21 September, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધીરેન્દ્ર શાસ્ત્રી અને અનુપ્રિયા નાગર
નીમ કરૌલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતાએ સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. માત્ર બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અનેકગણી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મને રિલીઝ થયાને ૪૦ દિવસથી વધુ સમય પસાર થઈ ગયો છે છતાં એને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ દરમ્યાન ફિલ્મની પ્રોડ્યુસર અનુપ્રિયા નાગર બાગેશ્વર ધામ પહોંચી હતી. છેલ્લા કેટલાક સમયમાં અનુપ્રિયા બીજી વખત બાગેશ્વર ધામ પહોંચી હતી અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પણ મુલાકાત કરી હતી. આ ઘટનાક્રમ પછી હવે તે બાગેશ્વર ધામ પર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી હોવાનાી ચર્ચાએ જોર પકડ્યું છે.
જોકે અનુપ્રિયાએ આ ચર્ચાના મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘બાગેશ્વર ધામ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય હું ત્યારે જ લઈશ જ્યારે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને સંન્યાસી બાબા એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પૂર્વજ મને આ અંગે માર્ગદર્શન આપશે. હું આ વાત કહેતી આવી છું કે હું ફિલ્મ બનાવતી નથી, નીમ કરૌલી બાબાએ જ મને ફિલ્મ તરફ મોકલી હતી. મને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી હતી એટલે હું એમાં જોડાઈ. મને લાગે છે કે ગુરુજી મારું માર્ગદર્શન કરશે ત્યાર બાદ જ હું મારી આગામી ફિલ્મ બનાવીશ. આવી વાર્તાઓ દુનિયા સુધી પહોંચાડવી મારા માટે સૌભાગ્યની વાત હશે.’