02 April, 2024 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિરંજીવી
ચિરંજીવીને કરીઅરની શરૂઆતમાં અપમાનિત થવું પડ્યું હતું અને એ જ દિવસે તેમણે મક્કમ નિર્ણય લીધો હતો કે તેઓ એક દિવસ સુપરસ્ટાર બનીને જ રહેશે. આ વાત તેમણે હૈદરાબાદમાં આયોજિત એક ઇવેન્ટમાં કહી હતી. એ વખતે વિજય દેવરાકોન્ડા પણ હાજર હતો. વિજયને સલાહ આપતાં ચિરંજીવીએ જણાવ્યું કે દૃષ્ટિકોણ હંમેશાં જીવંત રાખવો જોઈએ. પોતાની તાકાતને ઓળખવી જોઈએ. સુપરસ્ટાર બનવા વિશે ચિરંજીવીએ કહ્યું હતું કે ‘હું ફેમસ ઍક્ટર્સ જેવા કે જગાય્યા અને સારદા સાથે કામ કરતો હતો. એ વખતે કેટલાક જુનિયર આર્ટિસ્ટ્સ પણ હાજર હતા. સેટ પર એક દિવસ મારી સાથે ખૂબ અપમાનભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. મને કહેવામાં આવ્યું કે શું તું પોતાને સુપરસ્ટાર સમજે છે? મને ખૂબ માઠું લાગ્યું. મારી સાથે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. એ જ દિવસે મેં નક્કી કર્યું કે હું હવે સુપરસ્ટાર બનીને રહીશ. મારી આ ઇચ્છાને પૂરી કરવા માટે હું સતત એ ઘટનાને યાદ કરતો હતો. અહીં સુધી પહોંચવામાં મેં કેટલી સખત મહેનત કરી છે એ માત્ર હું જ
જાણું છું.’