનું પાત્ર ભજવ્યું છે. એ વિશે કાજોલે કહ્યું હતું કે ‘નામ મુજબ જ આ ફિલ્મ નારીત્વને અને તેમની સુંદરતાને સેલિબ્રેટ કરશે. આપણે એ અપૂર્ણતાને વધાવવી જોઈએ અને જે રીતે અનુ, નયન અને માશા જીવે છે એ જ રીતે આપણી મરજી પ્રમાણે જીવવું જોઈએ. દર્શકો મને ઓળખે છે એ રીતે મારું પાત્ર બિન્દાસ અને સ્વચ્છંદ છે. જોકે એ થોડું અલગ પણ છે. એક મા તરીકે મહિલાને રોજબરોજના જીવનમાં જે પ્રકારે નાની-નાની બાબતોનો સામનો કરવો પડે છે, એનાથી બાળકો પર માઠી અસર પડે છે. માતૃત્વનાં ઇમોશન્સને રેણુકાએ ખૂબ જ સરસ રીતે દર્શાવ્યાં છે. દર્શકોને આ ફિલ્મ દેખાડવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. આશા છે કે આ ફિલ્મ દરેક વર્ગના લોકોને સ્પર્શી જશે.’