સિદ્ધુ મૂસેવાલાના નિધન પર અજય, કપિલ અને મિકાએ આપી શ્રદ્ધાંજલિ

31 May, 2022 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખૂબ નાની ઉંમરમાં તેણે પોતાનાં ગીતો દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી

સિદ્ધુ મૂસેવાલા

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની પંજાબમાં છડેચોક થયેલી હત્યાને લઈને બૉલીવુડ સ્તબ્ધ થઈ ગયું છે. ૨૮ વર્ષનો આ સિંગર તેના અન્ય બે ફ્રેન્ડ્સ સાથે કારમાં જઈ રહ્યો હતો અને ત્યારે જ અચાનક અજાણ્યા શખ્સોએ આવીને તેના પર લગભગ ૩૦ ગોળી ફાયર  કરી હતી અને એમાંથી સાત-આઠ ગોળી તેને વાગી હતી. તેને આપવામાં આવેલી સિક્યૉરિટી હટાવવાના એક દિવસની અંદર જ તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ તેને તરત હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. ખૂબ નાની ઉંમરમાં તેણે પોતાનાં ગીતો દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી. સેલિબ્રિટીઝે તેને શ્રદ્ધાંજલિ આપી છે.

સતનામ શ્રી વાહેગુરુ. ખૂબ જ શૉકિંગ અને દુ:ખદ છે. મહાન કલાકાર અને અદ્ભુત વ્યક્તિ. ભગવાન તેના પરિવારને તાકાત આપે. : કપિલ શર્મા

સિદ્ધુ મૂસેવાલાના નિધનથી હું શૉક્ડ છું. વાહે ગુરુ તેમના પરિવારને દુ:ખની આ ઘડીમાં સામર્થ્ય આપે. તેના આત્માને શાંતિ મળે. આ વાત પર હજી પણ વિશ્વાસ નથી બેસતો. : અજય દેવગન

હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે મને પંજાબી હોવાનો ગર્વ છે, પરંતુ આજે મને એવું કહેતાં શરમ આવે છે. એક ટૅલન્ટેડ યુવાન જે માત્ર ૨૮ વર્ષનો જ હતો. ખૂબ પૉપ્યુલર અને તેનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ હતું એવા સિદ્ધુ મૂસેવાલાને પંજાબમાં પંજાબી દ્વારા જ ઠાર કરવામાં આવ્યો. ભગવાન તેના આત્માને શાંતિ આપે. તેના પરિવાર સાથે મારી સાંત્વના છે. પંજાબ સરકારને મારી વિનંતી છે કે અપરાધીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે. હાર્ટ બ્રેકિંગ. : મિકા સિંહ

entertainment news bollywood bollywood news bollywood gossips kapil sharma ajay devgn mika singh