✕

સની દેઓલની સૂર્યા : અંત સે આરંભ તકને મળી મોટી રાહત

21 November, 2026 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોની આશંકા સામે ‌ફિલ્મમેકરે આપી ખાતરી, હાઈ કોર્ટે સ્વીકારી.

સની દેઓલ

સની દેઓલની આગામી ફિલ્મ ‘સૂર્યા : અંત સે આરંભ તક’ને લઈને ડૉક્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવાદનો દિલ્હી હાઈ કોર્ટમાં સુનાવણી બાદ અંત આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલર સામે ડૉક્ટરોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આરોપ હતો કે ફિલ્મમાં ડૉક્ટરોને ખોટી અને બદનામ કરનારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ મામલે ડૉક્ટરોના એક ગ્રુપે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે ફિલ્મમેકર દ્વારા ટ્રેલર અને આખી ફિલ્મમાં ડિસ્ક્લેમર મૂકવાની ખાતરી આપવામાં આવ્યા બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. આ ફિલ્મ વિરુદ્ધ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને એના કારણે સામાન્ય લોકોમાં ડૉક્ટરો વિશે ખોટી માન્યતા ઊભી થઈ શકે છે. ડૉક્ટરોનું કહેવું હતું કે દેશના અનેક ભાગોમાં દરદીઓના પરિવારજનો દ્વારા ડૉક્ટરો અને હૉસ્પિટલના કર્મચારીઓ સાથે મારામારીની ઘટનાઓ પહેલેથી જ સામે આવતી રહે છે, આવી સ્થિતિમાં ફિલ્મોમાં ડૉક્ટરોને નકારાત્મક રીતે દર્શાવવાથી તેમની સુરક્ષા સામેનું જોખમ વધી શકે છે.

આ મામલામાં ફિલ્મમેકર તરફથી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલે કહ્યું હતું કે ‘સૂર્યા’ મલયાલમ ફિલ્મ ‘જોસેફ’ની રીમેક છે, મૂળ ફિલ્મ અગાઉ જ રિલીઝ થઈ ચૂકી છે અને એના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. તેણે એમ પણ જણાવ્યું હતું કે મલયાલમ ફિલ્મને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. આ મામલામાં ‌ફિલ્મમેકર તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે ફિલ્મના ટ્રેલર અને આખી ફિલ્મમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર મૂકવામાં આવશે જેમાં જણાવવામાં આવશે કે ફિલ્મ કાલ્પનિક વાર્તા પર આધારિત છે અને મલયાલમ ફિલ્મ ‘જોસેફ’નું રૂપાંતરણ છે. આ પછી મામલામાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ડૉક્ટરોની આશંકા અને ‌ફિલ્મમેકર તરફથી આપવામાં આવેલી ખાતરીને ધ્યાનમાં રાખીને અરજીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

sunny deol upcoming movie delhi high court entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood