ધૂમ 4માં અભિષેક બચ્ચનની જગ્યા લેશે વિકી કૌશલ?

17 January, 2025 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં મૂળ સિરીઝમાં અભિષેક બચ્ચને ભજવેલા પોલીસ-ઓફિસરના રોલ માટે આદિત્ય ચોપડાએ વિકી કૌશલનો સંપર્ક કર્યો છે

વિકી કૌશલ

યશરાજ ફિલ્મ્સે ફરી એક વખત મોટા પડદા પર ‘ધૂમ’ મચાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને ‘ધૂમ 4’નું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલ ૨૦૨૬માં શરૂ થશે.  મળતી માહિતી આ પ્રમાણે આ ફિલ્મમાં મૂળ સિરીઝમાં અભિષેક બચ્ચને ભજવેલા પોલીસ-ઓફિસરના રોલ માટે આદિત્ય ચોપડાએ વિકી કૌશલનો સંપર્ક કર્યો છે.  ‘ધૂમ 4’માં વિકીને નવા જ અંદાજમાં રજૂ કરવાનું પ્લાનિંગ છે. 
‘ધૂમ 4’ વિશે વાત કરતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિએ માહિતી આપી હતી કે `વિકી અને આદિત્ય વચ્ચે બે પ્રોજેક્ટ વિશે વાતચીત ચાલી રહી છે પણ હજી સુધી પાકા પાયે કંઈ નક્કી નથી થયું. જોરદાર ચર્ચા છે કે યશરાજ ફિલ્મ્સ વિકીને ‘ધૂમ 4’ સિવાય પણ બીજી એક મોટી ફ્રૅન્ચાઇઝી ફિલ્મ માટે સાઇન કરવા ઇચ્છે છે. જોકે વિકી આ પ્રોજેક્ટ્સનો હિસ્સો બની શકશે કે નહીં એ એની તારીખો પર નિર્ભર છે. વિકીનું શેડ્યુલ ૨૦૨૬ સુધી પૅક છે. જોકે હાલમાં વિકી અને આદિત્ય બન્ને સાથે મળીને ડેટ્સની સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા છે. ‘ધૂમ 4’ની પ્રોડક્શન-ટીમ હાલમાં આ ફિલ્મ માટે બે લીડ ઍક્ટ્રેસ અને એક વિલનને કાસ્ટ કરવામાં વ્યસ્ત છે.`

અત્યારે વિકી તેની આગામી ફિલ્મ ‘છાવા’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે.

આ ફિલ્મમાં તે છત્રપતિ સંભાજી મહારાજનો રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના પણ છે. આ સિવાય હાલમાં વિકી ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યાં છે.

vicky kaushal dhoom dhoom 2 dhoom 3 abhishek bachchan aditya chopra entertainment news bollywood bollywood news upcoming movie