28 September, 2023 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચને તેમના શો ‘કૌન બનેગા કરોડપતિ’ની પંદરમી સીઝનમાં જણાવ્યું છે કે તેઓ દિલીપ કુમારની તોલે ન આવી શકે. સોની પર આવતા આ શોમાં હરિયાણાના હિસારથી એક મહિલા હૉટ સીટ પર આવી હતી. એ દરમ્યાન ૧૨,૫૦,૦૦૦ના સવાલ સુધી તે પહોંચી હતી. એ સવાલ દિલીપ કુમારના નામ સાથે જોડાયેલો હતો. તેમનું રિયલ નામ યુસુફ ખાન હતું. તેમણે દિલીપ કુમાર નામનો સ્વીકાર કર્યો હતો. સવાલ એ હતો કે દિલીપ કુમાર નામને સ્ક્રીન નેમ તરીકે પસંદ કરવા અગાઉ તેમને કયા ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાં અકબર, શાહજહાં, બાબર અને જહાંગીર પર્યાય આપવામાં આવ્યા હતા. એ સવાલ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘હું દિલીપ કુમારનો મોટો ફૅન છું, પરંતુ મને પણ આનો જવાબ ખબર નથી. દિલીપ કુમારનું રિયલ નામ યુસુફ ખાન છે. તેમણે જ્યારે ફિલ્મ સાઇન કરી ત્યારે તેમને જણાવવામાં આવ્યુ કે તેમને સ્ક્રીન નેમની જરૂર છે. પ્રસિદ્ધ ઍક્ટ્રેસ દેવિકા રાની અને રાઇટર-કવી ભગવતી ચરણ વર્માએ તેમને ત્રણ ઓપ્શન આપ્યા હતા વાસુદેવ, દિલીપ કુમાર અને જહાંગીર. દિલીપ સાબે જહાંગીર નામ પસંદ ન કર્યું. ઘણાં વર્ષો બાદ તેઓ ‘મુગલ-એ-આઝમ’માં જહાંગીરના રોલમાં દેખાયા હતા. હું દિલીપ કુમારનો મોટો ફૅન છું. હું હંમેશાં માનતો આવ્યો છું કે ભારતીય સિનેમાનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે એમાં દિલીપ કુમાર પહેલાનો અને દિલીપ કુમારની બાદનો ઈતિહાસ લખાશે.’
તેમની આ વાત પર કોન્ટસ્ટન્ટે કહ્યું કે ‘સર, સાથે જ એમાં વધુ એક વસ્તુનો પણ ઉમેરો કરવામાં આવશે. અમિતાભ બચ્ચન પહેલાનો અને અમિતાભ બચ્ચન બાદનો ઇતિહાસ પણ એમાં લખવામાં આવશે.’
તો તેની આ વાત પર અમિતાભ બચ્ચને કહ્યું કે ‘હું તેમની સરખામણીએ ન આવી શકું. તેઓ અદ્ભુત કલાકાર અને વ્યક્તિ હતા. તેમની પ્રશંસામાં તો હું શું કહું? તેમના વિશે ચર્ચા કરવા માટે તો મારે આખો શો જોઈશે.’