30 July, 2022 02:16 PM IST | Mumbai | Harsh Desai
`એક વિલન રિટર્ન્સ`નું પોસ્ટર
એક વિલન રિટર્ન્સ
કાસ્ટ : જૉન એબ્રાહમ, અર્જુન કપૂર, તારા સુતરિયા અને દિશા પાટણી
ડિરેક્ટર : મોહિત સૂરિ
રિવ્યુ : એક સ્ટાર (ફાલતુ)
૨૦૧૪માં આવેલી રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરની ‘એક વિલન’ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ ફિલ્મનો ડાયલૉગ ‘એ વિલન’ અને ‘દુબારા શિકાયત કા મૌકા નહીં દૂંગા’ ખૂબ જ ફેમસ થયો હતો. જોકે આઠ વર્ષ બાદ આ ફિલ્મની સીક્વલ બનાવીને શિકાયતનો મોકો આપી દેવામાં આવ્યો છે. ગઈ કાલે રિલીઝ થયેલી ‘એક વિલન રિટર્ન્સ’માં જૉન એબ્રાહમ, અર્જુન કપૂર, તારા સુતરિયા અને દિશા પાટણીએ કામ કર્યું છે. મોહિત સૂરિ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને એકતા કપૂર અને ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
બે હીરો અને બે હિરોઇનવાળી આ ફિલ્મની સ્ટોરી શું છે એ સમજવા માટે ખૂબ જ સમય માગી લે છે અને એમ છતાં એ સમજમાં આવે એ જરૂરી નથી. જોકે એમ છતાં કોશિશ કરી જોઈએ. અર્જુન કપૂર એક પૈસાદાર પિતાનો બગડેલો દીકરો હોય છે. તેની પ્લે બૉયની ઇમેજ હોય છે અને તે ક્લબ, મ્યુઝિક ફેસ્ટિવલ અને લોકોનાં લગ્નમાં જઈને ધમાલ મચાવવા માટે જાણીતો હોય છે. તે તારા સુતરિયાને મળે છે અને તેના પ્રેમમાં પડે છે. જોકે તે જ તેની સાથે બ્રેકઅપ પણ કરી નાખે છે અને પછી તારા તેના પ્રેમમાં પડે છે. જોકે પછી તારા બ્રેકઅપ કરે છે અને અર્જુન પ્રેમમાં પડે છે. આ ખૂબ જ કન્ફ્યુઝિંગ છે. બીજી તરફ જૉન એબ્રાહમ સિક્સ-પૅક ઍબ્સ સાથે ટૅક્સી-ડ્રાઇવરની ભૂમિકા ભજવી રહ્યો છે. તે સેલ્સગર્લ દિશા પાટણીના પ્રેમમાં પડે છે. સેલ્સગર્લ અને ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતી હોવા છતાં તે એકદમ મોંઘા બ્રેસલેટ અને હંમેશાં સારાં-સારાં કપડાંમાં જોવા મળતી હોય છે. તેઓ પણ પ્રેમમાં પડે છે. જોકે તેમની સ્ટોરીમાં પણ કોણ પ્રેમમાં છે એ કહેવું થોડું મુશ્કેલ છે. અને હા, આ બધાની વચ્ચે મર્ડર પણ થવાનાં શરૂ થાય છે. મર્ડર ફક્ત એવા વ્યક્તિઓનાં થતાં હોય છે જે એકતરફી પ્રેમમાં હોય છે. જોકે આ ચારે ઍક્ટર તેમની લાઇફમાં કોઈને કોઈ રીતે વિલન હોય છે. જોકે ખરેખરો વિલન કોણ જેણે એક ખૂબ જ મોટું મર્ડર કર્યું હોય તો એ છે સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ સૌથી મોટો વિલન છે જેણે ફિલ્મનું મર્ડર કર્યું છે. પૈસા હોય એથી કંઈ પણ બનાવી દેવું એવું નથી હોતું અને પછી કહેવામાં આવે છે કે બૉલીવુડની ફિલ્મો કેમ નથી ચાલતી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ક્રિપ્ટને મોહિત સૂરિએ અસીમ અરોરા સાથે મળીને લખી છે. ફિલ્મને મોહિતે જ ડિરેક્ટ પણ કરી છે. મોહિત તેની ફિલ્મની સ્ટાઇલ માટે જાણીતો છે. જોકે આ સસ્પેન્સ-થ્રિલર તેની અત્યાર સુધીની સૌથી ખરાબ ફિલ્મ કહી શકાય. તે જેના માટે જાણીતો છે એવું આ ફિલ્મમાં કંઈ છે જ નહીં. પ્રોડ્યુસર એકતા કપૂરે કહ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ રોહિત શેટ્ટી પાસે હતી અને તેની પાસે એ માગતાં તેણે એક ભાઈની જેમ આપી પણ દીધી હતી. રોહિત શેટ્ટીને પણ આ ફિલ્મ કેવી રીતે પસંદ આવી એ સૌથી મોટો સવાલ છે. જોકે તેને પણ પસંદ ન પડી હોય અને એટલે જ તેણે આપી દીધી હોય એવું તો નથીને? ફિલ્મની ટાઇમલાઇન વારંવાર બદલાતી રહે છે. આજકાલ લોકો જે રીતે પોતાના રંગ બદલે છે એ રીતે ફિલ્મ પણ રંગ બદલતી રહે છે. જોકે એ શું કામ બદલે છે અને એની પાછળનો મોટિવ શું છે એ રાઇટર્સ યોગ્ય રીતે દેખાડી નથી શક્યા. ફિલ્મ શરૂઆતથી જ અલગ નોટ પર શરૂ થાય છે. સસપેન્સ-થ્રિલર ફિલ્મ જોવા ગયેલાને આ ફિલ્મ શરૂઆતમાં હૉરર ફિલ્મ હોય એવું લાગી શકે છે. મોહિત સૂરિ, ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી અને એડિટર દરેકની આ સૌથી મોટી ભૂલ છે. તેઓ ફિલ્મની સ્ટોરી અને પ્લૉટ માટે શરૂઆતથી એક બેઝ તૈયાર નથી કરી શક્યા. ફિલ્મ શરૂ થવાની સાથે જ લોકો કોઈ પણ કારણસર કે કારણ વગર બદલો લેવાનું કે બીજા માણસને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. સારું થયું આ ફિલ્મનો કેસ પોલીસ કે સીબીઆઇ પાસે નથી નહીંતર આ ફિલ્મ બનાવવા પાછળનો મોટિવ શોધતાં-શોધતાં તેઓ ગાંડા થઈ જશે. મોહિતના ડિરેક્શનમાં પણ તેની અગાઉની ફિલ્મ જેવી વાત નથી. ‘એક વિલન’ની સ્ટોરી દર્શકોને સીટ પર જકડીને રાખતી હતી અને રિતેશનો પર્ફોર્મન્સ પણ લોકોને ડરાવી મૂકે એવો હતો. જોકે પર્ફોર્મન્સથી યાદ આવ્યું એ વિશે વાત કરવાની બાકી છે.
