હનુમાન અંશના ડિરેક્ટરની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ફિલ્મ જોવાની અપીલ

05 September, 2026 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલીઝ પહેલાં બૉલીવુડનો સાથ ન મળ્યો પણ સફળતા બાદ અભિનંદનના ફોન આવ્યા: હનુમાન અંશના ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીએ ફિલ્મી દુનિયાની પોલ ખોલી

હનુમાન અંશના ડિરેક્ટરની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ફિલ્મ જોવાની અપીલ

આધ્યાત્મિક ફિલ્મ ‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર ફિલ્મ શાનદાર પ્રદર્શન કરી રહી છે. કંગના રનૌતથી લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દર સેહવાગ સુધી અનેક જાણીતી હસ્તીઓએ ફિલ્મનાં વખાણ કર્યાં છે. વીરેન્દર સેહવાગે પોતાના દીકરા સાથે ફિલ્મ જોયા બાદ એક વિડિયો શૅર કરીને ફિલ્મ વિશે પોતાનો હકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 
વીરેન્દર સેહવાગના ફીડબૅક પછી ફિલ્મના લેખક-ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીએ કહ્યું કે ‘સેહવાગે કોઈ આગ્રહ વિના પોતે જ ફિલ્મ જોઈ અને એની પ્રશંસા કરી. હું ઇચ્છું છું કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ ‘હનુમાન અંશ’ જુએ. જો વિરાટ અને અનુષ્કા ફિલ્મ જોશે તો એ અમારી આખી ટીમ માટે ખૂબ જ ખુશીની ક્ષણ હશે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ ફિલ્મ જોઈને પોતાનો અભિપ્રાય પણ આપે.’

વિરાટ અને અનુષ્કા રિયલમાં નીમ કરૌલી બાબાનાં પરમ ભક્ત છે અને તેઓ અવારનવાર તેમના દરબારમાં આશીર્વાદ લેવા જાય છે. ‘હનુમાન અંશ’ પણ નીમ કરૌલી બાબાના જીવનથી પ્રેરિત હોવાથી ડિરેક્ટર ઇચ્છે છે કે આ દંપતી ફિલ્મ જુએ અને પોતાના વિચારો વ્યક્ત કરે.

માત્ર બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતાની બૉક્સ-ઑફિસ પર ચર્ચા છે. શરૂઆતમાં ધીમી ગતિએ આગળ વધેલી આ ફિલ્મ હવે પોતાના ચોથા સપ્તાહમાં કન્નડા સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટૉક્સિક’ કરતાં પણ વધુ દૈનિક કમાણી કરી રહી છે.
આ ફિલ્મની સફળતા વચ્ચે એના ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીએ ખુલાસો કર્યો કે રિલીઝ પહેલાં બૉલીવુડમાંથી તેમને કોઈ ખાસ સહયોગ મળ્યો નહોતો, પણ ફિલ્મ સફળ થતાં જ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેમને ફોન કરીને અભિનંદન પાઠવ્યાં હતાં. 
પોતાની લાગણી વ્યક્ત કરતાં ડૉ. વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘ફિલ્મની સફળતા પાછળ સૌથી મોટો ફાળો દર્શકોનો રહ્યો છે. શરૂઆતમાં મોટા બજેટની ફિલ્મોને પ્રાથમિકતા મળતાં ‘હનુમાન અંશ’નાં સ્ક્રીન અને શોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. મારી ફિલ્મના શો ૨૫૦થી ઘટીને માત્ર પચીસ રહી ગયા હતા. ખાસ કરીને PVR અને સિનેપૉલિસ જેવી મલ્ટિપ્લેક્સ ચેઇનોએ શરૂઆતમાં પ્રાઇમ લોકેશન પર ફિલ્મ બતાવવા અંગે શંકા વ્યક્ત કરી હતી. ફિલ્મ સારી ચાલવા લાગી ત્યાર બાદ ઘણા લોકોએ મને ફોન કરીને અભિનંદન આપ્યાં. હું તેમનાં નામ જાહેર કરવા નથી ઇચ્છતો. મને અભિનંદન આપનારાઓમાં મધુર ભંડારકર પણ હતા, જેમની પાસે મેં ક્યારેય મદદ માગી નહોતી. જોકે બાકીના લોકોનાં નામ એટલા માટે નથી કહેતો કારણ કે મેં તેમની પાસે સહયોગ માગ્યો હતો અને તેમણે મારી મદદ કરી નહોતી. તેઓ હવે માત્ર અભિનંદન આપી રહ્યા છે એટલે હું તેમનાં નામ લેવા માગતો નથી.’

virat anushka bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news