પંજાબી ગાયક દિલજીત દોસાંઝની મુશ્કેલીઓમાં વધારો! ઘરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી

25 May, 2026 11:59 AM IST  |  Ludhiana | Gujarati Mid-day Online Correspondent

Diljit Dosanjh Bomb Threat: પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંઝના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે; આ સાથે જ લુધિયાણાના મેયરના ઘરને પણ બોમ્બની ધમકી મળી છે; પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે

દિલજીત દોસાંજની ફાઇલ તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)

પંજાબી ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને લુધિયાણા (Ludhiana)ના મેયર પ્રિન્સિપલ ઇન્દરજીત કૌર (Principal Inderjit Kaur)ના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. સોમવારે લુધિયાણાના મ્યુનિસિપલ કમિશનર (Ludhiana Municipal Commissioner)ને એક અજ્ઞાત ઈમેલ મળ્યો હતો, જેમાં આ બંને જાણીતી હસ્તીઓના નિવાસસ્થાન પર હુમલો કરવાની વાત કહેવામાં આવી છે. આ ઈમેલ મળ્યા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી છે.

ગાયક દિલજીત દોસાંજને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

પંજાબી ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh Bomb Threat) અને લુધિયાણાના મેયર પ્રિન્સિપલ ઇન્દરજીત કૌરના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સોમવારે સવારે ૭.૨૮ વાગ્યે લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના સત્તાવાર સરકારી ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો.

આ ઈમેલમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, દિલજીત દોસાંજ અને મેયરના ઘર પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. ધમકી આપનારે મેયરના ઘર પર બપોરે ૧.૧૧ વાગ્યે વિસ્ફોટ કરવાની ચેતવણી આપી છે, જ્યારે દિલજીત દોસાંજના ગામમાં આવેલા ઘર પર આગામી ૬ જૂન સુધીમાં રાત્રે ૯.૧૧ વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.

અહેવાલો મુજબ, આ ઈમેલનું સબ્જેક્ટ લાઈન “B0mb Blast - Mayor Office Ludhiana!” (બોમ્બ બ્લાસ્ટ - મેયર ઓફિસ લુધિયાણા!) લખેલું હતું.

આ મોકલાયેલા ઈમેલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી (Khalistan National Army), એન્જિનિયર ગુરનખ સિંહ, રુકન શાહવાલ, ડોક્ટર ગુરનિવૈર સિંહ અને ખાન રઝાદાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સનસનાટીભર્યા ધમકીભર્યા ઈમેલ આવ્યા બાદ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને મેયર કેમ્પ ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

પ્રશાસને શરુ કરી તપાસ

આ ઘટના સામે આવ્યા બાદ પ્રશાસને ઈમેલ મોકલનારનું આઈપી (IP) એડ્રેસ ટ્રેસ કરવા અને તેની ઓળખ કરવા માટે તાત્કાલિક સઘન તપાસ શરૂ કરી દીધી છે. આ ગંભીર સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને મેયર ઓફિસ તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવે તેવી સંભાવના છે.

જો કે આ મામલે અત્યાર સુધી કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં ઈમેલમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે સંદર્ભો આપવામાં આવ્યા છે તેના કારણે સત્તાવાળાઓ આ ધમકીને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આ ઈમેલ સાંપ્રદાયિક અને અલગતાવાદી સંદેશાઓ દ્વારા લોકોમાં ગભરાટ પેદા કરવા અને લાઈમલાઈટ (ધ્યાન આકર્ષિત) મેળવવાના હેતુથી મોકલવામાં આવ્યો હોઈ શકે છે.

પંજાબમાં જૂન મહિનો કેમ સંવેદનશીલ છે?

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈમેલમાં આપવામાં આવેલી ૬ જૂનની સમયમર્યાદા (ડેડલાઈન)ને ધ્યાનમાં રાખીને તમામ સંવેદનશીલ સ્થળોની આસપાસ સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને પંજાબમાં જૂન મહિનાના સમયગાળાને સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

આ સંવેદનશીલતા પાછળનું મુખ્ય કારણ એ છે કે, વર્ષ ૧૯૮૪માં અમૃતસર (Amritsar)ના ગોલ્ડન ટેમ્પલ (Golden Temple)માં ચલાવવામાં આવેલા `ઓપરેશન બ્લુ સ્ટાર` (Operation Blue Star)ની વરસી જૂન મહિનામાં જ આવે છે. આ ઐતિહાસિક સંદર્ભને કારણે આ દિવસો દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે.

નોંધનીય છે કે, પંજાબી સંગીત અને ફિલ્મ જગતના વૈશ્વિક સ્તરે સૌથી મોટા કલાકારોમાંના એક દિલજીત દોસાંજ ભારત તેમજ વિદેશોમાં પણ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. આ સિંગર-એક્ટર અવારનવાર વિવિધ રાજકીય અને સામાજિક મુદ્દાઓને લઈને પણ ચર્ચાના કેન્દ્રમાં રહે છે, જેમાં ખેડૂત આંદોલન અને પંજાબ સાથે જોડાયેલી વિવિધ ચિંતાઓ તથા ચર્ચાઓનો સમાવેશ થાય છે.

diljit dosanjh bomb threat ludhiana punjab entertainment news bollywood bollywood news