29 April, 2024 05:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપક પરાશર , ઝીનત અમાન
‘નિકાહ’ માટે જાણીતા ઍક્ટર દીપક પરાશરનું કહેવું છે કે તે હજી પણ ઝીનત અમાન સાથે લગ્ન કરવા તૈયાર છે. તેમણે બન્નેએ ‘ઇન્સાફ કા તરાઝૂ’માં સાથે કામ કર્યું હતું. ઝીનત અમાન હાલમાં તેની લિવ-ઇન રિલેશનશિપની કમેન્ટને લઈને ખૂબ જ ચર્ચામાં રહી છે. ઝીનત અમાન વિશેની ફીલિંગ્સ વિશે વાત કરતાં દીપક પરાશર કહે છે, ‘ઝીનત અમાન અને હું ખૂબ જ સારા ફ્રેન્ડ્સ હતાં. અમે અમારાં સુખ અને દુઃખ શૅર કરતાં હતાં. અમે એકમેકની નજીક આવી રહ્યાં હતાં, પરંતુ મારી મમ્મીએ એના પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. તેણે મને કહ્યું કે હું જો ઝીનત અમાન સાથે લગ્ન કરીશ તો હું સફળ નહીં રહું. આથી હું વિચાર કરવા લાગ્યો હતો.’
ઝીનત અમાનને એકલી છોડવા વિશે દીપક પરાશર કહે છે, ‘એ સમયે તેની લાઇફમાં ઘણુંબધું ચાલી રહ્યું હતું અને તે ઇચ્છતી હતી કે તેને એકલી રહેવા દેવામાં આવે. અમે આ વિશે વાત કરી હતી, પરંતુ અમે આગળ નહોતાં વધ્યાં. સંજય ખાન સાથેની રિલેશનશિપને લઈને તે ખૂબ જ દુખી હતી. એ સમયે મઝહર ખાન તેની પાછળ પડ્યો હતો. તે ઝીનતનાં ઇમોશન્સ સમજી ગયો હતો અને મને અચાનક ખબર પડી કે તેણે લગ્ન કરી લીધાં છે. જોકે એ લગ્નજીવનમાં પણ તેને તકલીફ પડી હતી.’
દસ વર્ષ પહેલાં દીપક અને ઝીનત અમાન એક ફૅશન-શોમાં મળ્યાં હતાં. એ દરમ્યાનની તેમની વાતચીત વિશે દીપક પરાશર કહે છે, ‘ઝીનત જૈસી કોઈ લડકી નહીં. હું તેને ૨૦૧૪માં ફૅશન-શોમાં મળ્યો હતો અને મેં તેને કહ્યું હતું કે તે મારી દુલ્હન બને. હજી પણ મને તેના માટે ફીલિંગ્સ છે. તે બેસ્ટ મધર અને બેસ્ટ ડૉટર છે. તે એક સારી પત્ની છે અને મને તેના પર ખૂબ જ ગર્વ છે.’
દીપક પરાશરના ઍક્સિડન્ટ બાદ તેમને છોડીને જતી રહી હતી પત્ની
દીપક પરાશરે ૧૯૮૫માં સરિતા નામની મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરી થઈ હતી જેનું નામ રાધિકા રાખ્યું હતું. ૧૯૮૭માં દીપકનો દુબઈમાં ઍક્સિડન્ટ થયો હતો જ્યારે તેઓ બોટમાં હતા. ઘણા સમય સુધી તેમણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને ત્યાર બાદ તેમણે વ્હીલચૅરનો ઉપયોગ કરવો પડ્યો હતો. તેમની કરીઅર તો અટકી જ પડી હતી, પરંતુ તેમના લગ્નજીવનમાં પણ મુશ્કેલીઓ આવી હતી. તેમની પત્ની ૧૯૮૭માં જ તેમને છોડીને જતી રહી હતી અને તેમની દીકરીને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. દીપકની સેવા ત્યાર બાદ તેમના પેરન્ટ્સે કરી હતી.
અમે અમારાં સુખ અને દુઃખ શૅર કરતાં હતાં. અમે એકમેકની નજીક આવી રહ્યાં હતાં, પરંતુ મારી મમ્મીએ એના પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. તેણે મને કહ્યું કે હું જો ઝીનત અમાન સાથે લગ્ન કરીશ તો હું સફળ નહીં રહું.
- દીપક પરાશર