પર્ફોર્મન્સ
અર્જુન કપૂરે તેની ફિલ્મોની પસંદગી પર કાબૂ રાખવાની ખૂબ જ જરૂર છે. તેણે તેની ઇમેજથી હટકે રોલ ભજવવાની કોશિશ કરી છે, પરંતુ આ રોલ ભજવવાને તે યોગ્ય જ નહોતો. પ્રોડ્યુસર્સ દ્વારા દરેક ઍક્ટરને ભરખમ પૈસા આપવામાં આવ્યા હોય અને એથી ફિલ્મ પસંદ કરી હોય તો નવાઈ નહીં. ‘ગુંડે’, ‘ઔરંગઝેબ’ અને ‘કી ઍન્ડ કા’ જેવી ઘણી અલગ-અલગ ફિલ્મો આપનાર અર્જુન આ ફિલ્મમાં કંઈ પણ કરી રહ્યો છે. તે સારું કરે કે ખરાબ, પરંતુ એ એક કાંડ બની જાય છે. એનો ઉકેલ લાવવા માટે તે ફરી એક કાંડ કરે છે. આઇ મીન સ્ટોરીને આગળ વધારવા માટે કંઈ પણ દેખાડવું જરૂરી નથી. તારા સુતરિયા ફરી એક વાર એક ડૉલ હોય એવી જોવા મળી છે. તે સિંગર હોય છે. સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે તેની એનર્જી એકદમ હાઈ જોવા મળે છે, પરંતુ ગીત એકદમ સ્લો હોય છે. આથી તેની એનર્જી જરા પણ મૅચ નથી થતી. તેમ જ આ સિવાય તેની પાસે કોઈ ખાસ કામ નહોતું. જૉન એબ્રાહમનું પાત્ર થોડું કૉમ્પ્લેક્સ છે, પરંતુ તે હવે મોટા ભાગની ફિલ્મોમાં એકસરખું કામ કરતો જોવા મળી રહ્યો છે. તે હવે બાઇક ઊંચકશે, કાર ઊંચકશે અથવા તો પછી સળિયાને વાંકા વાળશે. અને હા, વચ્ચે-વચ્ચે કારણ વગર ટી-શર્ટ પણ ફાડશે. જો આવુંને આવું જ રહ્યું તો તેની પાસેથી હવે વધુ આશા રાખવી ભારે પડી શકે છે. દિશા પાટણીનું અત્યાર સુધી એવું હતું કે કોઈ પાત્રને ફિલ્મમાં મૃત્યુ પામતું દેખાડવામાં આવવાનું છે તો તેને પસંદ કરી લો. જોકે એવું હોત તો પણ સારું થયું હોત, કમ સે કમ સ્ક્રીન ટાઇમ તો ઓછો મળ્યો હોત. જોકે અહીં તે શું કરે છે અને કેમ કરે છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. તે કારણ વગર સતત હસતી જોવા મળી છે. જો તે થોડી સનકી હોય તો એ કેમ હોય છે એ ડિરેક્ટર અને રાઇટર દેખાડી નથી શક્યા. ફિલ્મમાં સૌથી કન્ફ્યુઝિંગ પાત્ર કોઈ હોય તો દિશાનું છે અને એને જોઈને ખરેખર કંટાળો આવે છે કે કેમ અને શું કામ એવું કરે છે.
મ્યુઝિક
મોહિત સૂરિ તેની ફિલ્મોની સ્ટાઇલની સાથે યાદગાર મ્યુઝિક આલબમ આપવા માટે પણ જાણીતો છે. જોકે આ ફિલ્મનું તેનું આલબમ અત્યાર સુધીનું સૌથી બકવાસ આલબમ છે. ફિલ્મમાં બે સારાં ગીત છે. એમાંથી પણ એક તો ‘ગલિયાં રિટર્ન્સ’ છે. બીજું કોઈ થોડું સારું ગીત હોય તો એ છે ‘દિલ’. આ ગીતો પણ એટલાં ખાસ નથી, પરંતુ આલબમમાં કોઈ સારાં હોય તો આ બેને પસંદ કરી શકાય છે.
આખરી સલામ
ફિલ્મ પૂરી થતાં રિતેશ દેશમુખની એન્ટ્રી પડે છે. તે ડાયલૉગ મારે છે કે ‘દુબારા શિકાયત કા મૌકા નહીં દૂંગા’. જોકે ફિલ્મ જોયા બાદ લાગે છે કે મોહિત સૂરિને પણ ખબર પડી ગઈ હશે કે એ કેવી છે અને એથી તેણે દર્શકો પાસે રિતેશના રૂપમાં માફી માગી હોય એવું લાગે છે. જોકે આ સાથે જ આ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મની જાહેરાત પણ થઈ ગઈ છે.