17 December, 2022 08:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૮મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાની મુખરજીએ શાહરુખ ખાનના હાથ પર કિસ કરી હતી.
‘પઠાન’નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવિધ સંસ્થાઓએ ઊધડો લીધો છે. સાથે જ હિન્દુ સંગઠનોએ ફિલ્મની રિલીઝને અટકાવવાની પણ માગણી કરી છે. આ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલા કેસરી રંગના ડ્રેસને કારણે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. કર્ણાટકની શ્રી રામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુથાલિકે કહ્યું કે ‘આપણે જૂના કાળમાં નથી રહ્યા. હવે સમય બદલાયો છે અને સજાગતા આવી છે.
બૉલીવુડ ફિલ્મોનો બહિષ્કાર કામ કરી જાય છે. જો ‘બેશરમ રંગ’ને હટાવવામાં નહીં આવે તો બૉયકૉટ ‘પઠાન’ની શરૂઆત કરવામાં આવશે.’
તો બીજી તરફ આ વિવાદની વચ્ચે પ્રકાશ રાજે ફિલ્મને સપોર્ટ કર્યો છે. ટ્વિટર પર પ્રકાશ રાજે ટ્વીટ કર્યું હતું, ‘ભગવા પહેરેલા પુરુષો જ્યારે બળાત્કાર કરે છે તો એ ચલાવી લેવામાં આવે છે, પરંતુ ફિલ્મમાં આ ડ્રેસને લઈને વાંધો છે? આ તો અમસ્તા જ પૂછ્યું.’
તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે ‘શું કેસરી રંગને બેશરમ કહીને, એક હિન્દુ મહિલાને ભગવા કપડાંમાં બોલ્ડ દેખાડીને ઇસ્લામિક જિહાદીઓની કઠપૂતળી બની રહ્યા છો? હવે હદ થાય છે. હિન્દુ સમાજ હવે આવા પ્રકારનું અપમાન સાંખી નહીં લે.’
કિસ ઇન ફેસ્ટિવલ
૨૮મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાની મુખરજીએ શાહરુખ ખાનના (Shah Rukh Khan) હાથ પર કિસ કરી હતી. તેમના ફૅન્સ રાનીની આ અદા પર ફિદા થયા છે. આ ફેસ્ટિવલમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને શત્રુઘ્ન સિંહા પણ હાજર હતાં. બાવીસ ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલનું આયોજન થવાનું છે. શાહરુખને કિસ કરતો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. બન્નેના ફૅન્સ તેમની પ્રશંસા કરતાં થાકતા નથી.